વર્ગોત્તમ નવમાંશ:
અગાઉનાં લેખમાં જોયું હતું કે, એક રાશિ માં સવા બે નક્ષત્ર હોય છે. એક નક્ષત્ર માં ચાર પદ હોય છે. માટે એક રાશિમાં નવ પદ હોય છે. જેને નવમાંશ કહે છે.
અગ્નિ તત્વની, ધર્મ ત્રિકોણ ની મેષ રાશિમાં પ્રથમ નવમાંશ મેષ રાશિ નું આવે છે. નવમું નવમાંશ ધન રાશિનું હોય છે. વૃષભ રાશિ પૃથ્વી તત્વની, અર્થ ત્રિકોણની રાશિમાં પ્રથમ નવમાંશ મકર રાશિનું હોય છે , નવમું નવમાંશ કન્યા રાશિનું હોય છે.
મિથુન રાશિ વાયુ તત્વની, કામ ત્રિકોણ ની રાશિમાં પ્રથમ નવમાંશ તુલા રાશિનું હોય છે, નવમું નવમાંશ મિથુન રાશિનું હોય છે. કર્ક રાશિ જળ તત્વની મોક્ષ ત્રિકોણની રાશિમાં પ્રથમ નવમાંશ કર્ક રાશિનું હોય છે, નવમું નવમાંશ મીન રાશિનું હોય છે. અહી રાશિ અને નક્ષત્ર બંને સાથે પુરા થાય છે. નક્ષત્ર ના ટુકડા થતાં નથી.
અહી જોઈએ કે, અગ્નિ તત્વની રાશિઓમાં જેમકે મેષ, સિંહ અને ધન રાશિમાં પ્રથમ નવમાંશ મેષનું જોવા મળે છે.
પૃથ્વી તત્વની વૃષભ, કન્યા અને મકર રાશિમાં પ્રથમ પદ મકર રાશિનું આવે છે.
વાયુ તત્વની રાશિઓ મિથુન તુલા કુંભ રાશિમાં પર્થમ નવમાંશ તુલા રાશિનું હોય છે.
જળ તત્વની રાશિઓ કર્ક વૃશ્ચિક મીન માં પ્રથમ નવમાંશ કર્ક રાશિનું હોય છે.
એટલે કે કોઈ પણ તત્વની રાશિમાં પ્રથમ પદ જે તત્વની રાશિ હોય એમાંથી જે ચર રાશિ છે એનું હોય. આ એક સૂત્ર મળ્યું.
હવે વર્ગોતમ નવમાંશ એટલે શું એની વાત કરીશું.
એક ગ્રહ જે રાશિમાં હોય એજ રાશિનાં નવમાંશ પદમાં પણ હોય તેને વર્ગોતમ નવમાંશ માં છે એમ કહેવાય.
આપણે જોયું કે, મેષ રાશિમાં પ્રથમ પદ મેષ નવમાંશ નું છે. તો આ નવમાંશ ને વર્ગોતમ નવમાંશ કહેવાય.
કર્ક રાશિમાં પ્રથમ પદ કર્ક રાશિનું હોય . તુલા રાશિમાં પ્રથમ પદ તુલા રાશિનું હોય અને મકર રાશિમાં પ્રથમ નવમાંશ મકર નું જ જોવા મળે. આમ ચર રાશિમાં પ્રથમ નવમાંશ સ્વ રાશિનું જોવા મળે જેને વર્ગોતમ નવમાંશ કહીએ. આ રાશિઓમાં જો કોઈ ગ્રહ ૦° થી ૩-૨૦ ની અંદરનો રહ્યો હોય તો એ ગ્રહ નવમાંશ કુંડળીમાં પણ એજ રાશિનો જોવા મળે. આ ગ્રહને વર્ગોતમી ગ્રહ કહે છે.
સ્થિર રાશિ એટલે કે, વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ રાશિમાં પાંચમું નવમાંશ સ્વ રાશિનું હોય. સિંહ રાશિ માટે વિચારીએ. સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિ છે પ્રથમ પદ મેષ રાશિ નું આવે. બીજુ વૃષભ, ત્રીજુ મિથુન , ચોથું કર્ક પાંચમું સિંહ રાશિનું એટલે કે, સ્વ રાશિનું આવે. એનો અર્થ એમ થાય કે, જો કોઈ ગ્રહ સ્થિર રાશિ માં ૧૩-૨૦થી ૧૬-૪૦ ની વચ્ચેનાં અંશનો હોય તો , એ નવમાંશ કુંડળીમાં પણ એજ રાશિમાં જોવા મળે.
દ્વિસ્વભાવ રાશિ જેવીકે મિથુન કન્યા ધન, મીન રાશિમાં છેલ્લું નવમાંશ સ્વરાશિનું એટલેકે વર્ગોતમ હોય.
આપણે ધન રાશિ જે દ્વિસ્વભાવ રાશિ છે એની વાત કરીએ તો ધન રાશિ અગ્નિ તત્વની રાશિ છે. એમાં પ્રથમ નવમાંશ મેષ રાશિથી શરૂ થાય અને નવમું નવમાંશ સ્વ રાશિનું આવે. દ્વિસ્વભાવ રાશિમાં કોઈપણ ગ્રહ ૨૬-૪૦ થી ૩૦° ની વચ્ચેનો હોય તો એ ગ્રહ નવમાંશ કુંડળીમાં એજ રાશિમાં જોવાં મળે.
આમ વર્ગોતમ ગ્રહ રાશિ સ્વભાવ પર આધારિત છે.
ચર રાશિમાં પ્રથમ નવમાંશ
સ્થિર રાશિ માં પાંચમું નવમાંશ
દ્વિસ્વભાવ રાશિમાં નવમું નવમાંશ વર્ગોતમ થાય.
વર્ગોત્તમ નવમાંશ માં રહેલો ગ્રહ બળવાન બને છે. પ્રસિદ્ધિ અને પદ પ્રાપ્તિ કરાવે છે. જો કોઈ ગ્રહ નીચે રાશિમાં વર્ગોત્તમી હોય તો પણ ધન અને પ્રસિદ્ધિ આપે છે પરંતુ આ ગ્રહ શારિરીક અને માનસિક કષ્ટ આપે છે.
વર્ગોત્તમ નવમાંશ માં રહેલો ગ્રહ હંમેશા શુભ ફળ આપે છે એમ જોવા મળતું નથી. ઉદાહરણ તરીકે મેષ રાશિમાં પ્રથમ પદમાં રહેલો ગ્રહ વર્ગોતમી બને અને મીન રાશિમાં છેલ્લાં પદમાં રહેલો ગ્રહ વર્ગોતમી બને. પરંતુ આ બંને પદ ગંડાંત પદ હોઈ આ પદમાં વર્ગોતમ થયેલો ગ્રહ શુભ ફળ આપે જ એવું કહી શકાય નહીં.