ષડબળ અને તેનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્રમાં ભવિષ્ય ફળકથન કરવા માટે ભાવ, ભાવેશ, ભાવમાં રહેલ ગ્રહ, એના પર બીજા ગ્રહની દ્રષ્ટિ, ગ્રહ ઉચ્ચત્વ કે નીચત્વ પામેલો છે તે સર્વે નો વિચાર કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રહ સ્વરાશિમાં, મૂળ ત્રિકોણ રાશિમાં, મિત્ર, અધિમિત્ર રાશિમાં છે કે કેમ એ સર્વે બાબતો નો વર્ગ કુંડળીઓમાં પણ વિચાર કરી ને ગ્રહનું બળ શોધવામાં આવે છે. આમ સપ્તવર્ગ બળ, દશવર્ગ બળ તથા વીસવર્ગ બળ પણ ગ્રહોના બળાબળ માપવા માટે ઉપયોગી છે.
જ્યોતિષ ના વિદ્યાર્થીઓ ગ્રહોના બળની વાત આવે ત્યારે તેને વધુ મહત્વ આપતા નથી. કારણકે ગણિત વધુ હોય છે.
ગ્રહની બળાબળ કાઢવાની સૌથી ઉત્તમ પદ્ધતિ છે, ‘ષડબલ પદ્ધતિ’.
ષડબળ ફલિત જ્યોતિષ ઉપરાંત સિધ્ધાંત જ્યોતિષ નું અભિન્ન અંગ છે. જેના થકી ગ્રહોની શક્તિઓ નું અધ્યયન કરી શકાય છે. અને તેના થકી ફળકથન માં ચોકસાઈ લાવી શકાય છે. આથી ષડબળ એક વિશિષ્ઠ મહત્વ ધરાવે છે.
ષડબળ માં બળમાં છ બળ છે.
1) સ્થાન બળ (2) દિગ્ બળ (3) કાળબળ (4) ચેષ્ટા બળ (5) નૈસર્ગિક બળ (6) દ્રષ્ટિ બળ.
(1) સ્થાન બળ :
ગ્રહ સ્થાન બળ પાંચ પ્રકારે મેળવે છે.
A) ઉચ્ચ બળ ( B) સપ્તવર્ગિય બળ (C) ઓજયુગ્મ બળ (D) કેન્દ્રાદિ બળ (E) દ્વેષ કોણ બળ.
ગ્રહ આ બધા જ બળો ને રાશિમાં પોતાની સ્થિતિ ને કારણે મેળવતો હોવાથી આ બળને સ્થાન બળ કહે છે.
A) ઉચ્ચ બળ : જ્યારે કોઈ ગ્રહ પોતાના પરમ નીચાંશ ને પાર કરી ને પોતાની ઉચ્ચ રાશિ તરફ આગળ વધે તેને આરોહી ગ્રહ કહેવાય છે. પોતાની નીચની રાશિ થી ગ્રહ જેટલો આગળ નિકળે એટલું ઉચ્ચ બળ પ્રાપ્ત કરે છે. ઉચ્ચ બીંદુ પર પૂર્ણ બળ અને નીચ બિંદુ પર શૂન્ય બળ મેળવે છે.
B) સપ્તવર્ગિય બળ : સપ્તવર્ગ માં ગ્રહ જે બળ મેળવે તેને સપ્તવર્ગિય બળ કહે છે. આ સાત વર્ગ કુંડળી માં હોરા, દ્વેષકોણ, સપ્તાંશ, નવમાંશ, દશાંશ, દ્વાદશાંશ અને ત્રિશાંશ કુંડળી છે.
મૂળ ત્રિકોણ, સ્વરાશિ, મિત્ર રાશિ, શત્રુ રાશિ માં એમ સ્થિતિ અનુસાર ગ્રહ બળ પ્રાપ્ત કરે છે. ગ્રહોની શત્રુતા મિત્રતા ઉપર તથા પંચધા મૈત્રી કોષ્ટક અનુસાર સપ્તવર્ગ માં ગ્રહનું બળનું મુલ્યાંકન કરવામાં આવે છે.
C) ઓજયુગ્મ બળ : જન્મ લગ્ન અને નવમાંશ માં સમ અથવા વિષમ રાશિ માં ગ્રહ ની સ્થિતિ અનુસાર બળ મેળવવામાં આવે છે.
ઉતર કાલામૃત મુજબ શુક્ર તથા ચંદ્ર સમ રાશિમાં કે નવમાંશ માં હોય તો 1/4 (15 ષષ્ટયાંશા) બળ પામે. જ્યારે બાકીના ગ્રહો વિષમ રાશિમાં હોય તો 1/4 (15 ષષ્ટયાંશા) બળ પામે.
D) કેન્દ્રાદિ બળ : જે ગ્રહો કેન્દ્ર માં રહેલા હોય 1,4,7,10 માં સ્થાન માં હોય તેને 1 બળ, પણફરમાં 2,5,8,11 માં ભાવમાં બેઠા હોય તેને 1/2 બળ, તથા અપોક્લિમમાં એટલે કે 3,6,9,12માં ભાવમાં બેઠા હોય તેને 1/4 બળ પ્રાપ્ત થાય છે.
E) દ્વેષકોણ બળ :પુરુષ ગ્રહ સૂર્ય, મંગળ, ગુરુ પ્રથમ દ્વેષકોણ માં, નપુંસક ગ્રહ બુધ, શનિ દ્વિતીય દ્વેષકોણ માં અને સ્ત્રી ગ્રહ ચંદ્ર શુક્ર તૃતિય દ્વેષકોણ માં 1/4 બળ મેળવે છે.
આ ઉપરાંત એક બીજુ બળ છે જે સ્થાન સાથે સંબંધ ધરાવે છે. જેને સ્થાનીયબળ કહે છે. ગ્રહ નું સ્થાનીય બળ ભાવમાં એની સ્થિતિ અનુસાર પ્રાપ્ત થાય છે. ગ્રહ જો ભાવ મધ્ય પર હોય તો સૌથી વધુ બળવાન બને છે. ભાવસંધિ પર રહેલો ગ્રહ નું બળ શૂન્ય હોય છે.
2) દિગ્ બળ : દિગ્ એટલે દિશા. દિશા અનુસાર જે બળ પ્રાપ્ત થાય તેને દિગ્ બળ કહે છે. જેમકે બુધ તથા ગુરુ લગ્ન માં એટલે કે પૂર્વ દિશામાં.
ચંદ્ર તથા શુક્ર ચતુર્થ ભાવમાં એટલે કે ઉત્તર દિશામાં ;
સૂર્ય તથા મંગળ દસમ ભાવમાં એટલે કે દક્ષિણ દિશામાં, તથા શનિ સપ્તમ ભાવમાં એટલે કે પશ્ચિમ દિશામાં.
આ ભાવોથી ગ્રહ સપ્તસ્થ થાય તો ગ્રહ શૂન્ય બળ પ્રાપ્ત કરે. અને જો વચ્ચે હોય તો ત્રિરાશિક ગણત્રી મુજબ બળ પ્રાપ્ત થાય.

3) કાળ બળ : જન્મ સમય ને આધારે જે બળ પ્રાપ્ત થાય છે તેને કાળ બળ કહે છે. જેમકે જન્મ શુક્લ પક્ષ માં છે કે કૃષ્ણ એ મુજબ પક્ષ બળ મળે. રાત્રે જન્મ છે કે દિવસે તેના પર બળ પ્રાપ્ત કરે છે.
જન્મ માસ, વર્ષ, વાર નો અધિપતિ કોણ થતો હતો,
હોરા કઈ હતી, જન્મ ઉત્તરાયણ નો કે દક્ષિણાયણ નો આ બધાજ ફેક્ટર ને સમય સાથે સંબંધ હોઈ એને કાળ બળ કહે છે.
કાળબળ આઠ પ્રકાર ના છે.
1) નતોન્નત બળ : મધ્યાહનથી મધ્ય રાત્રિ સુધી નો સમય ‘નત’ કહેવાય છે. મધ્ય રાત્રિ થી મધ્યાહન સુધી નો સમય ઉન્નત કાળ કહેવાય છે.
સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર મધ્યાહને પૂર્ણ બળ પામે છે.
ચંદ્ર, મંગળ, શનિ મધ્યરાત્રિએ પૂર્ણ બળ પામે છે.
2) પક્ષ બળ : બધા જ શુભ ગ્રહ જેવા કે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર શુક્લ પક્ષ માં તિથિ વૃધ્ધિ સાથે પક્ષબળમાં વૃદ્ધિ પામે છે.
એથી વિપરીત બધા ક્રુર ગ્રહ સૂર્ય, મંગળ, શનિ, રાહુ તથા પાપ યુક્ત બુધ કૃષ્ણ પક્ષ માં ઉત્તરોત્તર બળ પ્રાપ્ત કરે છે.
3) ત્રિભાગ બળ : ત્રિભાગ એટલે ત્રણ ભાગ. દિનમાન અને રાત્રિમાનનાં ત્રણ ભાગ કરો. દિવસનાં ત્રણ ભાગ માં પ્રથમ ભાગમાં બુધ, મધ્ય ભાગમાં સૂર્ય અને ત્રીજા ભાગમાં શનિ ને ત્રિભાગ કાળ બળ મળે છે. એજ પ્રકારે રાત્રિના પ્રથમ ભાગ માં ચંદ્ર, મધ્ય ભાગમાં શુક્ર તથા રાત્રિનાં અંતિમ ત્રિભાગમાં મંગળ ને બળ મળે છે.
4) વર્ષાધિપતિ બળ : જાતક ના જન્મ સમય જે વર્ષ ચાલતું હોય તેના પ્રારંભ ના સાપ્તાહિક દિવસ નો સ્વામી વર્ષાધિપતિ કહેવાય છે. વર્ષ ના પ્રારંભના દિવસ નો સ્વામી જે હોય તે ગ્રહ ને બળ પ્રાપ્ત થાય.
5) માસાધિપતિ બળ : જન્મના મહિનાનાં પ્રથમ દિવસનો સ્વામી ગ્રહ જે હોય તે માસાધિપતિ બળ પ્રાપ્ત કરે છે.
6) વારાધિપતિ બળ : જાતકોનો જન્મ જે દિવસે થયો હોય તે દિવસનાં સ્વામી ગ્રહ ને બળ મળે છે.
7) હોરાધિપતિ : દિવસ રાત મેળવી ને 24 હોરા હોય છે. દરેક હોરા નો સ્વામી ગ્રહ હોય છે. જાતકોનો જન્મ જે હોરામાં થયો હોય તેના સ્વામી ગ્રહને બળ મળે છે.
8) અયન બળ : વિષુવૃત રેખાથી ગ્રહ ઉત્તર કે દક્ષિણમાં સ્થિત હોય છે. અને ગ્રહ તેની સ્થિતિ અનુસાર બળ પ્રાપ્ત કરે છે. સૂર્ય, મંગળ, શુક્ર, ગુરુ જ્યારે ઉત્તરાયનમાં બળ પ્રાપ્ત કરે છે. ચંદ્ર, શનિ જ્યારે દક્ષિણાયન માં હોય ત્યારે બળ પ્રાપ્ત કરે છે. બુધ સદાય બલી હોય છે.
4) ચેષ્ટાબળ : બધા જ ગ્રહો સૂર્ય ની ફરતે રાઉન્ડ ફરે છે. આ કારણે જે બળ પ્રાપ્ત થાય એને ચેષ્ટા બળ કહે છે. સૂર્ય ની પાસેથી ચક્કર મારતાં સમયે ગ્રહ માર્ગી હોય છે. પરંતુ પૃથ્વી થી અલગ સંયુત્તિ કાળને કારણે ક્યારેક વક્રી લાગે છે. ચેષ્ટા બળ જાણવા ચેષ્ટા કેન્દ્ર જાણવું જરૂરી છે. ચેષ્ટા કેન્દ્ર એ ગ્રહ ની વક્રચાપ છે. ચેષ્ટા કેન્દ્ર ને 3 વડે ભાગતાં ગ્રહનું ચેષ્ટા બળ મળે છે.
5) નૈસર્ગિક બળ : દરેક ગ્રહને તેની પ્રકૃતિ અનુસાર બળ આપવામાં આવ્યું છે. જે ગ્રહો ની શક્તિ કે પ્રકાશ પર નિર્ભર હોય છે. સૂર્ય સૌથી પ્રકાશમાન હોઈ સૌથી બળવાન સૂર્ય હોય છે. અને શનિ સૌથી ઓછો. બળનો ક્રમ નીચે મુજબ છે. સૂર્ય, ચંદ્ર, શુક્ર, ગુરુ, બુધ, મંગળ, શનિ.
6) દ્રષ્ટિ બળ : દરેક ગ્રહ પોતાના થી સાતમા ભાવે પૂર્ણ દ્રષ્ટિ કરે છે. પરંતુ મંગળ, શનિ, ગુરુ ની વિશેષ દ્રષ્ટિ હોય છે. કોઈ પણ ગ્રહ પોતાના થી બીજી, બારમી, અગિયાર મી કે છઠ્ઠી દ્રષ્ટિ થી જોઈ શકતો નથી.
પૂર્ણ દ્રષ્ટિ ઉપરાંત પ્રત્યેક ગ્રહ પોતાના થી ત્રીજે 1/4, ચોથા ભાવે 3/4, પાંચમાં ભાવે 1/2, સાતમા ભાવે 1 એટલે કે પૂર્ણ, આઠમાં ભાવમાં 1/3, નવમા ભાવે 1/2, અને દસમા ભાવે 1/4 દ્રષ્ટિ કરે છે.
ગ્રહની ભાવ પર શુભ અને અશુભ દ્રષ્ટિ, ગ્રહ પર બીજા ગ્રહની શુભ – અશુભ દ્રષ્ટિ આ બધાને જોડી ને જે બળ પ્રાપ્ત થાય તેને દ્રષ્ટિ બળ કહે છે.
ફલિત જ્યોતિષ માં ગ્રહનું બળ જાણવું અત્યંત જરૂરી છે.
જો ગ્રહ ષડબળ માં 10 થી વધુ બળ મેળવે તેને પૂર્ણ બલી કહેવાય છે. આ શુભ ગ્રહની દશામાં ધન વૈભવ, યશ, અને મનોકામના પૂર્ણ થાય છે.
આજ ના કોમ્પ્યુટર યુગમાં આ બળ ને શોધવા માટે ગણત્રી કરવાની જરૂર નથી. આંગળી ના ટેરવે કોઈ પણ એસ્ટ્રોલોજી એપ માં ઉપલબ્ધ છે.
કેતકી મુનશી.

Author: daveketaki

Always passionate to learn about new aspects of Astrology.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s