સૂર્યની ઉચ્ચ રાશિ
ગ્રહ કોઈ એક ચોક્કસ રાશિમાં, ચોક્કસ અંશનો થાય ત્યારે ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે. આ સ્થાને એ ગ્રહ એકદમ કમ્ફર્ટ ફિલ કરે છે. અને માટે એ સારું ફળ આપે છે.
મિત્રો સાથે એવો પણ વિચાર આવે કે, ગ્રહ શા માટે કોઈ ચોક્કસ રાશિમાં, ચોક્કસ અંશે, ચોક્કસ નક્ષત્રમાં
ઉચ્ચનો થાય છે? આજે આ વિષય પર થોડી વાત કરીશું.
ગ્રહોનો રાજા સૂર્ય છે. સૂર્ય પિતા, આત્માનો કારક છે. તેજ, પ્રકાશ જ્ઞાનનો કારક છે. નૈતિકતા, શિષ્ત, જીવનશક્તિનો કારક છે. સોલર એનર્જીનો આંતરિક શક્તિનો કારક છે.
આ સૂર્ય મેષ રાશિમાં ૧૦° ,અશ્વિની નક્ષત્રનાં ત્રીજા પદમાં પરમ ઉચ્ચત્વ મેળવે છે.
શા માટે? એનાં તાત્વિક કારણો જોઈએ.
મેષ રાશિ ભચક્રની પ્રથમ રાશિ છે. નૈસર્ગિક કુંડળી પ્રમાણે કુંડળીમાં પ્રથમ ભાવે હોય છે. મેષ રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે. જેને સેનાપતિ કહે છે.
સૂર્ય ગ્રહોનો રાજા પૂર્વમાં ઉગે છે. એ પ્રથમ રાશિ મેષમાં પ્રવેશે છે. રાજા સેનાપતિને ઘેર પ્રવેશે છે.
સેનાપતિ રાજાને શક્તિ પ્રદાન કરે. રાજાની પ્રતિષ્ઠા વધે એવીરીતે સાથ આપે. રાજાને બાહુબળ પુરું પાડે.
બીજી રીતે વિચારીએ તો સૂર્ય આત્મા છે એ મેષ રાશિમાં પ્રવેશ પામી ભચક્રની આ પ્રથમ રાશિને શક્તિ આપે. સમજો કે મેષ રાશિ મોબાઈલ છે અને સૂર્ય એને ઈલેક્ટ્રીક કરંટની જેમ જીવનશક્તિ આપે છે. અને ભચક્ર ગતિમાન થાય છે. બારે રાશિમાં એક વર્ષ દરમ્યાન ગતિ કરે છે. માટે સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો થાય છે.
હવે નક્ષત્ર જોઈએ. ભચક્રને આપણે ૩૬૦°નુ ગણીએ છીએ. જેમાં ૧૨ રાશિ છે. દરેક રાશિ ૩૦°ની હોય છે. આપણાં નક્ષત્ર ૨૭ છે એ બાર રાશિ માં વહેંચાયેલાં છે. એક રાશિમાં સવા બે નક્ષત્ર હોય છે . એક નક્ષત્ર ને ચાર પદમાં વિભાજીત કર્યા હોય છે. આમ એક રાશિમાં નક્ષત્ર ના કુલ નવ પદ પદ હોય છે.
સૂર્ય મેષ રાશિનાં પ્રથમ નક્ષત્ર અશ્વિનીમાં ઉચ્ચનો થાય છે. પ્રથમ રહેવું રાજાનો ગુણ છે. અશ્વીની પ્રથમ નક્ષત્ર છે. અશ્વિની નક્ષત્રનું સિમ્બોલ અશ્વનુ મુખ છે. આ નક્ષત્ર નાં દેવ બે અશ્વીની કુમારો છે જે દેવો ના વૈદ્ય છે. રાજા કે પિતા હંમેશા પોતાની પ્રજાની રક્ષાની, સ્વાસ્થ્યની અને પોષણની કાળજી લેતો હોય . માટે આ નક્ષત્ર માં ઉચ્ચનો થાય છે.
કેતુનું નક્ષત્ર છે. કેતુ મોક્ષનો કારક છે. જે આત્મા જન્મે છે. એ એવી ઈચ્છા સાથે આવે છે કે, એને આ જન્મે મોક્ષ મળે. માટે કેતુનાં નક્ષત્ર માં ઉચ્ચનો થાય છે. કેતુનું સિમ્બોલ ધ્વજ છે. રાજા આગલી હરોળમાં સેનાપતિ સાથે પોતાનો ધ્વજ ફરકાવતાં વિજયી છે એ દર્શાવે છે.
વધુ ઊંડાણથી વિચારીએ તો સૂર્ય મેષ રાશિનાં અશ્વીની નક્ષત્ર નાં ત્રીજા પદ મા ઉચ્ચ નો થાય છે. ત્રીજુ પદ મિથુન નવમાંશ નું છે. બુધ એનો અધિપતિ છે બુધ બુદ્ધિનો કારક છે. રાજકુમાર છે. રાજા પાસે બળ સાથે બુધ્ધિ પણ જરૂરી છે. રાજા સાથે રાજકુમાર તો હોય જ. વાયુ તત્વનું નવમાંશ છે. વાયુ તત્વની હાજરીમાં ધ્વજ ફરકી શકે. વાયુ તત્વને બુધ કોમ્યુનિકેશન નો કારક પણ છે. જેને કારણે રાજાની ખ્યાતિનો પ્રસાર થાય.
સૂર્યની ગરમી તેજ પ્રકાશને પૃથ્વી પર પ્રસારે. આ ઉપરાંત વિચારીએ તો પ્રથમ પદમાં ગંડાત પોઈન્ટ આવે જ્યાં હજુ સૂર્ય નબળો હોય એટલે કે સૂર્ય જેમ થોડો સમય જાય પછી આઠ નવ વાગ્યાની આસપાસ પોતાનો પ્રકાશ એવો આપે જે પૃથ્વી નાં સર્વે પ્રાણીઓને પોષણ આપે. માટે ૧૦° એ ઉચ્ચનો થાય.
બીજી એક વાત કે, સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. સિંહ રાશિથી મેષ રાશિ નવમ ભાવે આવે. નવમ ભાવ એટલે ધર્મ ભાવ , ઉચ્ચ અભ્યાસનો , નૈતિકતાનો ભાવ છે. માટે સૂર્ય અહીં ઉચ્ચનો થાય છે.
એપ્રિલ મહિનામાં તારીખ ૧૪/૧૫ મી ની આસપાસ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશે જેને મેષ સંક્રાંતિ કહે છે. આપણાં દેશનાં ઘણાં રાજ્યોમાં આ દિવસે નવું વર્ષ મનાવવામાં આવે છે.