કુંડળીમાં વિદેશ યોગ : Foreign Travel Yog in Astrology: Astrology in Gujarati.
આજે વિદેશ યોગ વિશે વાત કરીશું. જ્યોતિષશાસ્ત્ર થોડું અટપટું છે. ચાર પાચ ભાવોનો સમન્વય કરીએ ત્યારે કોઈ એક મુદ્દા પર વાત કરી શકાય.
જ્યોતિષમાં સ્થળ,કાળ નું ઘણું મહત્વ છે. સમયની સાથે જરૂરિયાત બદલાય એની સાથે જનમાનસ પણ બદલાય છે. જ્યોતિષમાં એક સમયે નવમ ભાવનો અધિપતિ બારમે રહેલો હોય તો ભાગ્ય હાનિ યોગ ગણાતો. પરંતુ આજની પરિસ્થિતિમાં વિદેશ યોગમાં ગણાય છે. પરદેશ જુદા જુદા કારણોસર જતા હોય છે. જેમકે , હાયર એજ્યુકેશન, નોકરી ધંધાર્થે , ફરવા માટે કે સંતાન ફોરેનમાં સેટ થયા હોય તો .
આજે આપણે પરદેશ જવા માટેનાં કુંડળીમાં જોઈ શકાતા કેટલાક કોમ્બિનેશનની વાત કરીશું. જ્યોતિષ શાસ્ત્ર ઘણું સંકુલ અને અટપટું શાસ્ત્ર છે. માટે દરેક કુંડળી માં જુદી-જુદી પરિસ્થિતિ નું નિર્માણ થતું હોય છે. આજે થોડી બેઝિક સમજ મેળવીશું.
પરદેશ જવા માટે ૩, ૯, ૧૨ સ્થાન અગત્યનાં છે.
આ સ્થાનો મુસાફરી અને મુવમેન્ટ માટેના છે. ચંદ્ર, શુક્ર અને ગુરુ પણ મુસાફરી માટેનાં ગ્રહો છે.
લગ્નેશ જ્યારે આવી જગ્યાએ હોય તો શક્યતા ગણી શકાય.
પરંતુ સેટલ થવું હોય તો બારમા ભાવ સાથે સંબધ બનતો હોવો જોઈએ.
ચંદ્ર અને લગ્ન તો જોવા જ જોઈએ. ચંદ્ર મન છે લગ્ન શરીર છે માટે એ બંને જોવા જોઈએ.
લગ્નેશ કે ચંદ્ર રાશિનો અધિપતિ બારમે હોય કે લગ્ન પાપકર્તરીમાં હોય , બારમાનો અધિપતિ લગ્ને હોય
એવી વ્યક્તિ પરદેશમાં વસવાટ કરે. લગ્નેશ બારમે હોય એવુ ડોક્ટર , જેલ , આશ્રમ સાથે સંકળાયેલા વ્યક્તિમાં જોવા મળે છે . પરંતુ પરદેશ જશે કે કેમ એવું પુછાયું હોય તો આ જોઈ લેવું જોઈએ.
લગ્નેશ નિર્બળ હોય તો વિદેશ યોગ પ્રબળ બને છે.
આપણે જાણીએ છીએ કે, ચર રાશિ મેષ, કર્ક, તુલા અને મકર રાશિમાં ચંદ્ર કે લગ્ન હોય તો એવી વ્યક્તિઓ લાંબા સમય સુધી એક સ્થળે બેસી શકતી નથી. માટે ચર રાશિ કે લગ્ન હોય તો સ્થાનફેર માટે તૈયાર હોય.
સ્થિર રાશિ ધરાવતી વ્યક્તિને વારંવાર સ્થળ બદલાય એ ગમતું નથી. માટે એવી વ્યક્તિ પરદેશ જાય તો ત્યાં રહી જવાની વૃત્તિ ધરાવે. દ્વિસ્વભાવ રાશિ હોય એને સમજાવીને પરદેશ મોકલી શકાય.
બીજો પોઈન્ટ જોઈશું. ચોથુ સ્થાન ઘર છે, જન્મસ્થળ છે જન્મભૂમિનું છે. ચોથા ભાવે પાપગ્રહો હોય તો જન્મભૂમિથી દૂર લઈ જાય છે. સાથે આ ગ્રહો લગ્નેશ કે લગ્નને પણ અસર કરતા હોવા જોઈએ.
જન્મભૂમિથી દૂર એટલે એવું જરૂરી નથી કે પરદેશ જ હોય . પરંતુ એવું પણ હોય કે જ્યાં જાય ત્યાંનુ કલ્ચર જુદુ હોય. અમદાવાદમાં જન્મેલા કોઈ વ્યક્તિ નાગાલેન્ડ જાય તો એ પરદેશ ગયુ એમ કહેવાય.
ચોથા ભાવનો અધિપતિ નવમ ભાવ સાથે સંબધ ધરાવતો હોય તો પરદેશ યોગ બને છે. પરંતુ આવી કુંડળીમાં ચોથો ભાવ નવમા ભાવથી નિર્બળ હોવો જોઈએ.
સિંહ લગ્નની કુંડળીમાં ચોથા અને નવમા ભાવનો અધિપતિ મંગળ છે. કુંભ લગ્નની કુંડળીમાં ચોથા અને નવમા ભાવનો અધિપતિ શુક્ર છે. આ બંને લગ્નના જાતકો જન્મસ્થળથી દૂર રહે તો ભાગ્ય ખુલે. આ જાતકો પરદેશ જાય તો સુખી થાય.
સાથે સાથે ચોથા ભાવનાં કારક મંગળ જે માતૃભૂમિનો કારક છે એ જો ચોથે હોય , ચોથે દ્રષ્ટિ કરતો હોય કે ચોથા ભાવ સાથે સંબંધ ધરાવતો હોય તો વિદેશમાં સ્થાયી થવાતું નથી.
લગ્નેશ જો નવમે હોય તો આવી વ્યક્તિઓ હાયર એજ્યુકેશન માટે પણ વિદેશ જાય. પરંતુ જો નીચનો હોય તો પાછા આવવું પડે.
ચોથા ભાવનો અધિપતિ ગ્રહ બારમા ભાવે રહેલો હોય તેવી વ્યક્તિ પરદેશમાં સ્થાયી વસવાટ પણ કરે. ચોથુ સ્થાન ઘર છે બારમું અજાણ્યું સ્થળ છે. ચોથાનો અધિપતિ બારમે અજાણી જગ્યાએ ઘર બનાવે એટલે કે સેટલ થાય.
ત્રીજો પોઈન્ટ જોઈએ. બારમા ભાવનો અધિપતિ બારમે હોય તો વિપરીત રાજયોગ બન્યો કહેવાય. છઠાનો અધિપતિ બારમે જાય કે બારમાનો અધિપતિ છઠે જાય ત્યારે વિપરીત રાજયોગ બનાવે. આવું કોમ્બિનેશન નોકરી અર્થે ફોરેન જાય એવું જોવા મળે છે.
ત્રીજાનો અધિપતિ બારમે હોય તો ભાઈ-બહેન ફોરેન હોય.
પાંચમાનો અધિપતિ બારમે હોય તો ગ્રેજ્યુએશન કરવા પરદેશ જાય. અથવા સંતાન પરદેશ હોય.
દસમેશ નવમે હોય તો આવા લોકો ફોરેનથી જોડાયેલા હોય.
સપ્તમેશ ૧૨,૯,૩,૭ મે હોય તો લગ્ન પછી પરદેશ જાય. જો ચોથો ભાવ ખરાબ થયો હોય તો પછી પરદેશ સેટલ થાય.
સપ્તમેશનો દ્વાદશેશ સાથેનો સંબંધ કોઈ પણ રીતે થતો હોય તો મેરેજ વિદેશમાં થાય છે. કે એકદમ જુદું જ કલ્ચર ધરાવતી વ્યક્તિ સાથે થાય છે.
દસમા અને બારમા ભાવ વચ્ચે સંબંધ પરદેશ સાથે ધંધાર્થે સંબંધ હોય કે પરદેશની કંપની માં જોબ હોઈ શકે.
પહેલાંના સમયમાં આઠમો ભાવ દરિયાપાર મુસાફરી માટે ગણાતો હતો. આઠમા ભાવનો ત્રીજા ભાવ તથા બારમા કે છઠા ભાવ સાથે સંબધ નોકરી માટે પરદેશ યોગ સુચવે છે.
ત્રીજે આઠમે બારમે ચંદ્ર જીવનમાં અચુક એકવાર પરદેશ ની સફર કરાવે છે.
પરદેશ જવા માટે બારમા ભાવની દશા કે બારમે રહેલા ગ્રહની , ત્રીજા , કે નવમા ભાવની દશા અંતર પ્રત્યંતરમાં, ચંદ્ર,કેતુ, રાહુની દશા અંતરમાં કે શનિની પનોતી દરમ્યાન જવાતુ જોવા મળે છે.
ગોચરમાં ચોથા ભાવેથી શનિ રાહુ કે મંગળ રાહુ પસાર થતા હોય ત્યારે દશા અનુકૂળ હોય તો પરદેશ જઈ શકાય.જો કુંડળીમાં પરદેશ યોગ હોય તો બારમે જન્મનાં કે ગોચરના ગુરૂની દ્રષ્ટિ પણ પરદેશ લઈ જાય છે.
આ ઉપરાંત દરેક કુંડળીમાં જુદા જુદા કોમ્બિનેશન બનતાં હોય છે. ગોચર અને દશા અંતર જો અનુકુળ હોય તે ધ્યાનમાં લેવાં જરૂરી છે.