આંખની તકલીફવાળી કુંડળીનું વિશ્લેષણ:

આજે આંખોની તકલીફ એટલે કે દ્રષ્ટિની તકલીફ હોય એવી એક કુંડળી જોઈશું.

પ્રથમ લગ્નેશ ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર બીજા ભાવે સિંહ રાશિમાં સૂર્ય અને ગુરુ સાથે છે. ચંદ્ર અસ્તનો થયો છે. કેતુનાં નક્ષત્ર નો છે. સૂર્ય અને ચંદ્ર ને આપણે આંખનાં કારક કહીએ છીએ. અને શુક્ર દ્રષ્ટિ નો કારક છે.
કુંડળી માં ચંદ્ર અને સૂર્ય પર  સાતમી મંગળની  દ્રષ્ટિ છે. શનિની રાહુની એનર્જી વાળી દસમી દ્રષ્ટિ છે. આમ ચંદ્ર અને સૂર્ય બંને બે પાપગ્રહની દ્રષ્ટિમાં છે.
ચંદ્ર અને સૂર્ય સાથે ષષ્ઠેશ ગુરુ એ બેસીને આંખના રોગ આપી ધીમે ધીમે જાતકને દ્રષ્ટિ વિહોણા કર્યા હોય એમ બને.

મંગળ વક્રી હોવાથી લગ્નમાં બેઠેલા શુક્ર પર દ્રષ્ટિ કરે છે. શુક્ર પર રાહુની શનિની એનર્જી વાળી પાંચમી દ્રષ્ટિ છે. આમ શુક્ર પર પણ બે અશુભ ગ્રહ ની દ્રષ્ટિ છે. શુક્ર પોતાના શત્રુના ઘરમાં છે.
આપ મારાં આંખના રોગ પરનો લેખ વાંચશો તો જણાશે કે, વૃશ્ચિક રાશિમાં કે આઠમાં ભાવમાં અશુભ ગ્રહો પણ આંખનાં પ્રોબ્લેમ આપે છે. આ કુંડળી માં વૃશ્ચિક રાશિમાં શનિ રાહુ જેવા ગ્રહો છે.  બીજી રાશિ વૃષભ રાશિ માં કેતુ છે.
નવમાંશ કુંડળીમાં સૂર્યની પાંચમી રાશિમાં શનિ છે.
આ પણ એક કારણ છે.
શનિ જો સિંહ રાશિમાં અને ગંડાંતમાં હોય ત્યારે પણ જાતકને આંખની તકલીફ જોવા મળશે.
સર્વાષ્ટક વર્ગનાં શુભ બિંદુને જોઈએ તો, સિંહ રાશિમાં 24 બિંદુ છે. જે 28 થી ઓછાં છે. જેમાં ચંદ્ર ને બે બિંદુ છે જે સામાન્ય કરતાં પણ ઓછાં છે. સૂર્ય ને ચાર બિંદુ મળ્યાં છે. જે બોર્ડર લાઈન છે. જ્યારે સાથે બેઠેલ ષષ્ઠેશ ગુરૂનાં બંને કરતાં વધુ બિંદુ હોઈ ગુરુએ આંખો પર અસર કરી છે.

નક્ષત્ર પદ- નવમાંશ. Nakshatra Pada Navmansh

નવમાંશ Navansh
મિત્રો ક્રીશ્ના એસ્ટ્રોલોજી ચેનલમાં આપનું સ્વાગત છે.
આજનો વિષય છે નક્ષત્ર પદ . એટલે કે નવમાંશ.
આગળ સૂર્ય, ચંદ્રની ઉચ્ચ રાશિ અને અંશ એ વિડિયોમાં નક્ષત્ર અને એનાં પદની વાત કરી હતી . કેટલાંક મિત્રોએ આ નક્ષત્ર પદને કેવી રીતે સમજવા એ પર વિડિયો બનાવવા કહ્યું . માટે આજે આ વાત કરવા જોઈએ.
નવમાંશ એટલે શું એ સમજીશું.
પહેલાં નવમાંશ કે નવાંશ શબ્દને સમજીએ. નવમાંશ શબ્દની સંધી છુટી પાડો તો નવ+ અંશ એમ બે શબ્દ મળે . આમ નવમાંશ એટલે નવમો અંશ. એક રાશિનો નવમો અંશ.
આપણે જાણીએ છીએ કે રાશિચક્રમાં બાર રાશિઓ છે. દરેક રાશિ ૩૦° ની હોય છે.
૨૭ નક્ષત્ર છે. એમાં જ એક અભિજીત નક્ષત્ર સમાયેલું છે. આ ૨૭ નક્ષત્ર ને બાર રાશિમાં સમાવેશ કરેલો છે.
બારે રાશિમાં બે નક્ષત્ર એટલે ૨૪ પૂરા થયા . હવે વધ્યાં ૪ નક્ષત્ર જેને બારે રાશિમાં વહેચીએ તો ૧/૪ ભાગ દરેક રાશિમાં આવે. આમ સવા બે નક્ષત્ર એક રાશિમાં આવે. એટલે સ્વાભાવિક છે કે કોઈ એક નક્ષત્ર ખંડિત થઈ ને બીજી રાશિ માં પણ હોય.
એક નક્ષત્ર ૧૩°-૨૦’નુ હોય છે.
દરેક નક્ષત્રને ચાર પદ હોય છે. એક નક્ષત્ર પદ  ૩°-૨૦’ નું હોય છે. ૩°૨૦’ ને ૯ વડે ગુણાકાર કરીએ તો ૩૦° એટલે કે એક રાશિ જેટલાં અંશ થાય. આમ એક રાશિમાં નવ પદ હોય છે.  આ ૩°૨૦’ ના ભાગને નવમાંશ કહીએ છીએ.  એક રાશિમાં નવ પદ હોય તો બાર રાશિમાં ૧૦૮ નવમાંશ થાય .
મેષ રાશિ રાશિચક્રની પહેલી રાશિ છે.  નક્ષત્ર સિરીઝ માં પહેલું નક્ષત્ર અશ્વીની હોય છે. મેષ રાશિમાં પહેલું નક્ષત્ર અશ્વીની એનાં ચાર પદ હોય. પહેલું પદ મેષ બીજુ વૃષભ ત્રીજુ મિથુન ચોથું કર્ક આવે.
મેષ રાશિમાં બીજુ નક્ષત્ર ભરણી છે. ભરણીનું પ્રથમ પદ એટલે કે મેષ રાશિનું પાંચમું પદ સિંહ રાશિનું છઠુ કન્યા સાતમું તુલા આઠમું વૃશ્ચિક થાય. આમ બે નક્ષત્ર પૂરા થયા એટલે ૧૩°-૨૦’ +૧૩° -૨૦’ = ૨૬-૪૦ થયા. હવે એમાં ૩°-૨૦’ ઉમેરો એટલે ૩૦° પૂર્ણ થાય. એટલે કે એક નક્ષત્ર પદની જરૂર છે. મેષ રાશિમાં ત્રીજુ નક્ષત્ર કૃતિકા છે જેનું એક પદ મેષમાં અને બાકીનાં ત્રણ પદ વૃષભ રાશિમાં આવે. કૃતિકા નક્ષત્રનું પહેલું પદ વૃશ્ચિક પછીનું ધન રાશિનું આવે. અહીં મેષ રાશિ પુરી થાય. અને રાશિચક્રની બીજી રાશિ વૃષભ આવે.
વૃષભ રાશિ માં કૃતિકા નક્ષત્ર નાં ૩ પદ આવે. બીજુ ત્રીજુ ચોથુ . અહીં સિરીઝ આગળ વધે છે. વૃષભ રાશિમાં કૃતિકા નક્ષત્ર નું બીજુ પદ આવે જે મકર રાશિનું હોય .  વૃષભ રાશિમાં મકર નવમાંશથી શરૂઆત થાય છે. એ પછી કુંભ રાશિનું પદ આવે અને કૃતિકા નક્ષત્ર નું છેલ્લું પદ મીન રાશિનું હોય.
એ પછી રોહિણી નક્ષત્ર શરૂ થાય એમાં પ્રથમ પદ મેષ રાશિ થી શરૂ થાય. રોહિણી નું બીજુ પદ વૃષભ રાશિનું જ હોય છે. એટલે કે વૃષભ રાશિનું પાંચમું પદ પોતાની રાશિનું હોય છે. રોહિણી નક્ષત્રનું ત્રીજુ પદ મિથુન રાશિનું , ચોથું કર્ક રાશિનું હોય.
આમ વૃષભ રાશિ નાં સાત પદ થાય. માટે એ પછીનું મૃગશીર્ષ નક્ષત્ર નાં બે પદ વૃષભ રાશિમાં આવે. મૃગશીર્ષ નું પહેલું પદ સિંહ રાશિનું બીજું કન્યા રાશિનું હોય. આમ નવ પદ , નવ નવમાંશ પુરા થાય. આવી રીતે રાશિ ચક્રની બાર રાશિમાં ૨૭ નક્ષત્ર હોય છે.
આ પ્રમાણે નક્ષત્ર ગોઠવતાં એક ચોક્કસ પેટર્ન દેખાય છે. જેમાં ચાર રાશિ પુરી થતાં ચોથી રાશિ કર્કમાં છેલ્લું પદ મીન રાશિનું આવે. એ પછી આવતી સિંહ રાશિમાં જે અગ્નિ તત્વની ધર્મ ત્રિકોણ ની રાશિ છે. ત્યાં થી ફરી  કેતુનું મઘા નક્ષત્રમાં પહેલું પદ  મેષ રાશિનું શરૂ થાય છે.
સિંહથી વૃશ્ચિક રાશિ સુધી આ પેટર્ન રહે છે. વૃશ્ચિક રાશિમાં છેલ્લું નવમાંશ મીન રાશિનું છે.
વૃશ્ચિક પછી આવતી ધન રાશિનાં પ્રથમ કેતુનાં મૂળ નક્ષત્રથી ફરી મેષ રાશિનાં પ્રથમ પદથી સિરીઝ શરૂ થાય છે. અંતે મીન રાશિમાં છેલ્લું નવમાંશ મીનનું જોવા મળે છે.
મિત્રો આ સિરિઝને ધ્યાનમાં રાખશો તો નવમાંશમાં કેવીરીતે નવમાંશ કુંડળીની ગણતરી કરવી એ સમજાશે, વર્ગોતમ નવમાંશ, પુષ્કર નવમાંશ પણ સમજી શકાશે.

ચંદ્રની ઉચ્ચ રાશિ અને અંશ : Exalted Moon in astrology

ચંદ્રની ઉચ્ચ રાશિ અને અંશ
જેમ ચંદ્ર ગ્રહોનો રાજા છે એમ ચંદ્ર ગ્રહોની રાણી છે. ચંદ્ર માતા છે. ચંદ્ર મન છે.
ચંદ્ર વૃષભ રાશિમાં ૩° કૃતિકા નક્ષત્રમાં બીજા પદમાં ઉચ્ચત્વ મેળવે છે.
વૃષભ રાશિ નૈસર્ગિક કુંડળીમાં બીજા ભાવે આવેલી રાશિ છે. બીજો ભાવ ધન ,કુટુંબ , વાણીનો ભાવ છે.
બીજા ભાવે આવેલી વૃષભ રાશિ અર્થ ત્રિકોણની , પૃથ્વી તત્વની,  સ્થિર રાશિ છે.
સ્વામી શુક્ર છે. શુક્ર ભૌતિક સુખ સાધનોનો કારક છે. વ્યક્તિ કુટુંબ સાથે હોય તો સલામતી લાગે. કોઈ સારી મીઠી વાણી બે શબ્દ બોલે તો સારું લાગે. ચંદ્ર મન છે. મન હંમેશા સુખ શાંતિ ઈચ્છે. ચંદ્ર ચંચળ હોવાથી જ્યાં સ્થિરત્વ મળે ત્યાં ખુશ રહે છે. વૃષભ રાશિ સ્થિર રાશિ છે . ચંદ્ર અહી સ્થિરત્વ અનુભવે છે.
વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ છે. ચંદ્ર જળ તત્વ છે. જળ તત્વને પૃથ્વી તત્વ જ સાચવી શકે, સંગ્રહ કરી શકે. અને એવી પૃથ્વી પર વધુ અનાજ ઉગે , વધુ ધન મળે.
શુક્ર ભૌતિક સુખ સાધનો સગવડતાનો ધન ધાન્યનો કારક છે. મીઠાશનો કારક છે.  ચંદ્ર એટલે મન , મન  ભૌતિક જરૂરિયાતો પુરી થાય તો ખુશી અનુભવે. વૃષભ રાશિની સ્થિરતા અને સગવડો મળવાને કારણે ચંદ્ર આ રાશિમાં ઉચ્ચનો થાય છે.

ચંદ્ર કર્ક રાશિનો અધિપતિ છે. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે. વૃષભ રાશિ કર્ક રાશિથી અગિયારમે આવે. અગિયારમો ભાવ ઈચ્છાપૂર્તિ નો છે. ચંદ્ર ની બધી ઈચ્છાઓ અહી પૂર્ણ થાય છે માટે ચંદ્ર વૃષભ માં ઉચ્ચનો થાય છે.
ચંદ્ર વૃષભ રાશિમાં ૩° કૃતિકા નક્ષત્રમાં ઉચ્ચનો થાય છે. કૃતિકા નક્ષત્રનો અધિપતિ સૂર્ય છે. નક્ષત્ર દેવ કાર્તિકેય છે.  અગ્નિ તત્વનું, રાજસિક નક્ષત્ર છે.
કૃતિકાઓ જે ઋષિ પત્નીઓ હતી જેમણે શિવ પુત્ર કાર્તિકેયનું માતાની જેમ પોષણ કરી  ઉછેર્યા હતા. કૃતિકા નક્ષત્ર અગ્નિ તત્વનું નક્ષત્ર છે. કૃતિકા અગ્નિ મનને શુધ્ધ કરે છે. સુખ વૈભવ વચ્ચે રહીને અનાસક્ત ભાવથી જીવવું અને આત્મસાક્ષાત્કાર કરવા એજ ચંદ્રનું પરમ ઉચ્ચ સ્થાન છે.
ચંદ્ર માતાનો કારક છે. સૂર્ય જીવનશક્તિનો કારક છે. માતા પોતાનાં બાળકોનું પોષણ કરી જીવનશક્તિ પ્રદાન કરે છે. સૂર્ય નૈતિકતાનો કારક છે , આત્મબળનો કારક છે. એટલે ચંદ્ર સૂર્યનાં નક્ષત્રમાં ઉચ્ચનો થાય છે.
ચંદ્ર ૩° એ એટલે કે રાશિની શરૂઆતમાં ઉચ્ચનો થાય છે.
આપણે જાણીએ છીએ કે, એક રાશિ ૩૦° ની હોય છે. જેમાં સવા બે નક્ષત્ર હોય છે. એક નક્ષત્રમાં ચાર પદ હોય છે. મેષ રાશિમાં બે નક્ષત્ર અશ્વિની ભરણી  પૂર્ણ થઈ  કૃતિકાનું પહેલું પદ હોય છે.
વૃષભ રાશિ કૃતિકા નું બીજુ ત્રીજુ ચોથું એમ ત્રણ પદ હોય છે . એ પછી રોહિણી નક્ષત્ર નાં ચાર પદ અને મૃગશીર્ષ નાં બે પદ એમ થઈ નવ પદ એટલે કે નવ નવમાંશ થાય.
ચંદ્ર કૃતિકાનાં બીજા પદ માં એટલે મકર નવમાંશમાં ઉચ્ચનો થાય છે. મકર રાશિ અર્થ ત્રિકોણની મહત્વ ની રાશિ છે , પૃથ્વી તત્વની રાશિ છે , કર્મની રાશિ છે.  કર્તવ્યનિષ્ઠાની રાશિ છે.
અહીં મન ભૌતિક સુખનાં મોહનો ત્યાગ કરી, આત્માને ઉચ્ચ પદે ગતિ કરવાની વૃત્તિ રાખે છે.
જુદી રીતે વિચારીએ તો , મકર રાશિ દસમ ભાવે આવે જે ગવરમેન્ટ, રાજકારણ,  હેડ ,રાજા નો ભાવ છે. સામે આવતો ચોથો ભાવ પ્રજાનો થાય. જ્યાં કર્ક રાશિ આવે છે.  આમ જનતાએ ભોગવિલાસથી બચીને , ઉપ્લબ્ધ સંસાધનો દ્વારા સમાજની ઉન્નતિ અને વિકાસ કરવા જોઈએ એ માટે સૂર્યનાં સદાચાર અને નૈતિકતાના ગુણ હોય તો જ શક્ય બને. માટે ચંદ્ર વૃષભ રાશિમાં કૃતિકા નક્ષત્રમાં બીજા પદમાં ઉચ્ચત્વ મેળવે છે.
આમ સ્થિરતા અને સુખ સગવડ કર્મ કરીને મેળવવાની રાશિ, નક્ષત્ર અને નવમાંશમાં ચંદ્ર ઉચ્ચનો થાય છે.
ચંદ્ર આ નક્ષત્રમાં હોય એ વ્યક્તિ ભૌતિકતા પ્રેમી હોય. બ્રાન્ડેડ વસ્તુઓની શોખીન હોય છે. લીડરશીપનો ગુણ ધરાવતી હોય છે.
વૃષભ રાશિમાં ૩° થી ૩૦° માં ચંદ્રની મૂળ ત્રિકોણ રાશિ ગણાય છે.
કૃતિકા પછી રોહિણી નક્ષત્ર આવે છે. રોહિણી નક્ષત્ર ચંદ્રનું નક્ષત્ર છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકો લાગણીશીલ , ભૌતિકતા પ્રેમી , સોફ્ટ નેચરના હોય છે. આ જાતકો સંગીત, નૃત્ય જેવી કલાક્ષેત્રે રૂચિ ધરાવતા જોવા મળે છે. વૃષભ રાશિ વાણીના સ્થાને આવતી હોવાથી આ જાતકો સોફ્ટ અને મીઠાશથી બોલવાવાળા હોય છે.
મૃગશીર્ષ નક્ષત્ર માં જન્મેલા જાતકો એડવેન્ચરસ હોય છે. ફરવાના શોખીન , નેચરપ્રેમી અને ફોટોગ્રાફી નો શોખ હોય છે.

હોરા- મુહૂર્ત

હોરા- મુહૂર્ત
આપણાં ઘરોમાં નાના-મોટા શુભ કામ કરવા ચોઘડિયા જોવાય છે. પરંતુ આ ચોઘડિયા પ્રવાસ માટે હોય છે. નાના મોટા શુભ કાર્યો માટે જ્યોતિષમાં મુહૂર્ત જોવા માટે હોરાનો ઉપયોગ ખુબ જ સરસ ફળ આપે છે. આ ઉપરાંત પ્રશ્ન શાસ્ત્રમાં પણ હોરાનો  ઉપયોગ થાય છે.
જન્મ સમયની હોરાનું જ્યોતિષમાં ઘણું મહત્વ છે.
હોરા જોવી પણ ઘણી સહેલી છે. તો આપણે સમજીએ હોરા એટલે શું?
સંસ્કૃત શબ્દ અહોરાત્રી પરથી આવેલો શબ્દ છે. અહોરાત્રી એટલે એક આખો દિવસ.એટલે એક સૂર્યોદય થી બીજા સૂર્યોદય સુધીનો સમય. આમ ૨૪ કલાક થાય. દિવસને બે વિભાગમાં વહેચી દીધા છે. એક દિવસની હોરા અને રાત્રિની હોરા. દિવસની હોરાની ગણત્રી સૂર્યોદય સમય અને સૂર્યાસ્ત સમયનાં વચ્ચેના સમયને કહે છે. આ જે સમય આવે એને બાર વડે ભાગીએ તો જે સમય આવે એ લગભગ એક કલાકની આસપાસનો હોય. આ એક કલાકને હોરા કહે છે.
બીજો ભાગ સૂર્યાસ્તથી બીજા દિવસનાં સૂર્યોદયનો સમય. બાર કલાક સવારનાં બાર કલાક સાંજનાં.
આ સમયનાં પણ બાર ભાગ કરીએ તો રાત્રીની એક હોરાનો સમય મળે.
કેટલીક વખત ૫૫મિનીટ તો અમુક ઋતુમાં એક કલાક પાચ મિનીટ પણ જોવા મળે.
  ઈંગ્લીશમાં એક કલાકને અવર કહે છે. જે હોરા જેવો જ છે. એક હોરા એક કલાકની હોય છે. સૂર્ય થી શનિ સુધીના સાત ગ્રહો એક એક હોરાના સ્વામી હોય છે.
દરેક વારની સૂર્યોદય સમયની પહેલી હોરા એ દિવસનાં સ્વામીની હોય છે. દાખલા તરીકે સોમવારે પહેલી હોરા ચંદ્રની , મંગળવારે પહેલી હોરા મંગળની , બુધવારે બુધની, ગુરુવારે ગુરુની,  શુક્રવારે શુક્રની , શનિવારે શનિની, રવિવારે સૂર્ય ની હોય છે. હવે બીજી હોરા કોની હોય એ સમજીએ.
દાખલા તરીકે રવિવારે સૂર્યોદય સમયની એક કલાક સુધી સૂર્યની હોરા હોય . પછી બીજી હોરા સૂર્ય થી છઠા વારની આવે .એટલે કે શુક્રની એ પછીની ત્રીજી શુક્રથી છઠા વારની આવે બુધની એમ સૂર્યાસ્ત સુધીની
હોરા હોય. હવે સૂર્યાસ્ત સમયની પહેલી હોરા સૂર્ય થી પાંચમાં વારની ગુરુવારની હોય. એ પછીની ગુરુવારથી છઠા વારની મંગળ વારની આવે. આમ બીજા દિવસનાં સૂર્યોદય સુધી ગણાય. બીજા દિવસે સોમવાર આવે એ દિવસની પહેલી હોરા ચંદ્રની આવે. દરેક હોરામાં હોરા સ્વામીનાં ક્ષેત્રમાં આવતાં કાર્યો શરૂ કરવાથી કામકાજ સરળતાથી થાય છે.
કઈ હોરામાં કયું કામ કરવાથી શુભ ફળ મળે એ જોઈએ.
સૂર્યની હોરામાં સરકારી કામકાજ , સરકારી ઓફિસમાં ફાઈલ સબમિટ કરવી, સરકારી અધિકારી કે રાજકારણી ને મળવું . સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્ન માટે ડોક્ટરની એપોઈનમેન્ટ લેવી તપાસ કરાવવી, દવા સ્ટાર્ટ કરવી, સર્જરી કરાવવી કે એ માટે સમય લેવો. જેવા કામ કરાય. હાથ નીચે માણસોની ભરતી કરવા આ સમય સારો રહે.
ચંદ્ર – એટલે માતા, વડીલ સ્ત્રી મન છે. પાણી દૂધ બધી જ લીકવીડ વસ્તુઓનો કારક છે ચંદ્ર.  જે કામ ત્વરિત પતાવવું હોય તે આ હોરામા સ્ટાર્ટ કરાય. લીકવીડનાં કામ આ હોરામા સ્ટાર્ટ કરાય. જેમકે દૂધની ડેરી કે પાર્લર સ્ટાર્ટ કરવું છે. કેમિકલ પેટ્રોલિયમ સંબધિત કામકાજ વગેરે. ટ્રાવેલિંગ એજન્સી ખોલવી હોય કે ફરવા જવાનું ગોઠવવવુ હોય, બેંકમાં પૈસા  ટ્રાન્સફર કરાવવા કે લોન માટે એપ્લાય કરવું ચંદ્રની હોરામા કામ ઝડપથી થાય છે.
આર્ટને લગતા કામ સંગીતને લગતા કામ આ હોરામા સ્ટાર્ટ કરાય. નવી રેસિપી બનાવવી પાર્ટી ગોઠવવી વગેરે કામ થાય.
મંગળની હોરામા ખાસ કરીને કોર્ટનાં કામો કરી શકાય. કેસ ફાઈલ કરવો વકીલને મળવું વગેરે. જમીનના કામ પણ આ હોરામા થાય. ખેતી સંબંધિત કામ, એન્જીનીયરિંગ કામો, રમતગમત સંબંધિ કાર્યો,  ફિજીયોથેરપી ટ્રીટમેન્ટ આ હોરામા સ્ટાર્ટ થાય. કોઈ પણ એક્સસાઈઝ કે યોગ માટે મંગળ ની હોરા ઉત્તમ છે.
સર્જન ડોક્ટર હોવ તો સર્જરી માટે ઈન્સ્ટ્રુમેન્ટ આ હોરામા ખરીદવાથી લાંબો સમય ચાલે છે. આ હોરા દરમ્યાન કોઈ સાથે વાદવિવાદ ટાળવા જરૂરી છે.
બુધની હોરામા બિઝનેસ રિલેટેડ , ભણવાની શરૂઆત કરવી, લખવુ જ્યોતિષ, ડ્રોઈગ વગેરે જેવા કાર્યો કરાય. એકાઉન્ટના કામ દસ્તાવેજીકરણ વગેરે કામ કરી શકાય. કોમ્પ્યુટર સંબંધી કે ટેલીકોમ્યનીકેશન સંબધિત કામ કરાય.
ગુરુની હોરામા બેંક એકાઉન્ટ ખોલાવવું, લોન માટે એપ્લાય કરવુ કોઈ પણ ફાઈનાસ્યીલ મેટર માટે આ હોરા પસંદ કરાય. આ ઉપરાંત ધાર્મિક કાર્યો કે સંતાનના કાર્યો, સંતાનને સમજાવવા, સલાહ આપવી આ હોરામા થાય.  સંતાન પ્રાપ્તિ માટે ડોક્ટરની એપોઈનમેન્ટ લેવી કે મળવા માટે ગુરુની હોરા ઉત્તમ છે. મેડિકલ માં ભણવાનું હોય પેપર સબમિટ કરવું હોય તો ગુરુ ની હોરા માં થાય.
શુક્રની હોરામાં લવ મેરેજ કરવા હોય તો , મેરેજ રજીસ્ટ્રેશન કરાય. દાગીના ખરીદવા કપડાં ખરીદવા , લગ્નની ખરીદી કરવા માટે આ હોરા પસંદ કરાય. વાહનની ખરીદી, મ્યુઝિક રિલેટેડ કાર્યો , મિત્રો ને મળવું , બાયોલોજી કે લાઈફ સાયન્સ ભણવાનું સ્ટાર્ટ કરવા, રિસર્ચ વર્ક શરૂ કરવા શુક્ર ની હોરા લેવાય.
વૈવાહિક સંબધીત કામ, લગ્નોત્સુક યુવક યુવતીનું મળવા માટે શુક્રની હોરા શુભ ફળ આપે છે.
શનિની હોરામા લેબર વર્ક શરૂ કરવું હોય, સાફસફાઈના કામ કરવા હોય તો શરૂ કરાય. શનિની હોરામા શુભ કાર્ય ટાળવા.
ગરીબોને ભોજન આપવું , સેવાનાં કામ શરુ કરવા આ હોરા સારી છે. ઓઈલ, લોખંડ સંબંધિત કાર્ય માટે આ હોરા પસંદ કરાય.
આમ સાચી હોરા પસંદ કરીને કામ કરીએ તો ડેઇલી લાઈફમાં કામકાજ સરળ બને ફળદાયી બને. જ્યોતિષ નો ઉપયોગ અંધશ્રદ્ધા વહેમ વધારવા માટે નથી. પણ જો સમજીને ઉપયોગ કરીએ તો રોજીંદા જીવનમાં સુગમતા રહે. ખુશી મળે.

સૂર્યની ઉચ્ચ રાશિ મેષ : Exalted Sun

સૂર્યની ઉચ્ચ રાશિ
ગ્રહ કોઈ એક ચોક્કસ રાશિમાં, ચોક્કસ અંશનો થાય ત્યારે ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે. આ સ્થાને એ ગ્રહ એકદમ કમ્ફર્ટ ફિલ કરે છે. અને માટે એ સારું ફળ આપે છે.
મિત્રો સાથે એવો પણ વિચાર આવે કે, ગ્રહ શા માટે કોઈ ચોક્કસ રાશિમાં, ચોક્કસ અંશે, ચોક્કસ નક્ષત્રમાં
ઉચ્ચનો થાય છે?  આજે આ વિષય પર થોડી વાત કરીશું.
ગ્રહોનો રાજા સૂર્ય છે. સૂર્ય પિતા, આત્માનો કારક છે. તેજ, પ્રકાશ જ્ઞાનનો કારક છે. નૈતિકતા, શિષ્ત, જીવનશક્તિનો કારક છે. સોલર એનર્જીનો આંતરિક શક્તિનો કારક છે.
આ સૂર્ય મેષ રાશિમાં ૧૦° ,અશ્વિની નક્ષત્રનાં ત્રીજા પદમાં પરમ ઉચ્ચત્વ મેળવે છે.
શા માટે? એનાં તાત્વિક કારણો જોઈએ.
મેષ રાશિ ભચક્રની પ્રથમ રાશિ છે. નૈસર્ગિક કુંડળી પ્રમાણે કુંડળીમાં પ્રથમ ભાવે હોય છે. મેષ રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે. જેને સેનાપતિ કહે છે.
સૂર્ય ગ્રહોનો રાજા પૂર્વમાં ઉગે છે. એ પ્રથમ રાશિ મેષમાં પ્રવેશે છે. રાજા સેનાપતિને ઘેર પ્રવેશે છે.
સેનાપતિ રાજાને શક્તિ પ્રદાન કરે. રાજાની પ્રતિષ્ઠા વધે એવીરીતે સાથ આપે. રાજાને બાહુબળ પુરું પાડે.
બીજી રીતે વિચારીએ તો સૂર્ય આત્મા છે એ મેષ રાશિમાં પ્રવેશ પામી ભચક્રની આ પ્રથમ રાશિને શક્તિ આપે. સમજો કે મેષ રાશિ મોબાઈલ છે અને સૂર્ય એને ઈલેક્ટ્રીક કરંટની જેમ જીવનશક્તિ આપે છે. અને ભચક્ર ગતિમાન થાય છે. બારે રાશિમાં એક વર્ષ દરમ્યાન ગતિ કરે છે. માટે સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો થાય છે.
હવે નક્ષત્ર જોઈએ. ભચક્રને આપણે ૩૬૦°નુ ગણીએ છીએ. જેમાં ૧૨ રાશિ છે. દરેક રાશિ ૩૦°ની હોય છે. આપણાં નક્ષત્ર ૨૭ છે એ બાર રાશિ માં વહેંચાયેલાં છે.  એક રાશિમાં સવા બે નક્ષત્ર હોય છે . એક નક્ષત્ર ને ચાર પદમાં વિભાજીત કર્યા હોય છે. આમ એક રાશિમાં નક્ષત્ર ના કુલ નવ પદ પદ હોય છે.
સૂર્ય મેષ રાશિનાં પ્રથમ નક્ષત્ર અશ્વિનીમાં ઉચ્ચનો થાય છે. પ્રથમ રહેવું રાજાનો ગુણ છે. અશ્વીની પ્રથમ નક્ષત્ર છે. અશ્વિની નક્ષત્રનું સિમ્બોલ અશ્વનુ મુખ છે.  આ નક્ષત્ર નાં દેવ બે અશ્વીની કુમારો છે જે દેવો ના વૈદ્ય છે. રાજા કે પિતા હંમેશા પોતાની પ્રજાની રક્ષાની, સ્વાસ્થ્યની અને પોષણની કાળજી લેતો હોય . માટે આ નક્ષત્ર માં ઉચ્ચનો થાય છે.
કેતુનું નક્ષત્ર છે. કેતુ મોક્ષનો કારક છે. જે આત્મા જન્મે છે. એ એવી ઈચ્છા સાથે આવે છે કે, એને આ જન્મે મોક્ષ મળે. માટે કેતુનાં નક્ષત્ર માં ઉચ્ચનો થાય છે. કેતુનું સિમ્બોલ ધ્વજ છે. રાજા આગલી હરોળમાં સેનાપતિ સાથે પોતાનો ધ્વજ ફરકાવતાં વિજયી છે એ દર્શાવે છે.
વધુ ઊંડાણથી વિચારીએ તો સૂર્ય મેષ રાશિનાં અશ્વીની નક્ષત્ર નાં ત્રીજા પદ મા ઉચ્ચ નો થાય છે. ત્રીજુ પદ મિથુન નવમાંશ નું છે. બુધ એનો અધિપતિ છે બુધ બુદ્ધિનો કારક છે. રાજકુમાર છે. રાજા પાસે બળ સાથે બુધ્ધિ પણ જરૂરી છે. રાજા સાથે રાજકુમાર તો હોય જ. વાયુ તત્વનું નવમાંશ છે. વાયુ તત્વની હાજરીમાં ધ્વજ ફરકી શકે. વાયુ તત્વને બુધ કોમ્યુનિકેશન નો કારક પણ છે. જેને કારણે રાજાની ખ્યાતિનો પ્રસાર થાય.
સૂર્યની ગરમી તેજ પ્રકાશને પૃથ્વી પર પ્રસારે. આ ઉપરાંત વિચારીએ તો પ્રથમ પદમાં ગંડાત પોઈન્ટ આવે જ્યાં હજુ સૂર્ય નબળો હોય એટલે કે સૂર્ય જેમ થોડો સમય જાય પછી આઠ નવ વાગ્યાની આસપાસ પોતાનો પ્રકાશ એવો આપે જે પૃથ્વી નાં સર્વે પ્રાણીઓને પોષણ આપે. માટે ૧૦° એ ઉચ્ચનો થાય.
બીજી એક વાત કે, સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. સિંહ રાશિથી મેષ રાશિ નવમ ભાવે આવે. નવમ ભાવ એટલે ધર્મ ભાવ , ઉચ્ચ અભ્યાસનો , નૈતિકતાનો ભાવ છે.  માટે સૂર્ય અહીં ઉચ્ચનો થાય છે.
એપ્રિલ મહિનામાં તારીખ ૧૪/૧૫ મી ની આસપાસ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશે જેને મેષ સંક્રાંતિ કહે છે. આપણાં દેશનાં ઘણાં રાજ્યોમાં આ દિવસે નવું વર્ષ મનાવવામાં આવે છે.

યોગ – કુંડળીમાં યોગ

યોગ
સંસ્કૃત શબ્દ છે યોગ એટલે જોડાવું.  પતંજલિ યોગ સુત્રમાં આવતો યોગ શબ્દ જેનો સામાન્ય રીતે વિવિધ આસનો કરીએ એ માનીએ છીએ. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર યોગ એટલે ગ્રહો વચ્ચેનું એવું જોડાણ જેનાં થકી કુંડળીનું ફળાદેશ બદલાઈ જાય. કુંડળીમાં કેટલાંક ચોક્કસ યોગો વ્યક્તિની જીંદગી બદલી નાખવા માટે શક્તિમાન હોય છે.
જ્યોતિષ માં હજારથી પણ વધુ યોગો હોય છે. પારાશર મુનીએ પ્રકરણ ૩૨,૩૩ ,૩૪ વિવિધ યોગો પર જણાવ્યું છે. યોગો શુભ ફળદાયી અને અશુભફળદાયી પણ હોય છે. જે અશુભ ફળ આપે એને અરિષ્ટ યોગ કહે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં  શરૂઆતનાં અભ્યાસુઓ માટે યોગ કુંડળીમાં સરળતાથી કેવીરીતે શોધાય એ આજે જોઈશું.
યોગો મેઈન બે રીતે બનેલા હોય છે.
૧) ભાવને અનુલક્ષીને
૨) બે કે તેથી વધુ ગ્રહોનાં સંબધ થી.
ભાવને અનુલક્ષીને બનેલા યોગોમાં પણ ગ્રહોનો ફાળો તો હોય જ છે. પરંતુ સમજવું સરળ બને માટે ભાગ પાડીએ.
૧) ભાવને અનુલક્ષીને બનતા યોગમાં પ્રથમ ભાવ જેને લગ્ન ભાવ કહીએ છીએ તેનાથી બનતા યોગો જેમ કે અધિ યોગ ,અમલ યોગ.
૨) કેન્દ્રાધિપતિ અને ત્રિકોણાધિપતિનો સંબંધ કેન્દ્ર કે ત્રિકોણ ભાવમાં હોય તો ધનયોગ કહે છે. ગયા બે
૩) ધર્માધિપતિ કર્માધિપતિ નો સંબંધ રાજયોગ બનાવે છે. જેમાં નવમેશ અને દશમેશની યુતિ સંબધ હોય અને નવમ કે દસમ ભાવમાં સ્થિત હોય ત્યારે આ યોગ બને છે.
૪) કેટલીક કુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણનો અધિપતિ ગ્રહ એકજ થતો હોય એવા ગ્રહને યોગકારક ગ્રહ કહે છે. આ ગ્રહ તેની દશા અંતર દશા માં શુભ ફળ આપે છે.
વૃષભ અને તુલા લગ્નની કુંડળીમાં શનિ યોગકારક ગ્રહ છે. જ્યારે કર્ક સિંહ લગ્નની કુંડળીમાં મંગળ યોગકારક ગ્રહ છે.
૫) વિપરીત રાજયોગ
કુંડળીમાં ૬,૮,૧૨ માં ભાવને દુ:સ્થાન કે ત્રિક ભાવ કહે છે. આ ભાવના અધિપતિ પરસ્પર ભાવોમાં સ્થિત હોય એને વિપરીત રાજયોગ કહેવાય છે. દાખલા તરીકે છઠ્ઠા ભાવનો અધિપતિ આઠમે કે બારમે કે છઠે હોય એજ રીતે આઠમાં ભાવનો અધિપતિ છઠે બારમે કે આઠમે હોય અને બારમાનો અધિપતિ છઠે આઠમે કે બારમે હોય તો વિપરીત રાજયોગ બને છે.
ચંદ્ર અને સૂર્યથી કેટલાંક યોગો બને છે .
જેમ લગ્ન ભાવથી અધિયોગ બને છે એમ ચંદ્રથી પણ આધિયોગ, અમલ યોગ, સુનફા અનફા દુર્ધરા જેવા યોગો બને છે.
ચંદ્ર નો બીજા ગ્રહ સાથેનાં સંબંધ થી પણ યોગ બનતા હોય છે. જેમકે ચંદ્ર નો ગુરુ સાથેનો કેન્દ્ર સંબંધ થી ગજકેસરી યોગ,  ચંદ્ર મંગળ થી લક્ષ્મી યોગ જે શુભ ફળ આપે છે.
ચંદ્ર ગુરુ થી બનતો શકટ યોગ, ચંદ્ર શનિની વિષ યોગ અશુભ ફળ આપે છે. ચંદ્ર જ્યારે એકલો હોય આસપાસનાં ભાવમાં બીજા ગ્રહો ના હોય એને કેન્દ્રુમ યોગ કહે છે જે અશુભ ફળ આપે છે.
હવે સૂર્ય થી બનતા યોગો જોઈશું.
સૂર્ય થતાં યોગમાં વેશી યોગ, વશી યોગ, ઉભયાચારી યોગ, સૂર્ય બુધની યુતિ સંબંધ ને બુધાદિત્ય યોગ કહે છે. સૂર્ય ગુરુ ના  યુતિ  સંબંધને રાજરાજેશ્વરી યોગ કહે છે શુભ યોગો છે.
આ ઉપરાંત પાંચ બાકીનાં ગ્રહો જેવાકે મંગળ, બુધ, ગુરુ, શુક્ર શનિથી થતા યોગો જેને પંચમહાભૂતમાં યોગ કહે છે જે ખુબ પ્રચલિત છે. ગ્રહ પોતાની સ્વરાશિ કે ઉચ્ચ રાશિમાં હોય અને એ રાશિ કેન્દ્ર માં સ્થિત હોય ત્યારે આવા યોગ બને છે. જેમકે
મંગળથી રૂચક યોગ
બુધથી ભદ્ર યોગ
ગુરુ થી હંસ યોગ
શુક્થી માલવ્ય યોગ
શનિથી શશ યોગ
કુંડળી જોવા બેસીએ ત્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન પણ જોવું જોઈએ. જેને પરિવર્તન યોગ કહે છે. આવી જ રીતે નક્ષત્ર પરિવર્તન યોગ પણ હોય છે. જેમાં ગ્રહ સ્વરાશિ નો હોય એ રીતે ફળ આપે છે. દાખલા તરીકે મેષ રાશિમાં શનિ હોય અને મકર રાશિમાં મંગળ હોય જેને પરિવર્તન યોગ કહે છે.
હવે વાત કરીશું નીચે ભંગ રાજયોગની.
આ યોગમાં કોઈ એક ગ્રહ નીચની રાશિમાં રહેલો છે. એની સાથે જો એ રાશિનો અધિપતિ રહેલો હોય કે દ્રષ્ટિ કરતો હોય કે એ રાશિમાં ઉચ્ચત્વ પામતો ગ્રહ સાથે હોય તો નીચભંગ રાજયોગ બને છે.
આપણે જોઈએ છીએ કે  ઘણી  કુંડળીમાં શુભયોગો જોવા મળે છે પણ શુભ ફળ આપતા જોવા મળતા નથી. પરાશર મુનિ કહે છે કે લગ્ન અને ચંદ્ર જો મજબૂત બનેલાં હોય તો જ યોગો ફળ આપે છે. બીજું કે યોગો એની દશા કે ખાસ કરીને અંતરદશામાં ફળ આપતા જોવા મળે છે.
ત્રીજુ અને અગત્યનું એ જોવું જરૂરી છે કે, ગ્રહો કંઈ રાશિમાં છે, એ રાશિ કુંડળીમાં કયા ભાવમાં છે અને ગ્રહનું બળાબળ પણ જોવું અગત્યનું છે.
આ તમામ બાબતોને સારા જ્યોતિષે ધ્યાનમાં રાખીને યોગ માટે ફળાદેશ કરવું જોઈએ.
ધન્યવાદ

કુંડળી મેળાપક- Marriage Matching-2

કુંડળી મેળાપક-૨
મેરેજ મેચિંગ , કુંડળી મેળાપકમાં વધુ થોડાં પોઈન્ટ પર વાત કરીએ.
આજે જોઈશું છઠ્ઠો પોઈન્ટ.
આપણાં સમાજમાં વ્યક્તિ કુટુંબથી ઓળખાય છે. માતા પિતા જ્યારે પણ યુવાન પૂત્ર કે પૂત્રીને પરણાવવાનો વિચાર કરે ત્યારે સર્વ પ્રથમ કુટુંબ કેવું છે તેની તપાસ કરે છે.
મેરેજથી ફક્ત બે પાત્રો વચ્ચે જ નહીં પરંતુ બે કુટુંબ વચ્ચે પણ સંબંધ સ્થપાય છે.
કુંડળીમાં બીજા ભાવને કુટુંબ ભાવ, ધન ભાવ, વાણી નો ભાવ કહ્યો છે. બીજો ભાવ કુટુંબ ભાવ એ  સાતમા સ્થાનથી આઠમો ભાવ છે. જે દાંપત્યજીવનનો આયુષ્ય ભાવ પણ કહી શકાય. બીજા ભાવથી જીવનસાથીના આયુષ્યનો વિચાર પણ કરાય.
બીજો ભાવ વાણી નો ભાવ. વાણી સંબંધ જોડવા અને તોડવા માટે સક્ષમ છે. કોઈ હથિયારની જરૂર નથી. બીજા ભાવે મંગળ ,રાહુ જેવા ગ્રહો જાતકની વાણી ખરાબ કરે છે. કેટલીક વખત આ કારણે પણ દાંપત્યજીવન નો અંત એટલેકે ડિવોર્સ સુધી વાત પહોંચે છે.  સાઉથ ઈન્ડિયામાં બીજે મંગળ ને માંગલીક દોષ તરીકે ગણવામાં આવે છે.
આ મંગળ મારક બની જીવનસાથી નું આયુષ્ય ઓછુ કરે છે. મંગળ સાથે રાહુ કેતુ જેવા ગ્રહો આવી જાય તો જીવનસાથીને એક્સિડન્ટ પણ થવાની શક્યતા રહે છે.

ચાર દિવાલથી બનેલાં મકાનમાં બે હ્દય ધબકતાં થાય ને મકાન ઘર બને. કુંડળીમાં ચોથું સ્થાન સુખ સ્થાન કહેવાય છે. ચોથા સ્થાનથી મકાન, વાહનનું સુખ જોવાય છે. ચોથુ સ્થાન મનનું હ્રદય નું સ્થાન છે. સુખની અનુભૂતિનું સ્થાન છે. એ માટે જરૂરી છે કે યુવક અને યુવતી ની કુંડળી માં ચોથા ભાવે અશુભ ગ્રહ ન હોય. ચોથો ભાવ પાપકર્તરીમાં ન હોય. ચતુર્થેશ શુભ ગ્રહ સાથે શુભ સ્થાને શુભ કર્તરીમાં હોય.
ઉદાહરણ તરીકે ચોથે રહેલો મંગળ જીવનમાં ગમે ત્યારે પણ હ્રદય રોગ તો આપે જ પણ મંગળ ની ચોથી દ્રષ્ટિ સાતમે ભાવે પડે દાંપત્યજીવનમાં ખટરાગ થાય . સાતમી દ્રષ્ટિ દસમે પડે જીવનસાથી ની માતા સાથે પણ સંબંધો બગાડે.  માટે ચોથુ સ્થાન તપાસવું જોઈએ.

મેરેજ કરવાનો પરપઝ શું.
વેદિક સંસ્કૃતિ માં મેરેજ નો મેઈન પરપઝ પ્રજોત્પત્તિ માટેનો છે . જ્યોતિષમાં પાંચમો ભાવ સંતાન ભાવ છે. પાંચમા ભાવથી સંતાન સુખનો વિચાર કરાય છે. એ માટે પાંચમા ભાવનું, પંચમેશનું ,પાંચમે રહેલાં ગ્રહનું આકંલન કરવું એક જ્યોતિષ ની નૈતિક ફરજમાં આવે છે.
પંચમેશ છ, આઠ દસ બારમે ન હોવો જોઇએ. પંચમેશ સાથે પાપ ગ્રહ ન હોવા જોઈએ. પાંચમે પાપ ગ્રહ કે પાપગ્રહો ની દ્રષ્ટિ ન હોવી જોઈએ.
આ ઉપરાંત બારમો ભાવ જેને શયનસુખનો ભાવ કહે છે તેના પર પણ નજર કરવી જોઈએ. એકથી વધુ અશુભ ગ્રહો બારમે શુભ નથી. આઈટી જેવા ક્ષેત્રોમાં રાત્રે નોકરી કરનારી વ્યક્તિમાં આવી પરિસ્થિતિ ઘણી વખત જોવા મળે છે. આમ થોડું વ્યવહારીક જ્ઞાન રાખીને કુંડળી નું આંકલન જરૂરી છે.
યુવતીની કુંડળીમાં આઠમે વધુ ગ્રહો હોય એમાં પાપગ્રહો પણ હોય એવી કુંડળીમાં સામેનાં પાત્રમાં આયુષ્ય સારું હોય એવી કુંડળી પસંદ કરવી જોઈએ.
મેળાપક માટે આવતી કુંડળીમાં કેટલાક સામાન્ય કોમ્બિનેશન પણ જોઈ લેવા જરૂરી હોય છે. જેથી વ્યક્તિના કેરેક્ટરનો અંદાજ કાઢી શકાય.
જેમકે શુક્ર મંગળ નું કોમ્બિનેશન ૭,૧૦,૧૧ માં સ્થાને હોય તો ખરાબ.
લગ્ન થી કે ચંદ્ર થી દસમે શુક્ર સારો નથી.
સૂર્ય મંગળ રાહુ નુ કોમ્બિનેશન સારું નથી.
સૂર્ય ની સાથે કે સામેના ભાવમાં શનિ , કે યુવક ના સૂર્ય થી નવ પંચમમા યુવતિનો શનિ કે યુવક નો જે રાશિમાં શનિ  હોય એજ રાશિમાં યુવતીનો   સૂર્ય હોવો જોઈએ નહીં.
દાખલા તરીકે એકની કુંડળીમાં સૂર્ય વૃષભ રાશિ માં છે તો બીજાની કુંડળીમાં શનિ વૃષભ મીન કે સિંહ માં હોવો જોઈએ નહીં . આમ એક કુંડળીના શનિની બીજાના સૂર્ય પર દ્રષ્ટિ કે યુતિ સંબંધ હોવો જોઈએ નહીં.
કુંડળી માં શનિ મંગળ ની યુતિ પણ તોડફોડ નું કારણ બને છે.
શુક્ર કેતુ કે શુક્ર રાહુ નજીકનાં અંશોથી યુતિ કરતા હોય એવી કુંડળી નકારવી જોઈએ.
આવા ઘણા કોમ્બિનેશન છે જે ધ્યાનમાં લેવા જોઈએ.
નવમાંશ કુંડળી થી પણ મેળાપક કરવામાં આવે છે. જેની રીત થોડી જુદી છે.
દાખલા તરીકે
યુવકની નવમાંશ કુંડળી ના લગ્નેશ શનિ છે .  યુવતીની નવમાંશ કુંડળીમાં શનિની સ્થિતિ ,ભાવ, રાશિ બીજા ગ્રહો ના સંબંધ થી થી જોવામાં આવે છે. આ રીતે બીજા ભાવોનો પણ વિચાર કરાય છે.


કુંડળી મેળાપક – Marriage Matching

  કુંડળી મેળાપક- Marriage Matching
પહેલાંના સમયમાં દરેક કુટુંબમાં એક પંડિત ગોર મહારાજ રહેતાં.  જ્ઞાતિના દરેક ઘરોની જાણકારી એમની પાસે હોય. લગ્ન ઉંમર થઈ હોય એવાં યુવક યુવતીઓની જાણકારી હોય. એજ ગોર મહારાજ બંને પક્ષની પત્રિકા મેળવતા.
આજનાં મોબાઈલ નાં જમાનામાં એસ્ટ્રોલોજી ની કોઈ એપ ડાઉનલોડ કરી એમાં મેળાપક માતાઓ જાતે કરતી થઈ ગઈ છે. જેમને ચંદ્ર નક્ષત્ર થી ગણના થાય છે જેનું પણ જ્ઞાન ક્યારેક નથી હોતું. માતા હોય કે ગોર મહારાજ કુંડળી મેળાપક ચંદ્ર નક્ષત્ર બંને કુંડળી ના જોઈ પંચાંગમાં મેળાપક ના કોષ્ટક માં જોઈ ગુણાંક જોઈ લે છે.
મેળાપક માટેનો એક એવો કોન્સેપ્ટ થઈ ગયો છે કે ગુણાંક સારા મળે છે. મંગળ દોષ છે કે નથી એટલું જોયું એટલે મેળાપક થયા અને લગ્ન કરાય.
અંતે  મનમેળ ના પ્રશ્નો ઉભા થયેલા જોવા મળે છે . ડિવોર્સ પર ગાડી આવી જાય. અથવા તું વહાં મૈ યહા એવી એકબીજાથી અલગ અલગ જીવનનો મોટો સમય વિતાવતા  દંપતી  જોવા મળે છે. કેટલાક કેસમાં દીકરીઓને સાસરીયા સતાવતા હોય. મારપીટ કે પૈસા લાવવાનું દબાણ હોય.
લગ્ન થઈ જવા એને મહત્વ આપવા કરતાં દાંપત્યજીવન કેવું રહેશે એની અગત્યતા વધુ છે.
તો ચાલો ગુણાંક તો મેળવ્યાં . મંગળ દોષ પણ જોવાઈ ગયો. કાર્ય એટલાં થી પૂર્ણ નથી થતુ . કુંડળીમાં એકલો મંગળ ગ્રહ જ નથી. બીજા આઠ ગ્રહો પણ છે શું એનું કોઈ મહત્વ નથી?
કુંડળી માં બીજા કેટલાક પાસા મેળાપક વખતે ધ્યાનમાં રાખવા જેથી કોઈ બે ફેમિલી કે કોઈની પૂત્રી દુઃખમાં આવી ના પડે એ જોવું જોઈએ.
મિત્રો આપ બીગીનર છો તો નોટ પેન સાથે રાખશો.
ગુણાંક મળ્યાં મંગળ જોયો હવે જે કુંડળીઓ મેળાપક માટે આવી છે એનો લગ્નનો સમય નજીકનાં ભવિષ્યમાં છે? એ ચેક કરવું.
એ માટે કુંડળીમાં રહેલાં શુક્ર જે મેરેજનો કારક છે એને જોઈએ. જો એ શુક્ર ની  ઉપરથી ગુરૂ પસાર થતો હોય તો મેરેજ નો સમય ચાલે છે. શુક્રની ત્રિકોણ રાશિમાં થી ગુરૂ પસાર થતો હોય ગોચર કરતો હોય તો મેરેજ સમય થયો છે એમ કહેવાય.  શુક્ર સાથે ગુરુનું મિલન એટલે પતિ પત્નીનુ મિલન એવું માની શકાય. આવા અગત્યનાં સમયને હજુ ભણવું છે કે કોઈ બીજા બહાને ટાળી દો તો પછી જ્યારે મેરેજ કરવાનું યાદ આવે ત્યારે જ્યોતિષના ચક્કર કાપવા પડે.
લગ્નજીવનમાં પતિ પત્ની વચ્ચે મૈત્રી હોવી જરૂરી છે. જીવનનો ઘણો લાંબો પથ એકબીજા સાથે વિતાવવાનો છે. માટે સુમેળ ભર્યા સંબંધો મહત્વના છે.
૧ )સૌ પ્રથમ બંને વચ્ચે મૈત્રિ હશે કે કેમ એ જોઈએ.
કુંડળીનું લગ્ન ચેક કરો. જો યુવક યુવતી બંનેના લગ્ન મિત્ર રાશિનાં હોવા જોઈએ. લગ્ન ભાવ એટલે દેહ, વ્યક્તિત્વ. બાયોલોજીકલ એટ્રેક્શન જોઈ શકાશે.
બી
બીજો પોઈન્ટ છે ચંદ્ર રાશિનો. બંને કુંડળી માં ચંદ્ર જે રાશિમાં હોય એના રાશ્યાધિપતિ એક બીજાના મિત્ર હોવા જોઈએ. દાખલા તરીકે વૃષભ રાશિ અને કન્યા રાશિ. વૃષભ નો રાશ્યાધિપતિ શુક્ર છે કન્યા રાશિનો અધિપતિ બુધ છે જે મિત્ર છે.
યુવક યુવતી ના ચંદ્ર એકબીજાથી ષડાષ્ટકમાં ન હોવા જોઈએ. એટલે કે યુવકનો ચંદ્ર વૃશ્ચિક નો હોય અને યુવતીનો મિથુનનો હોય એમાં વૃશ્ચિક થી આઠમી રાશિ મિથુન આવે જેને કારણે પતિ પત્નીની કોઈ વાત કાને ધરે નહીં. અવગણના થયા કરે. અને મિથુન રાશિ થી વૃશ્ચિક રાશિ છઠે આવે . છઠુ સ્થાન શત્રુનું પત્ની પતિને શત્રુવત્ ગણે. દાંપત્યજીવન કંકાસમય બને.
બિયાબારુ શબ્દથી આપ પરિચિત હશો જ. બિયા એટલે બીજે. બારુ એટલે બારમે. યુવક યુવતીનો ચંદ્ર એકબીજાથી બીજે બારમે ન હોવો જોઇએ.
દાખલા તરીકે મેષનો ચંદ્ર બીજાનો વૃષભ નો ચંદ્ર. આવા દંપતિ માં મતભેદ રહ્યા કરે છે. પરંતુ જો રાશ્યાધિપતિ મિત્ર થતા હોય તો આ વાતને અવગણી શકાય.
ત્રીજો અને અગત્યનો પોઈન્ટ છે . આયુષ્યનો. દાંપત્યજીવન સહવાસ થી ચાલે છે. બહુ લાંબી મજલ કાપવાની છે એક સાથે. એમાં એક પાર્ટનરનું આયુષ્ય ટુંકુ હોય તો બીજાએ લાંબો સમય એકલતામાં કાઢવો પડે. આવા સંજોગોમાં ૩૨ ગુણાંક કે ૩૬ ગુણાંક મળ્યાં નો કોઈ અર્થ રહેતો નથી. આ માટે બંનેની આયુષ્ય ગણના, એક્સીડન્ટ ના યોગો વગેરે જોવા જોઈએ.
આયુષ્ય ગણના એ એક મોટો વિષય છે. જેની ચર્ચા અહીં થી શકે નહીં.
ચોથો પોઈન્ટ . કારક
પુરુષ ની કુંડળી માં મેરેજ નો કારક છે શુક્ર . માટે કુંડળીમાં શુક્ર ને તપાસવો પડે. શુક્ર કન્યા રાશિમાં ન હોવો જોઈએ. શુક્ર પાપકર્તરી માં ન હોવો જોઇએ. એટલે કે , શુક્રની આસપાસ પાપગ્રહો ન હોવા જોઈએ.
દાખલા તરીકે વૃષભ રાશિ માં શુક્ર છે. તો મેષ રાશિમાં તથા મિથુન રાશિમાં પાપગ્રહો જેવાકે સૂર્ય, મંગળ, શનિ, રાહુ કેતુ. અથવા શુક્રનાં અંશથી વધુ અંશે અને બીજો ઓછા અંશે શુક્ર સાથે યુતિ કરતા હોય એવા પાપગ્રહો ન હોવા જોઈએ. દાખલા તરીકે શુક્ર સૂર્ય મંગળ એક સાથે હોય અને શુક્ર ૨૦અંશનો હોય સૂર્ય ૨૨અંશનો મંગળ ૧૨  અંશનો હોય તો પણ શુક્ર પાપકર્તરીમા કહેવાય. આવો શુક્ર દાંપત્યજીવન ખરાબ કરે. પત્ની ડિપ્રેશન નો ભોગ બને કે ડિપ્રેશન ને કારણે મૃત્યુ પણ પામે.
યુવતીની કુંડળી માં ગુરુ દાંપત્યનો કારક છે. આ ગુરુ નીચનો ન હોવો જોઈએ. પાપકર્તરીમાં ન હોવો જોઈએ. આવો ગુરુ અણબનાવ ઉભા કરે છે.
બંનેની કુંડળીમાં ગુરુ શુક્ર સ્ટ્રોંગ હોય સારી જગ્યાએ હોય તો જ મેળાપક કરાય.
યુવતીનો ગુરુ યુવકનાં વિપત તારા, પ્રત્યરી તારા કે વધ તારા માં ન હોવા જોઈએ.
યુવકનો શુક્ર યુવતીનાં વિપત પ્રત્યરી કે વધ તારામાં ન હોવા જોઈએ.

સુખની અનુભૂતિ માનસિક લેવલે કરાતી હોય છે. સ્વસ્થ મન સુખી લગ્નજીવન નો પાયો છે. એ માટે કુંડળીમાં ચંદ્ર જવાબદાર છે.
ગુણાંક મેળવતી વખતે તારા બળ કે તારા કુટ જોવામાં આવે છે.   જેમાં તારા બળના ૩ ગુણ હોય છે. તારાબળ આ મેચિંગ માં ૦૦ ગુણ મેળવ્યાં હોય. પણ કુલ ગુણાંક માની લો ૨૮ છે તો તારાબળને નિગ્લેક્ટ કરી મેળાપક સરસ છે એવું નક્કી કરી દઈએ.
આ તારાબળ એ સુખી લગ્નજીવન નો અગત્યનો મુદ્દો છે.
તારાબળમાં ચંદ્ર નક્ષત્ર ને મેળવવામાં આવે છે.
૨૭ નક્ષત્ર ને ૯ વિભાગ માં વહેંચવામાં આવે છે. નવ નવની ત્રણ શ્રેણી હોય છે.  જેમાં જન્મ થયો હોય એને જન્મતારા , બીજું  સંપત  , ત્રીજુ  વિપત,  ચોથું ક્ષેમ પાંચમું પ્રત્યરી, છઠુ સાધક સાતમું વધ આઠમું મિત્ર નવમું અધિમિત્ર. અહીં ૩,૫,૭ મુ નક્ષત્ર અશુભ ગણાય છે .
યુવકનું ચંદ્ર નક્ષત્ર નોટ કરો. માની લો એ સૂર્ય નું છે.
યુવતીનું ચંદ્ર નક્ષત્ર નોટ કરો એ રાહુનું છે. સૂર્યથી રાહુ સુધી ગણતરી કરીએ. તો ચોથુ ક્ષેમ નક્ષત્ર આવે. યુવતી યુવકનું ક્ષેમ કરશે શુભ કરશે. એમ કહેવાય.

યુવતીના રાહુના નક્ષત્ર થી સૂર્યના નક્ષત્ર સુધી ગણતરી કરીએ. તો સાતમું નક્ષત્ર વધ આવે  જે ઘણું ખરાબ છે. સંસ્કાર વિહિન પુરુષ હોય તો મારપીટ પણ કરે. દીકરી દુખી થાય .  યુવતીની હેલ્થના આ જીવન પ્રશ્નો રહે.
માટે તારા બળની અગત્યતાને સમજવી જરૂરી છે. તારા બળ ગુણાંક પરથી નહીં સ્વતંત્ર જોવાય એવો આગ્રહ હોવો જોઈએ.
પાંચમો પોઈન્ટ
કુંડળીમાં સાતમો ભાવ દાંપત્યજીવન પાર્ટનરશીપનો ભાવ છે. સુખી દામ્પત્ય જોવાં માટે સાતમો ભાવ સપ્તમેશ અને સાતમે રહેલાં ગ્રહને તપાસવા જરૂરી છે.
સાતમાં ભાવમાં કોઈ ગ્રહ ન હોય તો ઉત્તમ.
સાતમાં ભાવ પર અશુભ ગ્રહની દૃષ્ટિ ન હોય તો ઉત્તમ
સાતમો ભાવ પાપકર્તરીમા ન હોય એ ઉત્તમ.
સાતમા ભાવે શુભ ગ્રહો કે શુભ ગ્રહની દ્રષ્ટિ હોય શુભકર્તરીમાં હોય તો ઉત્તમ.
સાતમાં ભાવમાં એક પાપગ્રહ હોય તો ૩૩% ખરાબી લાવે માટે એકથી વધુ પાપગ્રહ હોય તો કુંડળી રિજેક્ટ કરવી  જોઈએ.
હવે સપ્તમેશ એટલે સાતમા ભાવમાં રહેલી રાશિનાં સ્વામી ગ્રહ ને વિચારણામાં લઈએ.
સપ્તમેશ શુભ ગ્રહ હોવો જોઈએ, શુભ ગ્રહથી દ્રષ્ટ હોવો જોઈએ, શુભ સ્થાને બેઠેલો હોવો જોઈએ.
સપ્તમેશ ઉચ્ચ નો મુળ ત્રિકોણ રાશિનો કે સ્વ રાશિનો હોય તો સરસ.
બેકે તેથી વધુ અશુભ ગ્રહ સાથે કે દ્રષ્ટ ના હોવો જોઈએ.
જ્યારે પણ સપ્તમેશનો વિચાર કરતાં હોઈએ ત્યારે
સપ્તમેશ છઠા ભાવે અશુભ થયો હોય એવા સંજોગોમાં ચલિત કુંડળી પર એક નજર નાંખી લેવી જોઈએ. સપ્તમેશ અશુભ થયો હોય ત્યારે નવમાંશ કુંડળીમાં સપ્તમેશની  સ્થિતિ પર એક નજર નાંખી લેવી જોઈએ. નવમાંશ કુંડળીમાં સપ્તમેશ કંઈ રાશિમાં કયા ભાવમાં છે એનું આંકલન કરવું જરૂરી છે.
સપ્તમ ભાવની વાત કરીએ ત્યારે નૈસર્ગિક કુંડળી એટલે કે કાળપુરુષની કુંડળીના સાતમા ભાવે આવતી તુલા રાશિને પણ સપ્તમ ભાવની જેમ જ વિચારવી જોઈએ.
ભાગ બે હવે પછી જોઈશું.
https://youtu.be/jORNkdxlY64
https://youtu.be/i2Upe9UeIHo


મેષથી મીન લગ્ન માટે વૃષભનાં રાહુની અસર :

રાહુ મહારાજનો વૃષભ રાશિમાં ગોચર :
રાહુનાં મિથુન રાશિમાંથી ૨૩ સપટેમ્બર ૨૦૨૦ થી આશરે ૧૨-૧૬ મીનિટે વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે. રાહુનું આ ભ્રમણ આપની કુંડળીનાં લગ્ન મુજબ આપના જીવનમાં શું ફેરફાર લાવી શકીએ એ  જોઈએ.
કાળપુરુષની કુંડળી પ્રમાણે રાહુ બીજા ભાવે આવતી વૃષભ રાશિમાં આવનાર દોઢ વર્ષ માટે રહેવાનો છે.
વૃષભ રાશિનો અધિપતિ શુક્ર ,રાહુ સાથે મિત્રતા ધરાવે છે. બીજો ભાવ ધન, વાણી, કુટુંબ નો છે. આ ભાવ ફક્ત ધનની જ નહીં પણ આવનાર સમયમાં બીજા ભાવને લગતી બાબતોની કિંમત (વેલ્યુ) સમજાવનારો હશે.
મેષથી મીન લગ્ન માટે વૃષભનાં રાહુની અસરો :
મેષ લગ્ન:
મેષ લગ્નની કુંડળીમાં રાહુ બીજા સ્થાને આવે છે. આ દરમિયાન વાણી પર કંટ્રોલ રાખવો . કુટુંબમાં લડાઈ ઝઘડા કરાવશે. ઘણાં પ્રોજેક્ટ બનાવ્યાં હશે જે હજુ સુધી વર્ક આઉટ નહીં થયા હોય , તેને માટે નવેમ્બર પછી પ્રયાસ કરવા. હાલ જે કામ કરો છો તે ચાલુ રાખવા. પેટ તથા પાચન સંભાળવું.
સ્ટુડન્ટ હોવ તો તમારું નામ ખરાબ ના થાય તેનું ધ્યાન રાખવું.
સૂર્ય ઉપાસના કરવી.
વૃષભ લગ્ન:
આપની કુંડળીમાં રાહુ પ્રથમ ભાવ થી પસાર થશે. ભૌતિક ચીજ વસ્તુઓ તમામ તમારી પાસે હોવી જોઈએ એવું લાગશે. એ તરફ કાર્ય પણ કરશો. દાંપત્યજીવનમાં સ્પાઉસનાં ભાઈ બહેનોને કારણે ઝઘડા થાય. ખાસ કરીને ધન સંબંધી. સ્પાઉસ આધ્યાત્મિક તરફ ઢળતું લાગે.
સ્ટુડન્ટ હોવ તો ખરાબ લત ના લાગે માટે ખરાબ સોબતથી દૂર રહેવું. ભણવામાં ધ્યાન આપવું.
વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવા.
મિથુન લગ્ન:
સમય સાવચેતીથી પસાર કરવા જેવો છે. પરંતુ વિદેશ યાત્રા થઈ જાય એવું પણ બને. પોતાનાં વ્યક્તિત્વમાં બદલાવ આવે. એકલાં પડવા લાગો. આ સમય તમારાં શોકનું કામ કરો. વ્યક્તિત્વ ને નિખારવા તરફ ધ્યાન આપો.
સ્પાઉસની પ્રોપર્ટી ને લગતાં પ્રશ્નો ઉભા થાય.
કર્ક લગ્ન:
સરસ સમય આવી રહ્યો છે. પ્રોફેશનમાં બદલાવ લાવવાનું વિચારતા હતા તે શક્ય બની શકે.
નવી ગાડી કે ઘર લેવાનું માંડી વાળજો. પ્રોફેશનમાં બદલાવ માટે ફંડ જોઈશે. આવનાર દિવસોમાં લોકો તમારી વાત પર વિશ્વાસ મુકશે, તમને સાંભળશે.
વારંવાર નાની મુસાફરીની સંભાવના છે. કોરોનાથી સંભાળજો. ખાસ અગત્યની વાત એ છે કે, ઓનલાઈન ટ્રાન્ઝીક્શન કરતા સંપૂર્ણ સાવચેતી વર્તજો. પાસવર્ડ હેક થવાનાં ચાન્સ છે.
સિંહ લગ્ન:
સિંહ લગ્નની કુંડળીમાં રાહુ દસમ ભાવથી પસાર થાય છે. પ્રોફેશનલ એરિયામાં બદલાવ આવે. બોસ સાથે અણબનાવ બને નહીં એથી સંભાળવું. કામનું પ્રેશર હળવું થાય. જેથી ફેમિલી સાથે સમય વિતાવવા મળશે.
કન્યા લગ્ન:
આપના પિતા કે બોસ સાથે મનમોટાવ થાય. પ્રોબ્લેમ પણ ઉભા થાય. શાંત રહી વાત સાંભળી લેવી. ડિપાર્ટમેન્ટ કે બેસવાની જગ્યા બદલાય. સ્ટાફ મેમ્બર કે સબોડિનેટ સાથે પણ સંબંધ બગડે. શાંત રહેવું.
ખાસ કરીને આ સમય દરમિયાન શેરબજારમાં ઈન્ટ્રાડે કે સટ્ટો કરવો નહીં. બહુ મોટું નુક્સાન આવે તેમ છે. તમારું ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટાઈમ પ્લાનમાં રાખવું .
તુલા લગ્ન:
તમારી પર નાનાં મોટાં આળ આવે તેમ છે. બદનામ કરવાનાં પ્રયત્નો પણ થાય. નીચેના માણસો કોર્ટકેસ કરે. ગભરાવવાનો સમય નથી. તમારાં કામને વળગી રહેવું. ટીકાઓ સાંભળવી નહીં. ખાસ બોલવું નહીં.
ઓફિસ ની વાત ઓફિસમાં મુકી ઘેર આવવું.
વૃશ્ચિક લગ્ન :
આ સમય સેલ્ફ એસેસમેન્ટનો છે. તમારે શું કરવું કે કરવું છે એ તમે નહીં સમજી શકો . પોતાનાં લાગતા કોઈની સલાહ ને માનવી. એક સાથે ઘણાં કામ કરવા જશો. એવામાં એકલાં પડશો. ફેમિલી ને સમય આપો. પાર્ટનર ને સમય આપો.
વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવા.
ધન લગ્ન :
બિઝનેસમાં થોડો બદલાવ આવે એમ છે. કસ્ટમર બદલાય. બિઝનેસમાં સામાનમાં પણ ફેરફાર આવે.
પેટનાં ઈસ્યુ ઉભા થાય.
લાંબા સમયથી ચાલતી પૈસાની તંગી દૂર થાય. બોસ, પાર્ટનર સાથે પૈસા પ્રોપર્ટી અંગે વિવાદનાં પ્રસંગો આવે. મોટું મન રાખી થોડું જતું કરવું.
પેટનું ધ્યાન રાખવું.
મકર લગ્ન :
તમે સ્વતંત્ર છો એવું ફિલ કરો. જેને કારણે તમારા વર્તનમાં ફેરફાર જોવા મળે. જેથી ફેમિલીમાં તણાવ આવે.
જાહેર મેળાવડામાં તમારું વર્તન સારુ રાખજો. સગાંસંબંધીઓ ભેગા મળે ત્યારે પણ ઝઘડા થઈ જાય.
ખોટી ટેવોનાં ભોગ ના બનો એની કાળજી રાખશો. સ્ટુડન્ટ હોવ તો ખોટી સોબતથી બચો. ભણવામાં ધ્યાન રાખો.
કુંભ લગ્ન :
કેરિયર માં બ્રેક આવે. કેતુ દસમ સ્થાનથી પસાર થાય છે. નવું કંઈ કરવાની ઈચ્છા હોય તો શરૂ કરી શકો.
તમારા ખર્ચા ઓછા કરવા પડશે. ફંડનું ધ્યાન રાખી પ્લાનિંગ કરવું પડશે. કારણકે પ્રોફેશનમાં બ્રેક આવે છે.
ઘર બદલવાનું વિચારતાં હોવ તો ઉપરનાં ફ્લોર પર જાવ એમ બને.
લોંગ ટર્મ પ્લાનિંગ ને બદલે શોર્ટ ટર્મ પ્લાનિંગ વિચારજો. આગળથી નવો કોર્સ કરવા વિચારેલો પ્લાન બદલી નાખજો. પૈસા વેસ્ટ કરશો નહીં.
મીન લગ્ન :
વિદેશ યાત્રા ના યોગ થાય છે. તમારા ખરાબ સમયનો અંત આવશે. હવે સારો સમય શરૂ થાય છે. આર્થિક સ્થિતિ સુધરશે. આવકનું પ્રમાણ વધશે. સોશ્યલ મીડિયા થી દૂર રહો. કંઈક જીવન ઉપયોગી કરો.

આ છે રાહુનું બધા લગ્ન માટે સામાન્ય ફળ. પરંતુ આપની કુંડળીનાં બીજા ગ્રહો ની અસર પણ જોવી જરૂરી હોય છે. માટે  એ ધ્યાનમાં લેવું જરૂરી છે. આ ઉપરાંત વૃષભ રાશિમાં આવતાં ત્રણ નક્ષત્ર માં પણ ફળમાં ફેરફારો થતાં હોય છે. જે પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે.
કેતકી મુનશી
૯/૯/૨૦૨૦

૬૪મું નવમાંશ: 64th Navmansha:

૬૪મું નવમાંશ:  64th Navmansha:
૬૪મું નવમાંશ કેવી રીતે શોધવું :
નવમાંશ કુંડળીનો ઉપયોગ ખાસ કરીને ગોચર ગ્રહોનાં ભ્રમણની સારી નરસી અસર જોવાં થાય છે . એ માટે મારા લેખ નવમાંશ-૨ પરથી રાશિ તુલ્ય નવમાંશ અને નવમાંશ તુલ્ય રાશિને બરાબર સમજી લેવી જરૂરી છે.
ગોચરમાં જ્યારે  ખાસ કરીને મંદ ગતિનાં ગ્રહો એક ભાવમાં લાંબો સમય રહે જેની અસર જીવનમાં થતી હોય છે. મંદ ગતિનાં ગ્રહો જેવાકે ગુરુ,રાહુ, કેતુ શનિ જેવાં ગ્રહોની અસર જીવન પર પડે છે.
જ્યોતિષની જુદી-જુદી પ્રાચીન ચોપડીઓમાં ૬૪માં નવમાંશ માટે લખાયેલું છે.
૬૪ માં નવમાંશ ને ખર નવમાંશ પણ કહે છે. ૬૪મુઅં નવમાંશ આઠમાં ભાવે આવે .૬૪ મુ નવમાંશ એટલે બીજું કંઈ નહીં પણ ૨૧૦મો અંશ.
સામાન્ય રીતે જ્યોતિષ શાસ્ત્રમાં રસ ધરાવનારા જાણે છે કે , જન્મલગ્ન કે ચંદ્રથી આઠમાં ભાવેથી મંદ ગતિનાં અશુભ ગ્રહનું ગોચર અશુભત્વ આપે છે. ચંદ્ર થી આઠમે ગોચર કરતો શનિ અશુભ ફળ આપે છે, નાની પનોતી પણ ગણાય છે. શનિ એક ભાવમાં અઢી વર્ષ રહે છે. તો શું આ અઢીએ વર્ષ શનિ અશુભ ફળ જ આપે? ના, હકીકતમાં આમ બને નહીં. માટે એક એવો એરિયા શોધવો પડે કે જ્યારે શનિ તેનું સૌથી અશુભ ફળ , (મરણતુલ્ય કે હતાશા ઉપજે એવું ) આપતો હોય. જે ૬૪માં નવમાંશ તરીકે ઓળખાય છે. આ એરિયા ૦°થી ૩°-૨૦’ એટલે કે ૨૦૦ મીનીટ નો ભાગ હોય છે.
૬૪મું નવમાંશ ખાસ કરીને લગ્નથી અને ચંદ્રથી જોવામાં આવે છે. પરંતુ કેટલીક ચોપડીઓમાં સૂર્યથી પણ વિચારણા કરાય છે.
૬૪મું નવમાંશ જન્મકુંડળીમાં ૮ માં ભાવે મળે.
આપણે જાણીએ છીએ કે, એક રાશિમાં નવ નવમાંશ હોય છે.
૭ રાશિ × ૯ નવમાંશ= ૬૩ નવમાંશ થાય. માટે ૬૪મું નવમાંશ આઠમાં ભાવે જ આવે.
ચંદ્રથી શોધવું હોય તો, ચંદ્ર જે રાશિમાં હોય તેની આઠમી રાશિમાં  ૬૪મું નવમાંશ મળે.


ઉદાહરણ તરીકે  ચંદ્ર વૃષભ રાશિમાં ૧૨°૫૧’ નો છે.
માટે આ ચંદ્ર ચોથા નવમાંશમાં છે. વૃષભ રાશિથી આઠમી રાશિ ધન રાશિ આવે. તો ૬૪મું નવમાંશ ધન રાશિનું ચોથુ નવમાંશ આવે. ધન રાશિમાં ચોથું નવમાંશ મેષ નવમાંશ આવે.
૧૨° ૫૧’નો ભાગ  ૧૦°૦૦’ થી ૧૩°૨૦’ની વચ્ચે આવે.
એક ઉદાહરણ જન્મલગ્નનું જોઈએ . ઉદિત લગ્ન વૃશ્ચિક રાશિનું છે. લગ્ન ૧૭° ૫૩નું છે. વૃશ્ચિક રાશિથી આઠમી રાશિ મિથુન રાશિ આવે.
૧૭°૫૩’ એ છઠુ નવમાંશ આવે. માટે  મિથુન રાશિ નું છઠુ નવમાંશ ૬૪મું નવમાંશ થાય. માટે ૬૪મું નવમાંશ મિથુન રાશિનું મીન નવમાંશ આવે.
૬૪મું નવમાંશ ગણવું કઈ રીતે? શું ૬૪ નવમાંશ ગણવાં બેસવાનું?
૬૪મું નવમાંશ ગણવાની સરળ રીત:
આપણે બોલીએ છીએ નવમાંશ , ૬૪મું નવમાંશ. માટે જન્મલગ્ન કુંડળીની સાથે નવમાંશ કુંડળીનો પણ આધાર લઈએ તો આ ગણતરી સરળ રીતે કરી શકાય.
સ્ટેપ (૧): જો લગ્નથી ૬૪મું નવમાંશ ગણવું હોય તો લગ્નથી આઠમી રાશિ ધ્યાનમાં રાખીએ.
સ્ટેપ (૨):  એનું ૬૪મું નવમાંશ શોધવા નવમાંશ કુંડળીનાં ચોથા ભાવે આવતી રાશિ જે હોય એ ૬૪માં નવમાંશ ગણાય. એ રાશિનો અધિપતિ ૬૪માં
નવમાંશ નો અધિપતિ ગ્રહ ગણાય.
હવે જો ચંદ્રથી ૬૪મું નવમાંશ ગણવું હોય તો :
સ્ટેપ (૧) :
જન્મકુંડળીમાં ચંદ્ર રાશિથી આઠમી રાશિમાં ૬૪મું નવમાંશ આવે. માટે આ રાશિ ધ્યાનમાં રાખવી જોઈએ.
સ્ટેપ (૨)
નવમાંશ કુંડળીમાં ચંદ્ર જે રાશિમાં હોય તેનાથી ચોથી રાશિ ૬૪મું નવમાંશ હોય.

ઉદાહરણ કુંડળીમાં ચંદ્ર વૃષભ રાશિમાં છે.
સ્ટેપ ૧:
વૃષભથી આઠમી ધન રાશિમાં ૬૪મું નવમાંશ આવે.

સ્ટેપ ૨:
નવમાંશ કુંડળીમાં ચંદ્ર કંઈ રાશિમાં છે એ જોવો.
ઉદાહરણ કુંડળીમાં નવમાંશ કુંડળીમાં ચંદ્ર મેષ રાશિમાં  છે. હવે મેષ થી  ચોથી રાશિ કર્ક આવે  . માટે ચંદ્રથી ૬૪મું નવમાંશ ધન રાશિનું કર્ક નવમાંશ આવે.
૬૪માં નવમાંશ પરથી જ્યારે ગોચરમાં શનિ, રાહુ કેતુ જેવાં અશુભ ગ્રહોનું ભ્રમણ થાય ત્યારે શારિરીક, માનસિક મૃત્યુ તુલ્ય તકલીફોનો સામનો કરવો પડે છે. કેતકી મુનશી