કુંડળીમાં પ્રથમ ભાવ, લગ્ન ભાવ, Ascendant :

કુંડળી નો પ્રથમ ભાવ, લગ્ન ભાવ
જન્મ લગ્ન કુંડળી માં પ્રથમ ભાવ એ આ જગત માં તમારી એન્ટ્રી દર્શાવે છે.
કુંડળી ના પ્રથમ ભાવ ને લગ્ન ભાવ, તનુ ભાવ કહે છે.
આ ભાવ ને કુંડળી નું બીજ કહે છે જેમાં આખું વૃક્ષ સમાયેલું હોય છે. સમય જતાં જેમ વૃક્ષ મોટું થાય ફળ આપે છાંયો આપે એજ રીતે કુંડળી ના પ્રથમ ભાવનું સ્થાન છે. પ્રથમ ભાવ એટલે શરીર દેહ. આ દેહ આવ્યો. એ એકલો તો નથી જ. કુટુંબ, માતા પિતા ભાઈ ભાંડુ બધા જ હોય. જીવનમાં દેહ સાથે જોડાયેલા તમામ સંબંધો કુંડળી થી જોઈ શકાય છે. આમ પ્રથમ ભાવ એ આખીય કુંડળી અને જીવન નું બીજ કહી શકાય.
પ્રથમ ભાવ ને તનુ ભાવ કહે છે. ‘તન’ એટલે શરીર.

‘દેહં રૂપં ચ જ્ઞાનં ચ વર્ણ ચૈવ બલાબલમ્,
સુખં દુ:ખં સ્વભાવં ચ લગ્નભાવાનિરીક્ષયતે.’

અર્થાત્ મહર્ષિ પરાશર કહે છે કે, દેહ નું રૂપ એટલે કે રંગ કેવો છે એ, જ્ઞાન, વર્ણ એટલે ચાર વર્ણ ની રાશિ હોય છે. જે રાશિ પ્રથમ ભાવ માં હોય તેવા ગુણધર્મો જાતક ધરાવતું હોય છે. ‘બલાબલમ્ ‘ એટલે જાતક નું શરીર સૌષ્ઠવ કેવું હોય તેની માહિતી લગ્ન ભાવ થી થાય છે.
આ ઉપરાંત જીવન માં આવનાર સુખ દુઃખ નો વિચાર તથા જાતક નો સ્વભાવ, ઈન્ડિવ્યુજ્યાલીટી લગ્ન ભાવ થી જાણી શકાય છે.
પ્રથમ ભાવ થી દેખાવ, શરીર નો આકાર, વળાંકો, સ્વાસ્થ્ય, જાતક એટ્રેક્ટિવ હશે કે કેમ એ, જાતક ના ગુણ દોષ, બળ, તેના દેહ તથા સ્વભાવ ની દુર્બળતા, જુદી જુદી પરિસ્થિતિ માં તેની પ્રતિક્રિયા તથા પ્રક્રિયા જે એની અંદર રહેલાં જ્ઞાન સાથે જોડાયેલા હોય છે એવા તમામ પાસા જાણી શકાય છે.
ઉત્તરકાલામૃત મુજબ પ્રથમ ભાવ થી જોવાતી બાબતો :-

‘ દેહશ્ચાવયવઃ સુખાસુખ જરાસ્તે જ્ઞાન જન્મસ્થલે,
કીર્તિઃ સ્વપ્નવલાયતી નૃપનયાખ્યાઁયૂષિ શાન્તિવર્યઃ
કેશા કૃત્યભિમાન જીવન પર દ્યૂતાંક માનત્વચો
નિદ્રાજ્ઞાન ધનાપહાર નૃતિરસ્કાર સ્વભાવારુજઃ.
વૈરાગ્ય પ્રકૃતિ ચ કાર્ય કારણં જીવ ક્રિયા સૂદ્યમો
મર્યાદા પ્રવિનાશનં ત્વિતિ ભવેદ્ વર્ણાપવાદસ્તનોઃ.

ઉપરોક્ત શ્લોક માં પ્રથમ ભાવ ના કારકત્વમાં આવતી બાબતો નું વર્ણન છે. જે જોઈએ.

1) દેહ ના રૂપ રંગ, સ્વાસ્થ્ય (2) વિભિન્ન અવયવો (3)જીવનના સુખ દુઃખ (4) વૃધ્ધાવસ્થા (5)જ્ઞાન ( 6) જન્મ સ્થાન 7) યશ કીર્તિ ગૌરવ (8)સ્વપ્ન ફળ (9)બળ (10)પ્રભાવ,પ્રતાપ (11) રાજ્ય કે સત્તા નુ સુખ (12) આયુષ્ય (13) સુખ શાંતિ આનંદ (14) વય (15) કેશ વાળ (16) દેહ સૌંદર્ય, ચહેરાની ભવ્યતા (17) સ્વાભિમાન (18)આજીવિકા (19) બીજા ને માટે કરી છુટવાની વૃત્તિ કે જુગારી વૃત્તિ (20) અપમાન કલંક (21) માન સન્માન (22) ત્વચા (23) ઉંઘ (24) કાર્યકુશળતા, દક્ષતા, બુદ્ધિમતા (25) પરધન લઈ લેવું કે ધન સંબંધી ગોટાળો (26) વેરવૃત્તિ, અપમાનિત કરવાની પ્રવૃત્તિ (27) સ્વાસ્થ્ય, લાભ કે રોગ થી મુક્તિ (28) અનાસક્તિ ત્યાગ (29) સ્વભાવ (30) કાર્ય કરવાનું માધ્યમ, એજન્સી (31) પશુપાલન (32) મર્યાદા નો નાશ કે ભંગ (33) કુળ જાતિ થી અપામાનિત કે બહાર થઈ જવું.
લગ્ન ભાવ માં રહેલાં નંબર પરથી રાશિ નક્કી કરાય છે.
જુદી જુદી રાશિના લગ્નો પ્રમાણે ગુણ, દોષ, સ્વભાવ વગેરે જાણી શકાય છે. લગ્ન ભાવમાં રહેલ રાશિ સ્વામી જેને લગ્નેશ કહે છે. લગ્ન ભાવમા રહેલ ગ્રહો, લગ્ન ભાવ પર દ્રષ્ટિ કરતાં ગ્રહો, લગ્નેશ, લગ્નેશ જે રાશિ ભાવ માં રહેલ હોય તે, તેના પર બીજા ગ્રહની દ્રષ્ટિ આ તમામ બાબત જાતક પર અસર કરે છે.
પ્રથમ ભાવ જાતક નું માથું, કપાળ, બ્રેઇન માઈન્ડ દર્શાવે છે. પ્રથમ ભાવથી દાદી તથા નાના નો પણ વિચાર કરી શકાય છે. આ ઉપરાંત સાળા સાળી, નણંદ, દિયર, ભાભી વગેરે ના પૂત્ર પૂત્રી ઓ નો વિચાર કરાય છે.
પ્રથમ ભાવ નો કારક ગ્રહ સૂર્ય છે. સૂર્ય રોગપ્રતિકારક તથા જીવન શક્તિ નો કારક છે. સૂર્ય પરથી જાતકની રોગપ્રતિકારક શક્તિ નો વિચાર કરી શકાય છે.
કેતકી મુનશી.

જન્મકુંડળી

જન્મકુંડળી
દરેક વ્યક્તિ ને પોતાનું નસીબ, ભવિષ્ય, કેરિયર, પૈસા, સ્ટેટસ જેવી દુન્યવી ચીજ પોતાની પાસે કેવી કેટલી હશે ક્યારે પ્રાપ્ત થશે એ જાણવાની જિજ્ઞાસા હોય છે. આવા પ્રશ્નો લઈ વ્યક્તિ જ્યોતિષ પાસે જતો હોય છે.
મહર્ષિ શ્રી ભૃગુ પરાશર ઋષિ જ્યોતિષ શાસ્ત્ર ના આદ્ય ગુરુ કે પિતામહ મનાય છે. મહર્ષિ લગભગ મહાભારત કાળ માં થયા હોય તેમ મનાય છે. મહર્ષિ રચિત બૃહદ્ પારશર હોરા શાસ્ત્ર પ્રચલિત છે.
વ્યક્તિ ના જન્મ પછી માતા પિતા એની જન્મ તારીખ તિથી સમય અને જન્મ સ્થળ ની માહિતી પંડિત પુરોહિત ને આપતાં. તે માહિતી ના ઉપયોગથી ગણિત કરી જન્મ કુંડળી કાઢવામાં આવતી. હવે કોમ્પ્યુટર ના જમાનામાં કોમ્પ્યુટરાઈઝ કુંડળી કાઢવામાં આવે છે. હવે હાથ હાથમાં મોબાઇલ છે જેમાં જાતજાતની એસ્ટ્રોલોજી એપ દ્વારા કુંડળી મેળવી શકાય છે.
જન્મકુંડળી

આપણી પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે જે આશરે 360 દિવસ માં પૂર્ણ થાય છે. (આપણે ડિટેલ ગણિત માં નથી જતાં) આપણે જાણીએ છીએ કે બાર રાશિ હોય છે. આકાશ માં તારા ઓની ગોઠવણી મુજબ જેવી આકૃતિ દેખાય એના પરથી રાશિ ને ઓળખવા નામ આપાયા છે. 12 મહિના માં 12 ખાના. બાર ખાના બાર રાશિ. અહીં એક ખાના ને ભાવ, સ્થાન કહે છે. કુંડળી માં ભાવ ફિક્સ હોય છે. આપણાં જન્મ સમયે આકાશ માં પૂર્વ દિશામાં જે રાશિ ઉદિત થઈ હોય તે રાશિ નું લગ્ન કહેવાય.
ત્યાર પછી ઘડિયાળ ના કાંટાની વિરુધ્ધ દિશામાં જતા 2 થી બાર ભાવ આવે.
બાર રાશિ ના નામ :-
1)મેષ
2) વૃષભ
3) મિથુન
4) કર્ક
5) સિંહ
6) કન્યા
7) તુલા
8) વૃશ્ચિક
9) ધન
10) મકર
11) કુંભ
12) મીન
સામાન્ય રીતે જાતક ના જીવનને લગતી જુદી જુદી બાબતો બાર ભાવ વડે જોવાય છે. દરેક ભાવને વિશેષ નામ થી ઓળખવામાં આવે છે. પર્યાય વાચક નામ સંજ્ઞા પણ હોય છે.
1) લગ્ન ભાવ, તનુ ભાવ.
2) ધનભાવ
3) ભાતૃ ભાવ
4) માતૃ ભાવ
5) પૂત્ર ભાવ
6) શત્રુ ભાવ
7) કલત્ર ભાવ
8) આયુષ્ય ભાવ
9) ભાગ્ય ભાવ
10) કર્મ ભાવ
11) લાભ ભાવ
12) વ્યય ભાવ
કેતકી મુનશી
27/6/2019

મીન લગ્ન Pisces Ascendant :-

મીન લગ્ન
લેખક: કેતકી મુનશી
લગ્ન કુંડળી માં પહેલાં ખાનામાં 12 અંક લખાયેલો હોય તો, જન્મ સમયે રાશિમંડળની બારમી રાશિ મીન રાશિ પૂર્વમાં ઉદિત હશે તેમ કહેવાય.
રાશિ ચક્ર ની આ અંતિમ રાશિ છે. જે જન્મ મરણ ના ચક્ર થી લિબરેશન દર્શાવે છે, અથવા બીજીરીતે કહીએ તો જન્મ કુંડળી નું છેલ્લું સ્થાન End. સામે મરણ દેખાતું હોય તેવી વિચારસરણી ધરાવતા વૃધ્ધ વ્યક્તિ જેવી. શોર્ટ ટર્મ પ્લાનીંગ ની મેન્ટાલીટી આ જાતકો ધરાવે છે.
જળતત્વની રાશિ છે.:-
ધર્મ ત્રિકોણ ની રાશિ છે. સમુદ્ર દર્શાવે છે અગાધ સમુદ્ર.
જળ એ એવું તત્વ છે જેને ગંધ આકાર કે સ્વાદ હોતો નથી. જળનો મુખ્ય ગુણ જેની સાથે ભળે તેના જેવો રંગ ગંધ આકાર જેવા ગુણધર્મો પકડી લે છે. આથી આ જાતકો ને સંગદોષ તરત લાગી જતો હોય છે.
જળ જેમ જલદી ઠંડુ કે ગરમ થાય, તેમ આ જાતકો વિશેષ લાગણીશીલ હોય છે. સારા ખરાબ બનાવો ની અસર તુરંત થતી હોઈ ડિપ્રેશન માં જલદી આવી જતા હોય છે.
સંવેદનશીલતા, કલ્પનાશીલતા, શરમાળપણું, માનવતા, સેવા અંતઃસ્ફુરણા, ગૂઢમન અને આળસ જળતત્વની પ્રકૃતિ છે.
લગ્નેશ ગુરુ :-
મીન રાશિ નો અધિપતિ ગ્રહ ગુરુ છે. નૈસર્ગિક કુંડળી ના છેલ્લા, વ્યય ભાવ ની રાશિ ના અધિપતિ તરીકે ગુરુ અહીં ખર્ચાળ અને મોક્ષ સ્થાન ના અધિપતિ તરીકે બંધનમુક્તિ જેવી માનસિકતા ધરાવે છે.
ગુરુ આકાશ તત્વનો કારક ગ્રહ છે. આકાશ તત્વ બધા જ તત્ત્વો ને એકત્રિત કરી જોડી રાખવાનું કાર્ય કરે છે.
મીન રાશિ દ્વિસ્વભાવ રાશિ છે.:-
દ્વિસ્વભાવ રાશિ બેલેન્સ દર્શાવે છે. બીજી જલતત્વ રાશિ જેમકે કર્ક જે વહેતું પાણી ઝરણાં જેવું ચંચળ સતત ગતિમાન એમ દર્શાવે.
વૃશ્ચિક રાશિ બંધિયાર કૂવા જેવું પાણી. જ્યારે મીન રાશિ સમુદ્ર જળ, જ્યાં વહેણ નથી, કે નથી બંધિયાર પરંતુ નિયંત્રિત ગતિ કરતું પાણી છે. જેના પેટાળમાં અસંખ્ય રત્નો (જ્ઞાન) સમાયેલું હોય છે.
લગ્નેશ ગુરુ :-
ગુરુ ની મીન રાશિ બ્રાહ્મણ રાશિ છે. ગુરુ ધર્મ ને પાળનાર તથા પળાવનાર છે. મીન ધર્મગુરુ ની રાશિ છે. ભગવાન ને ભજવા ની રાશિ છે, મોક્ષ ની રાશિ છે. વેદ ઉપનિષદ ના અભ્યાસુ ની રાશિ છે.
શરીર ની ચામડી લાઈટિંગ વાળી, ચમકતી હોય છે. મોઢા પર ગુરુતા છલકતી હોય છે. ‘પોતે બધુ જ જાણે છે’ તેવું માને છે.
મીન લગ્ન ના જાતક ને વણમાંગી સલાહ આપવાની ટેવ હોય છે.
લગ્નેશ ગુરુ પાંચમા ભાવે આવેલી કર્ક રાશિ માં ઉચ્ચત્વ મેળવે છે. પાંચમો ભાવ નોલેજ નો જ્યાં લગ્નેશ ઉચ્ચ નો થતો હોવાથી જાતક પોતાના ભણતર, જ્ઞાન તથા શિષ્યો થી, તથા તેની સલાહ આપવા ની રીત થી પ્રખ્યાત થાય છે.
મીન રાશિ માં શુક્ર ઉચ્ચત્વ પામે છે. શુક્ર નોલેજ, રોમાન્સ, સૌંદર્ય, દાંપત્ય જીવન નો, સંબંધો નો ગ્રહ છે. જેનું જીવનમાં ઘણું મહત્વ નું સ્થાન છે. શુક્ર દાનવ ગુરુ છે.
અહીં એમ કહી શકાય કે કામના ઓ ચેનલાઈઝ થાય છે. પ્યોર થાય છે.
ગુરુ, મકર રાશિમાં નીચત્વ પામે છે. મીન રાશિમાં મકર રાશિ 11 માં ભાવમાં રહેલી છે. 11 મો ભાવ આવક નો. આ જાતકો ને ફાઈનાન્સ્યલી રાહત જલદી મળતી નથી. મકર રાશિ મહેનત માંગે માટે આ જાતકે ફાઈનાન્સ્યલી સ્ટેબલ થવા ખૂબ મહેનત કરવી પડે છે. ખાસ કરીને દશા અંતરદશા ગોચર પ્રમાણે ખરાબ ફળ મળ્યા જ કરે છે. માટે આ લગ્ન ના જાતક નું ફાઈનાન્સ્યલી પ્રિડિક્શન બધા જ પાસા ધ્યાન માં રાખી કરવું જોઈએ.
મિત્ર ગ્રહો :- સૂર્ય, ચંદ્ર, મંગળ.
ગુરુને શુક્ર સાથે શત્રુતા છે. જ્યારે શુક્ર સમતા રાખે છે.
ગુરુને બુધ સાથે શત્રુતા ના સંબંધ છે. જયારે બુધ ગુરુ પ્રત્યે સમ છે.
ગુરુ અને શનિ એકબીજા પ્રત્યે સમ છે.
મિત્ર સૂર્ય :-
મીન લગ્ન ની કુંડળી માં સૂર્ય ની સિંહ રાશિ છઠા ભાવે રહેલી છે. મેષ રાશિ માં સૂર્ય ઉચ્ચ નો બને છે જે મેષ રાશિ બીજા ભાવમાં રહેલી છે. આથી કહી શકાય કે, કુંડળી માં સૂર્ય મજબૂત હોય તો, બીજો ભાવ, ધન અને કુટુંબ બંને સારા હોય.
તુલા રાશિમાં સૂર્ય નીચત્વ પામે. મીન લગ્ન ની કુંડળી માં તુલા રાશિ આઠમા ભાવમાં રહેલી છે. આઠમો ભાવ ઓબ્સ્ટ્રકશન, આકસ્મિકતા આયુષ્ય નો. સૂર્ય જો નબળો હોય તો જીવનમાં ઘણી અડચણો આવે તથા હેલ્થ પ્રોબ્લેમ રહે. જીવન શક્તિ નબળી રહે.
મિત્ર ચંદ્ર :-
મીન લગ્ન ની કુંડળી માં કર્ક રાશિ પાંચમા ભાવમાં આવે છે. કર્ક રાશિ ત્રિકોણ માં આવતી રાશિ હોઈ આ કુંડળી માં ચંદ્ર પરમ મિત્ર હોય છે. વળી લગ્નેશ અહીં ઉચ્ચ નો થતો હોઈ ચંદ્ર સારો હોય તો વૃષભ રાશિ જે ભાવમાં હોય તેનું ફળ સારું મળે. કારણકે ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચ નો થાય છે. વૃષભ રાશિ ત્રીજા સ્થાને આવતી હોઈ જાતક ને ભાઈ બહેનનું સુખ સારું મળે છે.
વૃશ્ચિક રાશિ માં ચંદ્ર નીચત્વ પામે છે. મીન લગ્ન ની કુંડળી માં વૃશ્ચિક રાશિ નવમાં સ્થાને રહી છે. આથી આ જાતકો હંમેશા અનલકી હોય છે. વારંવાર બેડ લક નો સામનો કરવો પડે છે.
પાંચમો ભાવ માઈન્ડ, માનસિકતા દર્શાવે છે. જાતકના ગમા અણગમા પાંચમા ભાવ થી જોવાય છે. પાંચમે કર્ક રાશિ, ચંદ્ર ની રાશિ. ચંદ્ર – પ્રેમ, લાગણી, રોમાન્સ, મ્યુઝિક પોએટ્રી નો કારક. જાતક સોફ્ટ નેચર નો હોય છે. જાતક શાંતિ ના ચાહક હોય છે. કારણ કે પાંચમે ચંદ્ર ની રાશિમાં લગ્નેશ ઉચ્ચ નો થાય છે.
અહીં ગુરુ ઉચ્ચ નો થતો હોવાથી જાતક વેદ વેદાંત પૌરાણિક શાસ્ત્રમાં જાણકાર હોય છે.
આ જાતકો ને દીકરી ઓ વધારે હોય છે. કર્ક રાશિ સ્ત્રી તત્વની રાશિ છે, ચંદ્ર પણ સ્ત્રી તત્વનો ગ્રહ છે. મંગળ જેવો પુરુષ ગ્રહ અહીં નીચત્વ પામે છે માટે સ્ત્રી સંતાન વધુ હોય છે.
ભાઈઓ બહેનો 3જા તથા મોટા ભાઈ બહેન 11માં ભાવથી જોવાય છે. આ બંને ભાવ માં ચંદ્ર અને મંગળ ત્રિકોણના અધિપતિ ઉચ્ચ ના થતાં હોવાથી બંને ભાવ બળવાન બને છે. જે દર્શાવે છે કે, માતા લક્ષ્મી ની કૃપા આ જાતકો પર હોય છે. ઉપરાંત નાના મોટા બંને ભાંડુ થી લાભ તથા સપોર્ટ મેળવે છે.
કર્ક રાશિમાં મંગળ નીચત્વ પામે છે. જો મંગળ નેગેટિવ હોય તો જાતક ઈરિટેબલ નેચર ધરાવે છે. અને બદલો લેવાની ભાવના વાળો હોય છે.
મિત્ર મંગળ :-
આ લગ્ન માં મંગળ ભાગ્યેશ થતો હોઈ તેની ભૂમિકા અગત્યની બની રહે છે. ખરાબ મંગળ ભાગ્ય નબળું બનાવે છે. પાંચમાં ભાવે નીચત્વ પામતો હોઈ ભાગ્ય સાથ ના આપતા ઈરિટેબલ નેચર વાળો બનાવે છે.
મંગળ – શનિની મકર રાશિમાં ઉચ્ચત્વ પામે છે. મંગળ મકરમાં હોય તો સખત મહેનત અને શિસ્તબદ્ધતા આપે.
મંગળ આ લગ્ન માં ફેવરેબલ બનતો હોય તો, નસીબ ના બારણાં ખોલી ઉચ્ચ આવક ના સ્રોત મેળવી આપે છે.
મંગળ ની બીજી રાશિ જે મૂળ ત્રિકોણી રાશિ છે એ, મેષ રાશિ બીજા ભાવે ધન કુટુંબ ભાવે રહેલી છે. બીજા ભાવના અધિપતિ મંગળ 11 માં ભાવે ઉચ્ચ નો થતો હોવાથી જાતક કુટુંબ અને ફેમિલી ની આવકનો સપોર્ટ મળે છે.
બીજો ભાવ ધન ભાવ હોવાથી બીજા ભાવે રહેલા ગ્રહ તથા દ્રષ્ટિ કરતા ગ્રહ વડે બીજો ભાવ બરાબર સમજવો જોઈએ. બીજા ભાવે પડેલી રાશિ મેષ નું ચિન્હ ઘેટું છે. જે પર્વતિય પ્રદેશ સાથે જોડાયેલું છે. માટે બીજે પડેલી રાશિ ના સિમ્બોલ સાથે જીવન ક્યાંક સંકળાયેલ જોવા મળે. જેમકે ઘેટાં બકરાં નો વ્યાપાર, તેમના થકી ચીજ વસ્તુઓ નો વેપાર કે તેના સિમ્બોલ નો ઉપયોગ થતો હોય ત્યાં થી ધન.
બુધ :-
બુધ સમ છે. લગ્નેશ ગુરુ નો મિત્ર નથી. લગ્નેશ ગુરુ કન્યા રાશિ માં નીચત્વ પામે છે. કન્યા રાશિ મીન લગ્ન ની કુંડળી માં સાતમા ભાવે રહેલી છે. બુધની બીજી મિથુન રાશિ ચોથા ભાવમાં રહેલી છે.
ચોથો ભાવ – માતા, સુખ, ભૌતિક સંપત્તિ, સ્થાવર મિલકત, વાહનસુખ નું સ્થાન. જો બુધ સ્ટ્રોંગ હોય તો, લાઈફ પાર્ટનર સારુ મળે. બિઝનેસ સારી રીતે થાય. તથા ચોથા ભાવના તમામ કારકત્વ ને પામે.
ચોથા ભાવનો અધિપતિ બુધ સાતમે ભાવે ઉચ્ચ નો થાય છે. આથી જાતક પાર્ટ્નરશીપ તથા રિલેશનશીપ માં સુખી હોય છે.
પરંતુ બુધ મીન રાશિ માં નીચત્વ મેળવે છે. જો બુધ નબળો હોય તો, હેલ્થ ઈસ્યુ ઉભા થાય છે. બુધ સ્કીન નો કારક છે. જો બુધ અશુભ હોય તો, કે અશુભ ગ્રહ થી દ્રષ્ટ હોય તો સ્કીન રિલેટેડ ડીસિસ થાય છે. લેપ્રસી પણ થઈ શકે છે. બુધ જો મંગળ થી સંબંધિત હોય તો આવી શક્યતા વધુ હોય છે. ચંદ્ર જલતત્વ નો કારક છે. ચંદ્ર જો શનિ રાહુ થી ચતુર્વિધ સંબધ થી જોડાય તો પણ સ્કીન પ્રોબ્લેમ આપે છે. માટે આ બધા ફેક્ટર લેપ્રસી માટે કારણભૂત બની જતા હોય છે. માટે આ લગ્નમાં ઘણાં યોગો તપાસવા જરૂરી બને છે. આ લગ્ન માં સ્કીન ના રોગો વધુ હોય છે કારણ કે બુધ પ્રથમ સ્થાને એટલે કે લગ્નમાં જ નીચત્વ પામે છે.

બુધ લગ્ન માં નીચત્વ પામતો હોવાથી જાતકો સતત

બોલબોલ કરનાર હોય છે.
શુક્ર :-
શુક્ર, ગુરુ સાથે સમ છે. શુક્ર લગ્નમાં ઉચ્ચ નો થાય છે. પરંતુ લગ્નેશ તેની સાથે શત્રુતા છે. મીન લગ્ન ની કુંડળી માં શુક્ર ત્રીજા ભાવનો અધિપતિ છે. ત્રીજા ભાવમાં વૃષભ રાશિ રહેલી છે.
ત્રીજો ભાવ હોબી, પરાક્રમ, કોમ્યુનિકેશન ગુણો નો ભાવ. શુક્ર તેનો અધિપતિ ગ્રહ જે લગ્નમાં ઉચ્ચ નો થાય છે. આ જાતકો ટેલેન્ટીવ હોય છે. આ જાતકો દાન ધર્મ કરવા વાળા હોય છે. ભાગ્યેશ મંગળ 11 માં ભાવે ઉચ્ચ નો થતો હોવાથી આવક સારી હોય કે નહી પણ ચેરીટી કરવામાં માને છે. 12મો ભાવ નૈસર્ગિક કુંડળીમાં વ્યય ભાવ કહેવાય છે. તેથી આ જાતકો સંગ્રહખોરી કરી શકતા નથી. જો તેઓ ચેરીટી ના કરે તો પૈસા નો વ્યય ખૂબ કરતા જોવા મળે છે.
આ જાતકો સારા મિત્રો હોય છે. પરંતુ બુધ ખરાબ હોય તો એથી ઉલ્ટા હોય છે.
ત્રીજો ભાવ પરાક્રમ ભાવ. મંગળ ત્રીજા ભાવનો કારક ગ્રહ છે. આ કુંડળી મા મંગળ ભાગ્યેશ છે. જે દર્શાવે છે કે જ્યારે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે કોઈ દૈવી શક્તિ ની મદદ મળી જતી હોય છે. અને આ જાતકો ને કોઈ ચેલેન્જીંગ કામ મળે ને સ્વીકારે ત્યારે પૂર્ણ કરી શકતા હોય છે.
શુક્ર ની બીજી રાશિ તુલા આઠમે ભાવે રહેલી છે. આઠમો ભાવ ત્રિક ભાવ તથા ત્રીજો ભાવ ત્રિષડાય ભાવ, આઠમા થી આઠમો હોઈ આ બંને ભાવ અશુભ ભાવ હોય છે. આથી આ ગ્રહ આ કુંડળી માં અનફેવરેબલ ફળ આપે છે. જો શુક્ર ની સ્થિતિ સારી હોય તો આકસ્મિક ધન લાભ આપે છે. અને લગ્નેશ માં ઉચ્ચ નો થતો હોવાથી લાંબુ આયુષ્ય પણ આપે છે. નબળો શુક્ર ખાસ કરીને સાતમાં ભાવ રિલેટેડ ખરાબ ફળ આપે છે.

શનિ :-
શનિ ગુરુ સાથે સમ છે. શનિ લાભ તથા વ્યય સ્થાન નો અધિપતિ છે. એટલે મિક્સ ફળ આપે છે. ફેવરેબલ હોય તો આવક આપે નબળો હોય તો વ્યય કરાવે. શનિ આઠમાં ભાવે ઉચ્ચ નો થાય છે. જો કુંડળી માં શનિ સારો હોય તો લાંબુ આયુષ્ય આપે છે. આઠમાં ભાવ સંબંધિત ફળ સારા આપે છે.
બીજા ભાવમાં મેષ રાશિ માં શનિ નીચત્વ પામે છે માટે શનિ કુંડળી માં નબળો હોય તો ધનની કમી આપે તથા કૌટુંબિક પ્રોબ્લેમ આપે છે.
બીજો ભાવ ચહેરો દર્શાવે છે. જો શનિ ખરાબ હોય તો આ જાતકનો ચહેરો બગાડી નાખે છે.
શનિ ત્રિષડાયાધિશ અને વ્યેયશ છે માટે નેગેટિવ ફળ ની સંભાવના વધુ આપે છે. માટે શનિ ને આ કુંડળી માં વ્યવસ્થિત જજ કરવો જરૂરી છે.

મીન લગ્ન ના જાતકો શિષ્ટ અને સંસ્કારી જોવા મળે છે. આમ કેમ?
કારણકે મેષ રાશિથી સ્ટાર્ટ થઈને કોન્સિયસનેસ ઉત્તરોત્તર વિકસિત થતું જાય છે. આ જાતકો નું કોન્સિયસનેસ વિકસિત થઈ ગયેલું હોય છે. આ રાશિ મુનિ ઓ ની રાશિ છે. શુક્ર અહીં ઉચ્ચ નો થાય છે.
રાશિ સિમ્બોલ :-
રાશિ સિમ્બોલ બે માછલી છે. જેમાં એકનું મુખ ઉપરની તરફ ;બીજી નું મુખ નીચેની તરફ હોય છે. જે દર્શાવે છે કે, એક ની એક વાત રિપિટ થયા કરે છે.
માછલી પાણી માં રહે અને ક્ષણ માત્ર પણ એક જગ્યાએ રહેતી નથી. આ વાત એક પ્રકારની અસ્થિરતા દર્શાવે છે.
આ લગ્ન ના જાતકો માં ચંચળતા અને અસ્થિરતા જોવા મળે છે.
મીન લગ્ન માં ત્રણ નક્ષત્ર છે.
પૂર્વભાદ્રપદ.. મીનના 0°થી 3°20′.. નક્ષત્રાધિપતિ ગુરુ ઉત્તરભાદ્રપદ… મીનના 3°20′ થી 16°40′.નક્ષત્રાધિપતિ શનિવારે
રેવતી… મીનના 16°40 ‘થી 30°00’.નક્ષત્રાધિપતિ બુધ

નેગેટિવ સાઈડ :-
પોતે બધુ જાણે છે એમ માનવું.
બીજા માં ખોડ ખાંપણ કાઢવા ની ટેવ.

કેતકી મુનશી.
25/6/2019

જ્યોતિષ જોડકણાં
ગુરૂ +રાહુ
કર્મકાંડી ઘર જન્મ હોયે
નહીં તો ખુદ
કર્મકાંડી હોયે
પાઠ-પૂજા નું રટણ કરાવે.
વેદ પુરાણો યાદ રખાવે
પરિઘે પરિઘે સઘળું હોયે
ધર્મનો ના હાર્દ એ જાણે.
ચંડાળ યોગ કહેવાયે
શુક્ર +રાહુ
સૌંદર્યનો પૂજારી હોયે
કલાકારનો જીવડો હોયે
પ્રેમનો પૂજારી હોયે
રસિક બલમ હોયે
અંતિમ ધ્યેય અકળ હોયે
બુધ+રાહુ
ચટર- પટર બોલતો હોયે
લેખક, સેલ્સમેન, પ્રોગામર (કોમ્પ્યુટર) હોયે
ચિંતક કે ચિટર પણ હોયે
અંતે સારો જ્યોતિષ હોયે
શનિ +રાહુ
ઉઠક પટક કારકિર્દી હોએ
જીવન દુ:ખ સંઘર્ષમય હોયે
મહેનત નો પર્યાય ના હોયે
નિયમો ને નેવે મુકે
ડીપ્રેશન સંઘર્ષ નો અંત હોયે
શાપિત યોગ કહેવાયે.
કેતકી મુનશી
11/5/2019

ષડબળ અને તેનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્રમાં ભવિષ્ય ફળકથન કરવા માટે ભાવ, ભાવેશ, ભાવમાં રહેલ ગ્રહ, એના પર બીજા ગ્રહની દ્રષ્ટિ, ગ્રહ ઉચ્ચત્વ કે નીચત્વ પામેલો છે તે સર્વે નો વિચાર કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રહ સ્વરાશિમાં, મૂળ ત્રિકોણ રાશિમાં, મિત્ર, અધિમિત્ર રાશિમાં છે કે કેમ એ સર્વે બાબતો નો વર્ગ કુંડળીઓમાં પણ વિચાર કરી ને ગ્રહનું બળ શોધવામાં આવે છે. આમ સપ્તવર્ગ બળ, દશવર્ગ બળ તથા વીસવર્ગ બળ પણ ગ્રહોના બળાબળ માપવા માટે ઉપયોગી છે.
જ્યોતિષ ના વિદ્યાર્થીઓ ગ્રહોના બળની વાત આવે ત્યારે તેને વધુ મહત્વ આપતા નથી. કારણકે ગણિત વધુ હોય છે.
ગ્રહની બળાબળ કાઢવાની સૌથી ઉત્તમ પદ્ધતિ છે, ‘ષડબલ પદ્ધતિ’.
ષડબળ ફલિત જ્યોતિષ ઉપરાંત સિધ્ધાંત જ્યોતિષ નું અભિન્ન અંગ છે. જેના થકી ગ્રહોની શક્તિઓ નું અધ્યયન કરી શકાય છે. અને તેના થકી ફળકથન માં ચોકસાઈ લાવી શકાય છે. આથી ષડબળ એક વિશિષ્ઠ મહત્વ ધરાવે છે.
ષડબળ માં બળમાં છ બળ છે.
1) સ્થાન બળ (2) દિગ્ બળ (3) કાળબળ (4) ચેષ્ટા બળ (5) નૈસર્ગિક બળ (6) દ્રષ્ટિ બળ.
(1) સ્થાન બળ :
ગ્રહ સ્થાન બળ પાંચ પ્રકારે મેળવે છે.
A) ઉચ્ચ બળ ( B) સપ્તવર્ગિય બળ (C) ઓજયુગ્મ બળ (D) કેન્દ્રાદિ બળ (E) દ્વેષ કોણ બળ.
ગ્રહ આ બધા જ બળો ને રાશિમાં પોતાની સ્થિતિ ને કારણે મેળવતો હોવાથી આ બળને સ્થાન બળ કહે છે.
A) ઉચ્ચ બળ : જ્યારે કોઈ ગ્રહ પોતાના પરમ નીચાંશ ને પાર કરી ને પોતાની ઉચ્ચ રાશિ તરફ આગળ વધે તેને આરોહી ગ્રહ કહેવાય છે. પોતાની નીચની રાશિ થી ગ્રહ જેટલો આગળ નિકળે એટલું ઉચ્ચ બળ પ્રાપ્ત કરે છે. ઉચ્ચ બીંદુ પર પૂર્ણ બળ અને નીચ બિંદુ પર શૂન્ય બળ મેળવે છે.
B) સપ્તવર્ગિય બળ : સપ્તવર્ગ માં ગ્રહ જે બળ મેળવે તેને સપ્તવર્ગિય બળ કહે છે. આ સાત વર્ગ કુંડળી માં હોરા, દ્વેષકોણ, સપ્તાંશ, નવમાંશ, દશાંશ, દ્વાદશાંશ અને ત્રિશાંશ કુંડળી છે.
મૂળ ત્રિકોણ, સ્વરાશિ, મિત્ર રાશિ, શત્રુ રાશિ માં એમ સ્થિતિ અનુસાર ગ્રહ બળ પ્રાપ્ત કરે છે. ગ્રહોની શત્રુતા મિત્રતા ઉપર તથા પંચધા મૈત્રી કોષ્ટક અનુસાર સપ્તવર્ગ માં ગ્રહનું બળનું મુલ્યાંકન કરવામાં આવે છે.
C) ઓજયુગ્મ બળ : જન્મ લગ્ન અને નવમાંશ માં સમ અથવા વિષમ રાશિ માં ગ્રહ ની સ્થિતિ અનુસાર બળ મેળવવામાં આવે છે.
ઉતર કાલામૃત મુજબ શુક્ર તથા ચંદ્ર સમ રાશિમાં કે નવમાંશ માં હોય તો 1/4 (15 ષષ્ટયાંશા) બળ પામે. જ્યારે બાકીના ગ્રહો વિષમ રાશિમાં હોય તો 1/4 (15 ષષ્ટયાંશા) બળ પામે.
D) કેન્દ્રાદિ બળ : જે ગ્રહો કેન્દ્ર માં રહેલા હોય 1,4,7,10 માં સ્થાન માં હોય તેને 1 બળ, પણફરમાં 2,5,8,11 માં ભાવમાં બેઠા હોય તેને 1/2 બળ, તથા અપોક્લિમમાં એટલે કે 3,6,9,12માં ભાવમાં બેઠા હોય તેને 1/4 બળ પ્રાપ્ત થાય છે.
E) દ્વેષકોણ બળ :પુરુષ ગ્રહ સૂર્ય, મંગળ, ગુરુ પ્રથમ દ્વેષકોણ માં, નપુંસક ગ્રહ બુધ, શનિ દ્વિતીય દ્વેષકોણ માં અને સ્ત્રી ગ્રહ ચંદ્ર શુક્ર તૃતિય દ્વેષકોણ માં 1/4 બળ મેળવે છે.
આ ઉપરાંત એક બીજુ બળ છે જે સ્થાન સાથે સંબંધ ધરાવે છે. જેને સ્થાનીયબળ કહે છે. ગ્રહ નું સ્થાનીય બળ ભાવમાં એની સ્થિતિ અનુસાર પ્રાપ્ત થાય છે. ગ્રહ જો ભાવ મધ્ય પર હોય તો સૌથી વધુ બળવાન બને છે. ભાવસંધિ પર રહેલો ગ્રહ નું બળ શૂન્ય હોય છે.
2) દિગ્ બળ : દિગ્ એટલે દિશા. દિશા અનુસાર જે બળ પ્રાપ્ત થાય તેને દિગ્ બળ કહે છે. જેમકે બુધ તથા ગુરુ લગ્ન માં એટલે કે પૂર્વ દિશામાં.
ચંદ્ર તથા શુક્ર ચતુર્થ ભાવમાં એટલે કે ઉત્તર દિશામાં ;
સૂર્ય તથા મંગળ દસમ ભાવમાં એટલે કે દક્ષિણ દિશામાં, તથા શનિ સપ્તમ ભાવમાં એટલે કે પશ્ચિમ દિશામાં.
આ ભાવોથી ગ્રહ સપ્તસ્થ થાય તો ગ્રહ શૂન્ય બળ પ્રાપ્ત કરે. અને જો વચ્ચે હોય તો ત્રિરાશિક ગણત્રી મુજબ બળ પ્રાપ્ત થાય.

3) કાળ બળ : જન્મ સમય ને આધારે જે બળ પ્રાપ્ત થાય છે તેને કાળ બળ કહે છે. જેમકે જન્મ શુક્લ પક્ષ માં છે કે કૃષ્ણ એ મુજબ પક્ષ બળ મળે. રાત્રે જન્મ છે કે દિવસે તેના પર બળ પ્રાપ્ત કરે છે.
જન્મ માસ, વર્ષ, વાર નો અધિપતિ કોણ થતો હતો,
હોરા કઈ હતી, જન્મ ઉત્તરાયણ નો કે દક્ષિણાયણ નો આ બધાજ ફેક્ટર ને સમય સાથે સંબંધ હોઈ એને કાળ બળ કહે છે.
કાળબળ આઠ પ્રકાર ના છે.
1) નતોન્નત બળ : મધ્યાહનથી મધ્ય રાત્રિ સુધી નો સમય ‘નત’ કહેવાય છે. મધ્ય રાત્રિ થી મધ્યાહન સુધી નો સમય ઉન્નત કાળ કહેવાય છે.
સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર મધ્યાહને પૂર્ણ બળ પામે છે.
ચંદ્ર, મંગળ, શનિ મધ્યરાત્રિએ પૂર્ણ બળ પામે છે.
2) પક્ષ બળ : બધા જ શુભ ગ્રહ જેવા કે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર શુક્લ પક્ષ માં તિથિ વૃધ્ધિ સાથે પક્ષબળમાં વૃદ્ધિ પામે છે.
એથી વિપરીત બધા ક્રુર ગ્રહ સૂર્ય, મંગળ, શનિ, રાહુ તથા પાપ યુક્ત બુધ કૃષ્ણ પક્ષ માં ઉત્તરોત્તર બળ પ્રાપ્ત કરે છે.
3) ત્રિભાગ બળ : ત્રિભાગ એટલે ત્રણ ભાગ. દિનમાન અને રાત્રિમાનનાં ત્રણ ભાગ કરો. દિવસનાં ત્રણ ભાગ માં પ્રથમ ભાગમાં બુધ, મધ્ય ભાગમાં સૂર્ય અને ત્રીજા ભાગમાં શનિ ને ત્રિભાગ કાળ બળ મળે છે. એજ પ્રકારે રાત્રિના પ્રથમ ભાગ માં ચંદ્ર, મધ્ય ભાગમાં શુક્ર તથા રાત્રિનાં અંતિમ ત્રિભાગમાં મંગળ ને બળ મળે છે.
4) વર્ષાધિપતિ બળ : જાતક ના જન્મ સમય જે વર્ષ ચાલતું હોય તેના પ્રારંભ ના સાપ્તાહિક દિવસ નો સ્વામી વર્ષાધિપતિ કહેવાય છે. વર્ષ ના પ્રારંભના દિવસ નો સ્વામી જે હોય તે ગ્રહ ને બળ પ્રાપ્ત થાય.
5) માસાધિપતિ બળ : જન્મના મહિનાનાં પ્રથમ દિવસનો સ્વામી ગ્રહ જે હોય તે માસાધિપતિ બળ પ્રાપ્ત કરે છે.
6) વારાધિપતિ બળ : જાતકોનો જન્મ જે દિવસે થયો હોય તે દિવસનાં સ્વામી ગ્રહ ને બળ મળે છે.
7) હોરાધિપતિ : દિવસ રાત મેળવી ને 24 હોરા હોય છે. દરેક હોરા નો સ્વામી ગ્રહ હોય છે. જાતકોનો જન્મ જે હોરામાં થયો હોય તેના સ્વામી ગ્રહને બળ મળે છે.
8) અયન બળ : વિષુવૃત રેખાથી ગ્રહ ઉત્તર કે દક્ષિણમાં સ્થિત હોય છે. અને ગ્રહ તેની સ્થિતિ અનુસાર બળ પ્રાપ્ત કરે છે. સૂર્ય, મંગળ, શુક્ર, ગુરુ જ્યારે ઉત્તરાયનમાં બળ પ્રાપ્ત કરે છે. ચંદ્ર, શનિ જ્યારે દક્ષિણાયન માં હોય ત્યારે બળ પ્રાપ્ત કરે છે. બુધ સદાય બલી હોય છે.
4) ચેષ્ટાબળ : બધા જ ગ્રહો સૂર્ય ની ફરતે રાઉન્ડ ફરે છે. આ કારણે જે બળ પ્રાપ્ત થાય એને ચેષ્ટા બળ કહે છે. સૂર્ય ની પાસેથી ચક્કર મારતાં સમયે ગ્રહ માર્ગી હોય છે. પરંતુ પૃથ્વી થી અલગ સંયુત્તિ કાળને કારણે ક્યારેક વક્રી લાગે છે. ચેષ્ટા બળ જાણવા ચેષ્ટા કેન્દ્ર જાણવું જરૂરી છે. ચેષ્ટા કેન્દ્ર એ ગ્રહ ની વક્રચાપ છે. ચેષ્ટા કેન્દ્ર ને 3 વડે ભાગતાં ગ્રહનું ચેષ્ટા બળ મળે છે.
5) નૈસર્ગિક બળ : દરેક ગ્રહને તેની પ્રકૃતિ અનુસાર બળ આપવામાં આવ્યું છે. જે ગ્રહો ની શક્તિ કે પ્રકાશ પર નિર્ભર હોય છે. સૂર્ય સૌથી પ્રકાશમાન હોઈ સૌથી બળવાન સૂર્ય હોય છે. અને શનિ સૌથી ઓછો. બળનો ક્રમ નીચે મુજબ છે. સૂર્ય, ચંદ્ર, શુક્ર, ગુરુ, બુધ, મંગળ, શનિ.
6) દ્રષ્ટિ બળ : દરેક ગ્રહ પોતાના થી સાતમા ભાવે પૂર્ણ દ્રષ્ટિ કરે છે. પરંતુ મંગળ, શનિ, ગુરુ ની વિશેષ દ્રષ્ટિ હોય છે. કોઈ પણ ગ્રહ પોતાના થી બીજી, બારમી, અગિયાર મી કે છઠ્ઠી દ્રષ્ટિ થી જોઈ શકતો નથી.
પૂર્ણ દ્રષ્ટિ ઉપરાંત પ્રત્યેક ગ્રહ પોતાના થી ત્રીજે 1/4, ચોથા ભાવે 3/4, પાંચમાં ભાવે 1/2, સાતમા ભાવે 1 એટલે કે પૂર્ણ, આઠમાં ભાવમાં 1/3, નવમા ભાવે 1/2, અને દસમા ભાવે 1/4 દ્રષ્ટિ કરે છે.
ગ્રહની ભાવ પર શુભ અને અશુભ દ્રષ્ટિ, ગ્રહ પર બીજા ગ્રહની શુભ – અશુભ દ્રષ્ટિ આ બધાને જોડી ને જે બળ પ્રાપ્ત થાય તેને દ્રષ્ટિ બળ કહે છે.
ફલિત જ્યોતિષ માં ગ્રહનું બળ જાણવું અત્યંત જરૂરી છે.
જો ગ્રહ ષડબળ માં 10 થી વધુ બળ મેળવે તેને પૂર્ણ બલી કહેવાય છે. આ શુભ ગ્રહની દશામાં ધન વૈભવ, યશ, અને મનોકામના પૂર્ણ થાય છે.
આજ ના કોમ્પ્યુટર યુગમાં આ બળ ને શોધવા માટે ગણત્રી કરવાની જરૂર નથી. આંગળી ના ટેરવે કોઈ પણ એસ્ટ્રોલોજી એપ માં ઉપલબ્ધ છે.
કેતકી મુનશી.

નવમાંશ… Navmansha

નવમાંશ…
સામાન્ય રીતે જન્મ લગ્ન કુંડળી સાથે નવમાંશ કુંડળી નો અભ્યાસ પણ કરાતો હોય છે. નવમાંશ કુંડળી ને બધા જ ડિવિઝનલ ચાર્ટ માં સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
નવમાંશ એટલે શું?
રાશિ ચક્ર માં એક રાશિ 30 અંશની હોય છે. 30 અંશના નવ સરખા ભાગ કરવામાં આવે તો એક ભાગ 3°20′ નો થાય. જેને રાશિનો નવમાંશ કહે છે. એક નક્ષત્ર ચરણ પણ 3°20’નું હોય છે. માટે એમ કહી શકાય કે, નવમાંશ કુંડળી નક્ષત્રની કોડેડ લેંગ્વેજ માં લખી છે. જન્મ લગ્ન કુંડળી ને નવમાંશ કુંડળી સાથે જોવામાં આવે છે તેનું એક મહત્ત્વનું કારણ એ છે કે, ગ્રહ રાશિના કયા નક્ષત્ર પદમાં તથા ચરણમાં છે તે ઈઝીલી સમજી શકાય. આમ નવમાંશ અને નક્ષત્ર એક સિક્કા ની બે બાજુ છે.
રાશિ ચક્ર મા 12 રાશિ હોય. એક રાશિમાં 9 નવમાંશ હોય. માટે 12×9=108 એમ રાશિ ચક્ર માં 108 નવમાંશ હોય છે.
નવમાંશ કુંડળી શા માટે જોવી?
નવમાંશ કુંડળી થી ગ્રહોની એક્ઝેટ પોઝિશન, ગ્રહ કયા નક્ષત્રમાં, કયા નક્ષત્ર પદમાં તથા ક્યા ચરણમાં છે એટલી ડિટેલ, કુંડળી જોતા જ સમજી શકાય. જેના પરથી ગ્રહનું બળ જાણી શકાય. ઉપરાંત જન્મ લગ્ન કુંડળી ના લગ્નનું બળ પણ જાણી શકાય છે.
વિશોંપકબળ મેળવવું હોય છે ત્યારે જુદી જુદી વર્ગ કુંડળી માંથી લગ્ન કુંડળી ને 20માંથી 6 ગુણ અને નવમાંશ ને 5 ગુણ આપવામાં આવે છે. જે નવમાંશ નું મહત્વ સાબિત કરી આપે છે.
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે, સૂર્ય સાથે રહેલો ગ્રહ અસ્તનો થતો જોવા મળે છે. આથી તેનું બળ ઓછું થઈ જાય છે. પરંતુ જો નવમાંશ માં એ ગ્રહ સૂર્યથી બે સ્થાનથી વધુ દૂર હોય તો તે ગ્રહ રીઝલ્ટ આપતો જોવા મળે છે.
સૌમ્ય રાશિ તથા સૌમ્ય નવમાંશ માં બેઠેલો ગ્રહ શુભ પરિણામ આપે છે. જ્યારે ક્રુર રાશિ તથા ક્રુર નવમાંશ માં રહેલો ગ્રહ જીવનમાં સ્ટ્રગલ, તકલીફો તથા પ્રોબ્લેમ આપે છે.
નવમાંશ કુંડળી ને જન્મ લગ્ન કુંડળી નો XRay, જન્મ લગ્ન કુંડળી ની કરોડરજ્જુ પણ કહે છે. નવમાંશ ને જન્મ લગ્ન કુંડળી ની સુક્ષ્મકુંડળી પણ કહે છે.
વર્ગોત્તમ નવમાંશ…
જન્મ લગ્ન કુંડળી માં જે લગ્ન ઉદિત હોય તે જ લગ્ન નવમાંશ માં હોય તો વર્ગોત્તમ લગ્ન કહે છે. આવી કુંડળી ને બળવાન કુંડળી મનાય છે.
દા. ત. જન્મ કુંડળી માં તુલા લગ્ન હોય તથા નવમાંશ માં પણ તુલા લગ્ન હોય તો વર્ગોતમી લગ્ન કહેવાય છે.
જ્યારે કોઈ ગ્રહ જન્મ લગ્ન કુંડળી માં કોઈ એક રાશિમાં રહેલો હોય, અને નવમાંશ માં પણ એજ રાશિમાં હોય તો તેવા ગ્રહને’ વર્ગોત્તમ ગ્રહ’ કહે છે.
દા. ત. જન્મ લગ્ન કુંડળી માં મંગળ સિંહ રાશિમાં હોય તથા નવમાંશ માં પણ સિંહ રાશિમાં હોય તો વર્ગોત્તમ મંગળ ગણાય છે. મંગળ મેષ રાશિમાં 00°-00′ થી 3°20′ માં હોય તો તે વર્ગોત્તમ બને.
–કોઈ પણ ગ્રહ ચર રાશિમાં 00°00’થી 3°20’નો હોય
–કોઈ પણ ગ્રહ સ્થિર રાશિમાં 13°20’થી 16°40’નો હોય
–કોઈ ગ્રહ દ્વિસ્વભાવ રાશિમાં 26°40’થી 30°00’નો હોય, એવા ગ્રહને વર્ગોત્તમ ગ્રહ કહેવાય છે.
ગ્રહ જ્યારે વર્ગોતમ થાય ત્યારે બળવાન થયો ગણાય. કારણ કે જે રાશિમાં હોય તે રાશિના બધાજ ગુણધર્મો, સ્વભાવ એબ્સોર્બ કર્યા હોય માટે જો રાશિ શુભ હોય તો ઉત્તમ શુભ ફળ આપે. વર્ગોત્તમ ગ્રહ એક સમાન ફળ નથી આપતા. જે રાશિમાં હોય તે રાશિના ગુણધર્મો એબ્સોર્બ કરે છે.
ઉદાહરણ તરીકે મંગળ શુક્ર ની વૃષભ રાશિમાં રહેલો છે. વૃષભ રાશિ સ્થિર સ્વભાવની, પૃથ્વી તત્વની રાશિ છે. નૈસર્ગિક કુંડળીમાં બીજા સ્થાને છે. બીજો ભાવ ધન, કુટુંબ, વાણી નો છે. વર્ગોત્તમ થયેલો મંગળ વૃષભ રાશિ ના બધા જ ગુણધર્મો પ્રમાણે રીઝલ્ટ આપી શકે.
વર્ગોત્તમ ગ્રહ જો અગ્નિ તત્વ નો હોય અને અગ્નિ તત્વ ની રાશિમાં વર્ગોત્તમ થાય તો ખૂબ સારૂ ફળ આપે એજ રીતે પૃથ્વી તત્ત્વનો ગ્રહ પૃથ્વી તત્વની રાશિમાં વર્ગોત્તમ થાય તો રાશિના ગુણધર્મો પ્રમાણે ઉત્તમ ફળ આપે. ( દશા અંતરદશા દરમ્યાન ).

ભાવોત્તમગ્રહ…
જ્યારે કોઈ ગ્રહ જન્મ લગ્ન કુંડળી માં જે ભાવમાં હોય તેજ ભાવમાં નવમાંશ માં પણ રહેલો હોય તેને ‘ભાવોત્તમગ્રહ’ કહે છે.
જે ભાવમાં ગ્રહ ભાવોત્તમ થયો હોય તે ભાવના તમામ કારકત્વ આ ગ્રહ એબ્સોર્બ કર્યા હોય છે. અને એ મુજબ ફળ આપે.
પુષ્કર નવમાંશ…
પુષ્કરાંશ એ રાશિ ચક્ર ની બાર રાશિમાં એવાં સ્પેશ્યલ અંશો છે. પુષ્કરાંશ ને પુષ્કરનવમાંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુષ્કર એટલે પુષ્ટ કરનાર પોષણ કરનાર. કોઈ પણ ગ્રહ પુષ્કર નવમાંશ માં હોય એ ગ્રહ એના સ્વભાવ મુજબ પુષ્ય કરે. પુષ્કરનવમાંશ માં રહેલો ગ્રહ ધન, સંપત્તિ, નામ, પ્રસિધ્ધિ, ભૌતિક સુખ, કમ્ફર્ટ આપે છે.
પુષ્કરનવમાંશ ને યાદ રાખવા માટે નીચેનો શ્લોક ઉપયોગી થઈ શકે તેમ છે.
મેષસિંહચાપેષુ સપ્તમનવમૌ ।
વૃષકન્યા મૃગેષુ પંચમતૃતિયૌ।
મિથુનતુલાકુંભેષ્વષ્ઠમષષ્ઠૌ।
એત પુસ્કરસંજ્ઞા નવાંશા ।।
એટલે કે,
અગ્નિતત્વની રાશિ 1,5,9 માં 7 મુ અને 9 મું નવમાંશ
પૃથ્વીતત્વની રાશિ 2,6,10 માં 5 મું અને 3જુ નવમાંશ
વાયુતત્વની રાશિ 3,7,11 માં 6ઠુ અને 8મું નવમાંશ
જળતત્વની રાશિ 4,8,12 માં 1લું અને 3જું નવમાંશ
પુષ્કરનવમાંશ ગણવામાં આવે છે.
ટોટલ 24 પુષ્કરનવમાંશ હોય છે, દરેક રાશિમાં બે નવમાંશ પુષ્કરનવમાંશ હોય છે.
પુષ્કરનવમાંશ તરફ ધ્યાન આપો તો જણાશે કે, બધી જ રાશિ સૌમ્ય અને શુભ રાશિ છે. જેમકે 2,7,3,6,4,9,12 મી રાશિ અનુક્રમે શુક્ર, બુધ, ચંદ્ર અને ગુરુની રાશિ છે. આમ શુભત્વ આપતી જ રાશિઓ પુષ્કરનવમાંશ તરીકે છે. આ બધી જ રાશિ ધન, સંપત્તિ, કમ્ફર્ટ, ભૌતિક સુખ આપનારી રાશિ છે.
પુષ્કરાંશ + વર્ગોત્તમ…
કોઈ ગ્રહ વર્ગોત્તમ હોય સાથે પુષ્કરનવમાંશ માં પણ હોય તો સોને પે સુહાગા જેવું હોય.
આવા વર્ગોત્તમ હોય અને વળી પુષ્કરનવમાંશ પણ હોય તેવા ત્રણ નવમાંશ છે.
1) વૃષભ રાશિનું વર્ગોત્તમ નવમાંશ રોહિણી નક્ષત્ર નું બીજું પદ. જે સ્થિર સ્વભાવ ની વૃષભ રાશિ નું પાચમું નવમાંશ, પુષ્કરનવમાંશ છે.
2) કર્ક રાશિ નું વર્ગોત્તમ નવમાંશ પહેલું નવમાંશ. પુનર્વસુ નક્ષત્રનું ચોથું પદ . જળતત્વની રાશિનું પહેલું નવમાંશ પુષ્કરનવમાંશ.
3) ધન રાશિનું વર્ગોત્તમ નવમાંશ નવમું નવમાંશ. ઉત્તરાષાઢા નક્ષત્રનું પહેલું પદ. અગ્નિતત્વની રાશિનું નવમું નવમાંશ પુષ્કરનવમાંશ.
આ નવમાંશમાં કોઈ ગ્રહ રહેલો હોય તો જીવનમાં જરૂર કઈં એચિવ કરી શકો. આ નવમાંશ માં રહેલો ગ્રહ ઉત્તમ શુભ ફળ આપે છે. કુંડળી માં આ નવમાંશ માં રહેલ ગ્રહને ઓળખી ને આપણે શા કાર્ય કરવા આવ્યા છીએ એ જાણી શકીએ તથા એ ક્ષેત્રમાં મહેનત કરીએ તો જરૂર શુભ રીઝલ્ટ મેળવી શકાય.
નવમાંશ ની અગતયતા અને મહત્ત્વ…
1) નવમાંશ કુંડળી થી વૈવાહિક જીવન નો અભ્યાસ કરાય છે. લગ્ન, જીવનસાથી નો સ્વભાવ, દાંપત્ય જીવન, એટલે કે સાતમા ભાવ રીલેટેડ ઉંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય છે.
2) નવમાંશ કુંડળી પરથી કારકીર્દી નો પણ વિચાર કરાય છે.
જન્મ લગ્ન કુંડળી ના દસમાં ભાવનો અધિપતિ ગ્રહ નવમાંશ માં જ્યાં હોય ત્યાંથી જાતકના પ્રોફેશન નો ક્યાસ કાઢી શકાય છે. દસમા ભાવનો અધિપતિ ગ્રહ, દશમેશ જ્યાં છે તે રાશિ, ભાવ, નક્ષત્ર બીજા ગ્રહની દ્રષ્ટિ, બીજા ગ્રહ સાથેની યુતિ એ તમામ બાબતનો વિચાર કરવો જરૂરી હોય છે.
3) નવમાંશ કુંડળી માં આત્મકારક ગ્રહ ક્યાં છે તેના પરથી કારંકાંશ કુંડળી બનાવી ને ઈષ્ટ દેવ નો વિચાર કરાય છે.
4) જન્મલગ્ન કુંડળી માં નીચત્વ પામેલો ગ્રહ જો નવમાંશ માં ઉચ્ચ રાશિમાં રહેલો હોય તો આ ગ્રહ શુભ ફળ આપવા યોગ્ય બની જાય છે.
5) જન્મ કુંડળી નો લગ્નેશ કે લગ્ન રાશિ નવમાંશ માં 6,8,12 માં ભાવે આવે તો તે શુભ ગણાતી નથી. તે ઉપરાંત 6,8,12 માં ભાવનો અધિપતિ ગ્રહ નવમાંશ માં લગ્ન કે લગ્નેશ સાથે સંબંધિત થાય તો પણ શુભ ગણાતું નથી.
6) જન્મ લગ્ન કુંડળી માં લગ્નેશ બાર સ્થાન પૈકી કોઈ પણ સ્થાને હોય પણ નવમાંશ કુંડળી માં એ લગ્નેશ 6,8,12 માં ભાવે હોય તો જાતક ના મૃત્યુ સમયે તેની પાસે કોઈ ફેમિલી મેમ્બર હોતું નથી.
ઉદા. શ્રીદેવી ની કુંડળી કર્ક લગ્ન ની કુંડળી માં ચંદ્ર વૃષભનો રાશિનો, પરંતુ કુંભ નવમાંશ માં હતો. કર્ક લગ્નની કુંડળી માં કુંભ રાશિ 8 માં સ્થાને હોય. શ્રીદેવી ના મૃત્યુ સમયે એની પાસે કોઈ ફેમિલી મેમ્બર હાજર હતું નહીં.
7) એસ્ટ્રોલોજી માં સૌથી મહત્વનો રોલ ગોચર ભ્રમણ નો છે. નવમાંશ પરથી ગોચર જોતાં ઈવેન્ટ બનવાનો ટાઈમ સૂક્ષ્મ અને પરફેક્ટ કાઢી શકાય છે.
64માં નવમાંશ પરથી મંદ ગતિના ગ્રહ જેવા કે શનિ રાહુ કેતુ નું ભ્રમણ અશુભ પરિણામ આપે છે તેનો પરફેક્ટ સમય કાઢી શકાય છે. 55માં નવમાંશ પરથી લગ્નનો સમય કાઢી શકાય છે વગેરે.
કેતકી મુનશી.

મકર લગ્ન :Capricorn Asc. 

મકર લગ્ન :

લગ્ન કુંડળી માં પહેલાં ખાનામાં 10નો અંક લખાયેલો હોય તો, જન્મ સમયે રાશિમંડળની દસમી રાશિ મકર રાશિ પૂર્વમાં ઉદિત હશે તેમ કહેવાય.
મકર રાશિના જાતકોનો દેખાવ, સ્વભાવ અને ગુણધર્મો :-
નૈસર્ગિક કુંડળીમાં મકર રાશિ દસમાં સ્થાનમાં સ્થિત હોય છે.
૧૦મો ભાવ – કર્મ ભાવ, કઈંક કાર્ય કરવાનો ભાવ, સફળતા, સત્તા, લીડરશીપ, રાજા, જવાબદારી ઉઠાવવાનો, એચિવ કરવાનો, ઓથોરિટી વગેરે બાબતોની વિચારણા આ સ્થાન થી કરી શકાય છે.
મકર રાશિ ચર સ્વભાવની રાશિ છે. ચર રાશિ એ ‘ ક્રિયા’, કાર્ય કરવું એમ દર્શાવે છે. આ જાતકો નું વલણ કઈંક મેળવવા માટે કંઈક કાર્ય કરો તેવું હોય છે. આ જાતકો સતત આખી જીંદગી કાર્ય કરતા રહે છે. વર્કોહોલિક ટાઈપ ના હોય છે.
પૃથ્વી તત્વની રાશિ છે. પૃથ્વીના સામાન્ય ગુણધર્મો પૃથ્વી તત્વ માં જોવા મળે છે. માટે આ રાશિમાં પણ પૃથ્વી ને મળતા ગુણો હોવાના જ.
સહનશીલતા : જેમ પૃથ્વી પોતાની સાથે બનતી વાવાઝોડા, સુનામી, પુર, આંધી જેવી ઘટનાઓને સહન કરી લે છે તેમ, આ જાતકો માન – અપમાન, સફળતા – નિષ્ફળતા, વિશ્વાસઘાત, છેતરપિંડી જેવી દુન્યવી બાબતોને પચાવી જવાની, સહન કરવાની ક્ષમતા ધરાવે છે.
પૃથ્વી તેના પેટાળમાં બધુ સંગ્રહી રાખે છે, તેમ આ જાતકો માં સંગ્રહ વૃત્તિ સારી હોય છે. આ જાતકો માં ભૌતિકતા વધુ પ્રમાણમાં જોવા મળે છે.
મકર રાશિ બેકી રાશિ છે. સ્ત્રી સ્વભાવની રાશિ છે. આ જાતકો બહુ સાહસી જોવા મળતા નથી. મમત્વ તેમનો સ્વભાવ છે. મારા – તારાની ભાવના વધુ છે માટે સ્વાર્થ ની માત્રા પણ વધુ હોય છે. વધુ પડતા ચીવટવાળા હોય છે. સદાય ડાઉન ટુ અર્થ જોવા મળે છે.
મકર રાશિનો અધિપતિ ગ્રહ શનિ છે.
શનિ ગ્રહ ચોકસાઈ, સતર્કતા, સહનશક્તિ, એકાગ્રતા, દૂરંદેશીપણુ, સાવચેતી, એકાગ્રતા, એકાંતપ્રિયતાનો ગ્રહ છે. શનિ નોકર – દાસી નો કારક છે.
શનિ વાયુ તત્વનો છે.
લગ્નેશ શનિ તુલા રાશિમાં ઉચ્ચત્વ પામે છે. તુલા રાશિ મકર લગ્નમાં દસમાં ભાવમાં સ્થિત છે.
લગ્નેશ શનિ મેષ રાશિમાં નીચત્વ મેળવે છે. મેષ રાશિ આ લગ્નમાં પાંચમા સ્થાને રહેલી છે.
લગ્નેશ શનિ દસમા ભાવે તુલા રાશિમાં ઉચ્ચત્વ પામતો હોવાથી, આ જાતક રાજાનો નોકર બને છે. આ જાતકમાં જન્મજાત લીડરશીપ ના ગુણ હોય છે.
લગ્નેશ શનિ હોવાથી દેખાવમાં નબળો લાગે છે. પરંતુ શનિ વાયુ તત્વનો તથા રાશિ પૃથ્વી તત્વની હોવાથી આ જાતકો મસ્ક્યુલર બોડી ધરાવતા હોય છે.
લગ્નેશ વાયુ તત્વનો અને અગ્નિ તત્વનો મંગળ આ રાશિમાં ઉચ્ચનો થતો હોવાથી આ જાતકો પાણીની તરસ વધુ લાગતી હોય છે. સાથેસાથે ચર સ્વભાવની રાશિ હોવાથી આ જાતકો જંગલ અને પહાડ પર ભ્રમણ કરે છે.
શનિની બીજી રાશિ કુંભ આ લગ્નમાં બીજા સ્થાને રહેલી છે. બીજો ભાવ – કુટુંબ ભાવ, ધન ભાવ.
મકર લગ્નનાં જાતકો કુટુંબ ને ઊચું લાવવા માટે તમામ પ્રયત્નો કરે છે.  આ જાતકો ને કુટુંબ પ્રેમી કહી શકાય. આ ઉપરાંત આ જાતકો પૈસાની બચત પણ સારી કરે છે. આ જાતકો પ્રથમ પોતાનું જોવે છે ત્યારબાદ કુટુંબ નું જોવે છે તે પછી બાકીનાનો નંબર આવે છે. શનિ લગ્નેશ હોવાથી સ્વકેન્દ્રી હોય છે. આ જાતકોનું ફેમિલી ખૂબજ બુધ્ધશાળી ગણાય તેવું હોય છે. સાયન્ટિફિક નેચર ધરાવતા પિતા કે ફેમિલી હોય છે.
બીજુ સ્થાન વાણીનું. શનિ તેનો અધિપતિ હોઈ જાતક વિચારી વિચારીને બોલે. તેમનું બોલવાનું લોકોનું દિલ જીતી લે તેવું હોય છે. એલીગન્ટ સ્પીચ હોય. તેઓ સાચુ, સારુ અને તેમના બોલવામાં યુનિકનેસ હોય છે.
બીજા ભાવનો અધિપતિ શનિ, ૧૦મે ઉચ્ચ નો એટલે કે અર્થ ત્રિકોણમાં ઉચ્ચ નો થાય છે. દસમાનો અધિપતિ શુક્ર છે. જે સંપત્તિ નો લક્ષ્મીમાતા નો ગ્રહ છે. આથી જાતકો પૈસાપાત્ર હોય છે.

લગ્નેશ શનિ દસમા ભાવે રહેલી તુલા રાશિમાં ઉચ્ચનો થાય છે. નૈસર્ગિક કુંડળીમાં આ ભાવ કર્મ ભાવ છે તથા શનિ આ ભાવનો કારક છે. આ ઉપરાંત બુધ, ગુરુ તથા સૂર્ય પણ આ ભાવના કારક છે.
આ ઉપરાંત શનિ, નૈસર્ગિક કુંડળીમાં 6,8, 12માં ભાવનો પણ કારક છે. જે દર્શાવે છે કે, આ જાતકોના જીવનમાં સફળતા ખૂબ મુશ્કેલી અને અડચણો પછી પ્રાપ્ત થાય છે.
મકર લગ્ન ચર સ્વભાવનુ પણ છે. જે દર્શાવે છે કે, જીવનમાં સફળતા માટે મહેનત કરવી જરૂરી છે.
મકર રાશિ સ્ત્રી રાશિ છે. જે દર્શાવે છે કે જાતકને પોતામા રહેલી શક્તિ નો સાતત્યતાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તથા પોતાની ટીમના સહયોગથી કાર્ય કરવુ જોઈએ તો સફળતા મેળવાય.
આ જાતકે બેલેન્સ રાખતા શીખવું જરૂરી છે. વધુ પડતું કામ કરવાનું વલણ તેમની હેલ્થ ને અસર કરી શકે છે.  આવા સમયે આ જાતકો એ પાર્ટનર કે પતિ/પત્ની ની કાર્ય ભાર હળવો કરવા હેલ્પ લેવી જોઈએ કે કામ શેર કરવું જોઈએ.
શનિ ચોથા સ્થાનમાં મેષ રાશિમાં નીચત્વ પામે છે. આ મંગળની રાશિ છે. જે શનિ માટે કંમ્ફર્ટેબલ સ્થાન નથી. આ જાતકો કે એમના પિતા પોતાના ઘરમાં હથિયાર કે ઓજારો રાખતા હોય છે. આ જાતકો ઘરમાં કમ્ફર્ટેબલ મહેસુસ નથી કરતા હોતા.

શનિ  ના નૈસર્ગિક મિત્રોમાં અસુર ગ્રહો જેમકે શુક્ર અને બુધ આવે છે.
શનિની રાશિના લગ્ન ધરાવતા બંને લગ્નમાં શુક્ર યોગકારક બને છે. માટે શુક્ર શુભ ફળ આપે છે.
શુક્ર ત્રીજા સ્થાને રહેલી મીન રાશિમાં ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે, જ્યારે નવમા સ્થાને રહેલી કન્યા રાશિમાં નીચત્વ પામે છે.
બુધ નવમા ભાવે રહેલી સ્વરાશિ કન્યા રાશિમાં ઉચ્ચત્વ પામે છે. ત્રીજા ભાવે રહેલી મીન રાશિમાં નીચત્વ મેળવે છે.
બુધની બીજી રાશિ છઠ્ઠા સ્થાને હોઈ બુધ મિક્સ ફળ આપે છે. બુધ અનુકુળ ગ્રહ સાથે સંબંધિત થયો હોય તો અનુકુળ ફળ આપે છે.

શુક્ર :
શુક્ર ની એક રાશિ પાંચમા ત્રિકોણ સ્થાનમાં રહેલી છે, જ્યારે બીજી દસમા ભાવે સ્થિત છે. શુક્ર કેન્દ્ર તથા ત્રિકોણ બંને નું આધિપત્ય ધરાવતો હોવાથી યોગકારક બને છે ( લઘુપારાશરી મુજબ). આ બંને ભાવ ખૂબજ મહત્વના સ્થાન છે. પાચમો ભાવ જાતકની માનસિકતા, દસમો ભાવ કર્મ ભાવ, એક્શન હાઉસ. આમ શુક્ર આ લગ્ન ના જાતકને ખૂબ સારુ ફળ આપે છે.
શુક્ર ત્રીજા સ્થાને ઉચ્ચત્વ પામે છે. ત્રીજુ સ્થાન કામ કરવાનો જુસ્સો, સાહસ, પરાક્રમ હોબી નો છે. ત્રીજો ભાવ કાર્ય પ્રત્યે ની ઈચ્છા નો, ઉત્કટતા દર્શાવે છે, મનની ઈચ્છાનો ભાવ છે. શુક્ર અહીં ઉચ્ચત્વ પામે છે. 
પાંચમા ભાવનો અધિપતિ ત્રીજા ભાવે ઉચ્ચનો થતો હોવાથી આ જાતકો કોઈ પણ કામ જુસ્સાભેર કાર્ય કરીને આગળ વધવાની માનસિકતા રાખતા હોય છે. આ જાતકો ભોગવિલાસી હોય છે, જાતીય સુખ તરફ વધુ ઉત્સુક હોય.
ત્રીજો ભાવ ભાઈ – ભાંડુ નો છે. અહીં મીન રાશિ રહેલી છે.  આ જાતકો પોતાના ભાઈ – ભાંડુ સાથે સ્પીરીચ્યુઅલ વલણ રાખે છે. એટલે કે જો તેઓ સંબંધ રાખે તો સરસ રીતે નિભાવે છે; અને ના રાખે તો પ્રોબ્લેમ નહીં તેવું વલણ હોય છે.
શુક્ર નવમા ભાવમાં નીચત્વ પામતો હોવાથી નવમા ભાવના કારકત્વ માટે તેઓ બહુ ઉત્સુક હોતા નથી.
9 મો ભાવ – ધર્મ, ગુરુ, પિતા વગેરે. એમ કહી શકાય કે જાતકો ધાર્મિક હોતા નથી. વળી સાવ નાસ્તિક પણ હોતા નથી. કારણકે લગ્નેશ શનિ તથા પંચમેશ શુક્ર, નવમેશ બુધના મિત્ર થાય છે.
બુધ :-
બુધ , લગ્નેશ શનિનો મિત્ર છે. મકર લગ્નની કુંડળીમાં બુધની એક રાશિ મિથુન તથા બીજી રાશિ કન્યા નવમા ભાવમાં સ્થિત છે. બુધ કન્યા રાશિમાં ઉચ્ચત્વ મેળવે છે. જ્યારે ત્રીજા સ્થાને રહેલ મીન રાશિમાં નીચત્વ પામે છે. જે દર્શાવે છે કે, જાતકની સફળતા માં પિતા તથા ગુરુ મહત્વ નો ભાગ ભજવે છે. પરંતુ જાતકને તેઓ પ્રત્યે ખાસ સન્માન હોતુ નથી. જાતકનુ જાતીયતા પ્રત્યે નું વધુ પડતું વલણ એમના જીવનમાં ડાઉનફોલ માટે કારણભૂત બને છે.
ત્રીજા ભાવમાં મીન રાશિ છે. જેનો અધિપતિ ગુરુ છે, અહીં શુક્ર ઉચ્ચ નો થાય છે. આમ દેવ ગુરુ તથા દૈત્ય ગુરુ શુક્ર બંને એક જગ્યાએ સ્થાન ધરાવતા હોવાથી ત્રીજો પરાક્રમ, સાહસનો ભાવ નબળો પડે છે. જાતક શરમાળ પ્રકૃતિ નું હોય છે.
નવમા ભાવનો અધિપતિ બુધ નવમા ભાવે ઉચ્ચનો થાય છે. બુધ જ્ઞાનનો કારક છે. નવમો ભાવ ધર્મ નો કારક છે. આ જાતકો શાસ્ત્ર, વેદ, ફાઈનઆર્ટસ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગેરેની જાણકારી ધરાવતા હોય છે.
સૂર્ય :-
લગ્નેશ શનિ અને સૂર્ય નૈસર્ગિક શત્રુતા ધરાવે છે.
સૂર્યની રાશિ સિંહ મકર લગ્નમાં ૮માં સ્થાને આવે છે.
આઠમો ભાવ આયુષ્ય નો, મૃત્યુ નો.
મકર લગ્નની કુંડળીમાં સૂર્ય ચોથા ભાવે રહેલી મેષ રાશિમાં ઉચ્ચત્વ મેળવે છે. જ્યારે દસમે રહેલી તુલા રાશિમાં નીચત્વ પામે છે. જે દર્શાવે છે કે,  વધુ પડતું કામ કરવાને કારણે જાતકની હેલ્થ પર અસર થાય છે. (10 ભાવ વધુ કામકાજ) ( 8મો હેલ્થ). પરંતુ જો જાતક રીલેક્સ રહે, ઘરમાં શાંતિથી થોડો સમય ગાળે તો તબિયત સારી રહે.
ગુરુ ત્રીજા તથા 12માં ભાવનો અધિપતિ છે. ગુરુ મકર લગ્નના જાતક માટે અશુભ બને છે. ગુરુ સાતમે કર્ક રાશિમાં ઉચ્ચનો થાય છે. જ્યારે લગ્નમાં નીચત્વ પામે છે.
7મો ભાવ પાર્ટ્નરશીપ, દાંપત્યનો, વ્યાપાર નો, જ્યાં ગુરુ ઉચ્ચનો થાય છે.
ગુરુ મકર રાશિમાં નીચત્વ મેળવતો હોઈ અહીં લગ્નમાં નીચનો થાય છે. આથી કહી શકાય કે જાતકોની નિર્ણય શક્તિ તથા સ્ટ્રોંગ હેલ્થ હોતી નથી.
ત્રીજા ભાવના અધિપતિ તરીકે લગ્ને નીચત્વ પામતો હોવાથી દર્શાવે છે કે, વધુ કામ કરવાથી તબિયતને અસર થાય.
૧૨માં ના અધિપતિ તરીકે લગ્ન સ્થાને નીચનો થતા જાતક પરદેશમાં વ્યાપારમાં સફળતા મેળવી શકે છે.
ચંદ્ર :-
મકર લગ્નની કુંડળીમાં સાતમા ભાવે કર્ક રાશિ આવેલી છે. જેનો અધિપતિ ચંદ્ર પાચમા ભાવે વૃષભ રાશિમાં ઉચ્ચત્વ પામે છે. તથા 11માં ભાવમાં રહેલ વૃશ્ચિક રાશિમાં નીચત્વ પામે છે. જે દર્શાવે છે કે સાતમા ભાવ રીલેટેડ એક્ટિવીટી વધુ કરે તો આવકમાં ઘટાડો થાય છે. 7મો ભાવ દાંપત્ય જીવન, પાર્ટ્નરશીપ.
ચંદ્ર શનિ સાથે નૈસર્ગિક શત્રુતા ધરાવે છે. વળી 11માં આવક ભાવમાં નીચનો થતો હોવાથી આ જાતકો પત્ની તરફથી ધન મેળવવા અથવા પત્ની પાછળ ધનનો વ્યય થતો હોય છે.
મંગળ :- મંગળ લગ્નમાં ઉચ્ચનો થાય છે. 4થા ભાવના અધિપતિ તરીકે લગ્નમાં ઉચ્ચત્વ પામે તે દર્શાવે છે કે જાતક સુખી હોય છે. 4થો ભાવ – સુખ સ્થાન.
મકર રાશિનુ ચિન્હ મગર છે. મગરની દાઢમાં જે ફસાયો તે પછી તેને છોડતો નથી. આ જાતકોની આંખમાં લુચ્ચાઈ હોય છે. પોતાનો સ્વાર્થ કેવી રીતે સાધવો તે, લાભ કેવી રીતે મળે તે વિચારે છે. મગર ની ધૃતતા જોવા મળે છે મગર શાંતિથી સુતેલો જોવા મળે પણ શિકાર તરફ તરત લપકતો હોય છે. ‘ મારું શું?’ તેવી ભાવના ધરાવનાર હોય છે. 

ધન લગ્ન : Sagittarius Asc

ધન લગ્ન :
કુંડળીના પહેલાં ખાનામાં ૯ નો અંક લખ્યો હોય તો જન્મ સમયે રાશિમંડળની ૯મી રાશિ એટલે કે ધન રાશિ પૂર્વ દિશામાં ઉદિત થઈ હોય તેમ કહેવાય.

નૈસર્ગિક કુંડળીમાં ધન રાશિ ૯માં ભાવમાં સ્થિત હોય છે.

નવમો ભાવથી :ભાગ્ય, આસ્થા, શ્રધ્ધા, કર્મકાંડ, ન્યાય, કાયદો, ગુરુ- વડીલો પ્રત્યે માન વગેરે જેવી બાબતોના વિચાર કરી શકાય.

ધન લગ્નનાં જાતકો ના દેખાવ, સ્વભાવ તથા ગુણધર્મો :

દેખાવ : 

કપાળ વિશાળ, વાળ આછા, દાંત મોટા હોય છે. 

શરીર પર ચમક, ચહેરા પર બુધ્ધિ પ્રતિભાની છાંટ, સાહસિક અને ભાષા પર પ્રભુત્વ હોય છે. 

સંઘર્ષ તેમનું જીવન હોય છે. સફળતા મેળવવા, પદ – પ્રતિષ્ઠા મેળવવા અત્યંત સંઘર્ષ કરવો પડે ત્યારે જુજ વ્યક્તિ ને સફળતા મળે. 

ધન રાશિ દ્વિસ્વભાવ રાશિ છે. એક સાથે ઘણાં કામ હાથ પર લે. તેમ છતાં દરેક કાર્યમાં બેલેન્સ સાચવી શકે છે. બહુ ઉતાવળે કે બહુ ધીમી ગતિ પણ નહીં તેમ સાતત્યપૂર્વક કાર્ય કરનાર વ્યક્તિ હોય છે.

 ધન રાશિ અગ્નિતત્વની રાશિ છે. અગ્નિતત્વની રાશિમાં ત્રણ રાશિ આવે. મેષ રાશિ, જેનો અધિપતિ ગ્રહ મંગળ છે.

સિંહ રાશિ, જેનો અધિપતિ ગ્રહ સૂર્ય છે. ધન રાશિ, જેનો અધિપતિ ગ્રહ ગુરુ છે. અહીં અગ્નિતત્વની બે રાશિ ના અધિપતિ ગ્રહ ક્રુર ગ્રહ છે, જ્યારે ધન રાશિ નો અધિપતિ ગ્રહ શુભ ગ્રહ છે. 

અધિપતિ ગુરુ શુભ ગ્રહ હોવાને કારણે ધન રાશિ અગ્નિતત્વની હોવા છતાં, ગુ+રુ =અંધકારને દુર કરી પ્રકાશ આપવો. આવો સ્વભાવ હોવાથી આ લગ્નનાં જાતકો નો સ્વભાવ નેગેટીવ બાજુને હળવેકથી બાજુ પર ખસેડી પોતાનામાં રહેલી સકારાત્મકતાને ઉજાગર કરે તેવો હોય છે. બેસ્ટ ટીચર હોય. ઈવોલ્યુશન સારું કરે. 

ગુરુ આકાશ તત્વ સાથે સંબંધ ધરાવે છે. આ જાતકોનું હ્રદય આકાશ જેવી વિશાળતા ધરાવે છે. બધા માટે વિચારે, બધાનું શુભત્વ વિચારે. જે માફી માંગે તેને માફ કરી દે. 

પુરુષ સ્વભાવ ની રાશિ છે. આ જાતકો બીજાને મદદરૂપ થાય છે. જરૂરિયાતમંદ લોકોને હુંફ અને અજવાસનું પ્રદાન કરે છે. બનતી મદદ કરે છે. સાચી અને સારી સલાહ આપે છે. એમની છત્રછાયામાં લાગણી, સંતોષ અને શાંતિ મળે છે. 

ગુરુ =ગાઈડ, સાચો માર્ગ બતાવનાર. 

અગ્નિતત્વની રાશિ હોવાથી જાતક ક્રોધી હોય છે. 

દ્વિસ્વભાવ હોવાને કારણે ગુસ્સો આવ્યા પછી નિરાકરણ ના આવે ત્યાં સુધી સંગ્રહી રાખે છે. 

ગુરુ બ્રાહ્મણ વર્ણ નો ગ્રહ છે. ધન લગ્નમાં અગ્નિ અને બ્રાહ્મણત્વનું સંયોજન રહેલું હોઈ અગ્નિતત્વનું ઝનૂન સાથે બ્રાહ્મણત્વ હોવાથી શાંત દેખાતા આ જાતકો જ્યારે ક્રોધ આવે ત્યારે દૂર્વાસા કે વિશ્વામિત્ર જેવા થઈ જાય છે. 

અધિપતિ ગુરુ હોવાથી ભાષા પર પ્રભુત્વ હોય છે. કોઈપણ વિદ્યાનો પોતે જાણકાર છે તેવું સુક્ષ્મ અભિમાન એમના બોલ-ચાલમાં કે વર્તનમાં દેખાઈ આવે છે. 

ધન રાશિમાં ત્રણ ગુણોનું સંયોજન જોવા મળે છે. 

અગ્નિતત્વ = તમોગુણ, 

ગુરુ = સત્વગુણ, 

પૂર્વષાઢાનક્ષત્ર જે શુક્ર નું નક્ષત્ર છે, શુક્ર = રજોગુણનું સંયોજન જોવા મળે છે. 

અગ્નિતત્વની રાશિ છે, તમોગુણ છે ; આ જાતકને ભૌતિક એષણાઓ હોય છે = ભોગ. 

ગુરુ અધિપતિ =બ્રાહ્મણત્વ = યોગ. 

દ્વિસ્વભાવ ની રાશિ હોવાથી આ જાતકો યોગ અને ભોગ વચ્ચે ઝોલા ખાતા જોવા મળે છે. ભોગ તરફનું વલણ હોવા છતાં આ જાતકો યોગ માર્ગે સફળ થાય છે. 

ધન લગ્નની કુંડળીમાં આઠમે કર્ક રાશિ આવે છે, લગ્નેશ ગુરુ ૮માં ભાવે ઉચ્ચનો થાય છે. અહીં ઉચ્ચત્વ પામતો ગુરુ જ્યોતિષ, રીસર્ચ ક્ષેત્રે કે હીડન ટેલેન્ટ કે ગુરુના કારકત્વ માં આવે તેવું જ્ઞાન આપે છે. 

લગ્નેશ ગુરુ બીજા ભાવે મકર રાશિમાં નીચત્વ મેળવે છે. આ જાતકો સંપત્તિ કરતાં પોતાના કુટુંબને વધુ મહત્વ આપે છે. કુટુંબ ની કેર કરે છે. ધન લગ્નમાં એક ખાસિયત જોવા મળે છે કે, તેમને માટે કુટુંબ એટલે ફક્ત ફેમિલી મેમ્બર થી બનેલું હોય તે નહીં, પરંતુ ધન લગ્નનાં જાતકો માટે કુટુંબ ની વ્યાખ્યા થોડી વધુ વિસ્તૃત હોય છે. આ જાતકો તેમના સંપર્કમાં આવતા તમામ ને કુટુંબીજન જેટલું મહત્ત્વ આપે છે. ટુંકમાં ‘ વસુધૈવ કુટુમ્બકમ્’ ની ભાવના ધરાવે છે. 

ગુરુના ત્રણ નૈસર્ગિક મિત્રો છે. – સૂર્ય, ચંદ્ર, મંગળ. 

સૂર્ય : ધન લગ્નની કુંડળી માં સૂર્ય ની સિંહ રાશિ ૯માં ભાવે રહેલી છે. સૂર્ય, મેષમાં ઉચ્ચત્વ પામે છે. આ મેષ રાશિ ધન લગ્નમાં પાંચમાં ભાવે હોય છે, આમ પાંચમે સૂર્ય ઉચ્ચ નો થાય છે. સૂર્ય જ્ઞાન નો કારક છે. આ જાતક ધર્મ થી જીવવામાં માને છે. ખોટું કરવું નહીં, લુચ્ચાઈ કે લબાડી કરવી નહીં તેવી માનસિકતા ધરાવે છે. આ જાતકને ધર્મ થી જ જીતી શકાય છે. 

સૂર્ય ૧૧માં ભાવે તુલા રાશિમાં નીચત્વ પામે છે.

 11 મો ભાવ, આવકનો ભાવ. આથી સમજી શકાય કે, ધર્મ કાર્ય અને ધર્મથી ચાલનાર વ્યક્તિ ની આવક મર્યાદિત હોય છે. જેથી પૈસાપાત્ર થવાતું નથી. ધર્મ થી ચાલવાની માનસિકતા હોવા છતાં પણ આ જાતકો  પૈસા માટે ધર્મ અને જ્ઞાનને  બાજુ પર મૂકવા તૈયાર હોય છે. 

જો કુંડળીમાં સૂર્ય – ગુરુનાં સંબંધ થતાં હોય તો જાતક ચેરિટી કરનાર હોય, મંદિર બંધાવે કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખોલે કે, પબ્લિક ના કાર્યો કરે. 

ચંદ્ર : 

ધન લગ્નની કુંડળીમાં ચંદ્ર ની રાશિ કર્ક આઠમાં ભાવે રહેલી છે. 

ચંદ્ર, વૃષભ રાશિમાં ઉચ્ચ નો થાય છે. આ લગ્ન માં વૃષભ રાશિ છઠા ભાવે છે.

 છઠ્ઠો ભાવ : શત્રુનો, તકલીફો, અડચણો નો ભાવ છે. 

આ જાતકો તકલીફો થી જરા પણ ગભરાતા નથી. હારથી નિરાશ થતાં નથી, ફરી સંઘર્ષ કરવા કટિબદ્ધ થાય છે. 

મંગળ : 

ધન લગ્નની કુંડળીમાં મંગળની એક રાશિ પાંચમા ભાવમાં, બીજી રાશિ 12 માં ભાવમાં રહેલી છે. મંગળ મકર રાશિમાં ઉચ્ચત્વ પામે છે. મકર રાશિ બીજા ભાવે રહેલી છે. પાંચમા સ્થાનનો અધિપતિ બીજા ભાવે હોવાથી આ જાતકો કુટુંબ પ્રેમી હોય છે  ગ્રહ મંગળ ભાઈનો કારક હોઈ વિશેષત: આ જાતકો ભાતૃ પ્રેમી હોય છે. 

મંગળની બીજી રાશિ 12માં ભાવે રહેલી છે. 12માં ભાવનો અધિપતિ મંગળ બીજે ભાવે ઉચ્ચત્વ પામતો હોવાથી ધનની આવક તેમને પરદેશના કનેક્શન થી થાય તેમ કહી શકાય. જાતકની આવક મેળવવા પ્રત્યેની માનસિકતા મંગળના ક્ષેત્રમાં આવતા કાર્ય થકીની હોય છે. મંગળની ક્ષેત્રમાં આવતા કાર્યો જેવા કે, એન્જીનીયરીંગ, ટેકનોલોજી, સાયન્સ. મંગળ – જમીન – ઘર = બિલ્ડીંગ = રીઅલ એસ્ટેટ. વગેરે જેવા કાર્યો. 

ધન લગ્નની કુંડળી માં મંગળ 8માં ભાવે કર્ક રાશિમાં નીચત્વ પામે છે. 8 મો ભાવ આયુષ્ય નો ભાવ. અહીં મંગળ નીચત્વ પામતો હોવાથી આયુષ્ય માં કમી કરે છે. જો ૮માં ભાવમાં મંગળ હોય તો, જીવનને ખતરો રહે તેમ કહી શકાય. 

પાંચમા ભાવના અધિપતિ તરીકે 8મે નીચનો થતો હોઈ કહી શકાય કે, બાળક ના જન્મ સમય જીવનમાં ચેલેન્જ નો સમય આવે. અથવા તે સમયે માતૃભૂમિ થી દૂર જવાનું થાય. અથવા કોઈ કારણસર કોઈ સાથે વધુ પડતા ગુસ્સામાં મારામારી, ઝઘડા, શસ્ત્રઘાતને કારણે હેલ્થ ઈસ્યુ થાય. 

શનિ, શુક્ર, બુધ જેવા અસુર ગ્રહો ની વિચારણા :

શનિની રાશિ મકરમાં ગુરુ નીચત્વ પામે છે, પણ ગુરુ અને શનિ નૈસર્ગિક રીતે સમ સંબંધ ધરાવે છે. 

ગુરુની મીન રાશિમાં શુક્ર ઉચ્ચ નો થાય છે. પરંતુ ગુરુ, શુક્ર ને શત્રુ માને છે. 

બુધ, ગુરુને સમ ગણે છે ; પરંતુ ગુરુ બુધને શત્રુ ગણે છે. 

બુધ અને શુક્ર બંને ગુરુને સમ માને છે, જ્યારે ગુરુ તેમને શત્રુ ગણે છે. 

શનિ : 

ધન લગ્નની કુંડળીમાં બીજા અને ત્રીજા ભાવમાં શનિની રાશિ આવે છે. શનિ ૧૧માં ભાવમાં રહેલી તુલા રાશિમાં ઉચ્ચ નો થાય છે. પાંચમા ભાવે રહેલી મેષ રાશિમાં નીચત્વ પામે છે. આથી જાતકને આવક તેનામાં રહેલા જ્ઞાન અને સંપત્તિ ના સારા ઈન્વેસ્ટમેન્ટ થી થાય છે. 3જા ભાવમાં રહેલી કુંભ રાશિનો અધિપતિ શનિ 11 માં ભાવે ઉચ્ચ નો થાય છે. ત્રીજો ભાવ ક્રીએટીવીટી, હોબી, હાથ. હોબી, જેવી કે લેખન, પેઇન્ટિંગ, શિલ્પકામ, મ્યુઝિક. આવા કાર્યો થી કે કોમ્યુનિકેશન કે સેલ્સ ના કાર્ય થી આવક મેળવી શકે છે. 

કુંભ રાશિ ત્રીજે છે જેનો અધિપતિ શનિ છે. બીજો અધિપતિ રાહુ છે, જેથી આ જાતકો કદી પણ કોઈના થી ડરતા નથી. આ જાતકો પોતાના સૌથી મોટા વિરોધીને પણ પોતાના ઘેર જમવા આમંત્રણ આપી ને પછી પણ એનો વિરોધ કરી એની સાથે સંઘર્ષ માં ઉતરી શકે છે. આ જાતક જરા પણ ડરતા નથી. એમની બહાદુરી ને દુશ્મન પણ સલામી મારે છે. 

કુંભનો બીજો અધિપતિ રાહુ છે જે, સાતમાં સ્થાને પોઝીટીવ થાય. સાતમું સ્થાન વિરોધીઓનું આથી આ જાતકો વિરોધી સાથે ઝઘડો કરવા ઉત્સુક હોય. આ ઉપરાંત ધન રાશિ નું ચિન્હ અર્ધ મનુષ્ય અને અર્ધ ઘોડો, મનુષ્યના હાથમાં ઉપરની તરફ ચડાવેલું તીર છે. જે યુધ્ધનું સુચન કરે છે. પરંતુ આ જાતકો સામેથી કોઈની સાથે ઘર્ષણમાં નથી ઉતરતા કે, દુશ્મની નથી રાખતા. ઉપર ની તરફ પણછ પર ચડાવેલું તીર દર્શાવે છે કે તેઓનું નિશાન હંમેશાં ઊચું હોય છે. તેમાં વચ્ચે આવનાર સાથે ઘર્ષણમાં ઉતરતા અચકાતા નથી. 

આ જ શનિ પાંચમા ભાવમાં નીચનો થતો હોવાથી પાંચમા ભાવના કારકત્વ માટે ખાસ ઉત્સાહિત હોતા નથી. કોઈ એડવેન્ચરસ કાર્ય માટે ઉત્સાહી હોતા નથી. આ જાતકો અન્યાય સામે ફાઈટ આપવાનું ચુકતા નથી. તેને એ ધર્મ માને છે. ગુરુ અધિપતિ હોવાથી ક્રોધમાં પણ વાણી સંયમિત હોય છે. 

ધન લગ્નની કુંડળીમાં બીજો ભાવ કુટુંબ નો. બીજા ભાવમાં મકર રાશિ જે શનિની રાશિ છે. નૈસર્ગિક કુંડળીમાં ૧૦માં ભાવમાં મકર રાશિ આવે. 10 મો ભાવ એ હેડ, મુખિયા, ચીફ, સત્તા સ્થાને રહેનાર. આ લગ્નમાં તે બીજે આવે માટે આ જાતકો કુટુંબમાં મુખિયાની જેમ વર્તે. 

શુક્ર :

ધન લગ્નની કુંડળીમાં છઠા ભાવે શુક્ર ની રાશિ વૃષભ, તથા 11 માં ભાવે શુક્ર ની બીજી રાશિ તુલા રહેલી હોય છે. 

છઠ્ઠો ભાવ : ઓબ્સ્ટ્રકશન, શત્રુ, રોગ. 

શુક્ર : સ્ત્રી 

શુક્ર ધન લગ્નની કુંડળીમાં 4થા , સુખસ્થાને  ઉચ્ચનો થાય છે.  છઠ્ઠા ના અધિપતિ તરીકે સ્થાવર મિલકત, સંપત્તિ, વાહન વગેરે ખૂબ મુશ્કેલી ને અંતે પ્રાપ્ત થાય છે. 

4થા સ્થાને મીન રાશિ છે જે પણ ગુરુનું જ ઘર છે. આથી ગુરુ – શુક્ર પરસ્પર શત્રુ હોવા છતાં આ જાતકો પોતાના ઘરમાં દુશ્મનને સલામતી આપે છે, ખેલદિલી રાખે છે. વળી લગ્નેશ 8મે ઉચ્ચ નો થાય તકલીફો, અડચણો આકસ્મિક આવે છે. આ આકસ્મિકતાને તરફ ખૂબજ પોઝીટીવ હોય છે ( ગુરુ લગ્નેશ માટે) પ્લાનીંગ કરવામાં ટાઈમ ગુમાવ્યા વગર કાર્ય કરે. આકસ્મિકતાની અડચણો ને ચેલેન્જ તરીકે સ્વીકારી થ્રીલ અનુભવે છે. ધન રાશિ કેતુનું સ્વક્ષેત્ર ગણાય છે. ગુરુ અને શુક્ર વચ્ચે નુ યુધ્ધ એટલે દેવ-દાનવ યુધ્ધ. જેમાં દેવનો હંમેશા વિજય થાય. આમ આ જાતકો  શત્રુથી, સંઘર્ષ માં અડચણોમાંથી વિજયી થાય છે 

કેટલીક વખત જીવનનાં મોટા ચડાવ ઉતાર માં સ્ત્રીઓ નો મુખ્ય રોલ જોવા મળે છે. 

શુક્ર ની બીજી રાશિ 11માં ભાવે રહેલી છે. 

11 મો ભાવ : આવક, મિત્રો. 

શુક્ર ચોથે ઉચ્ચ નો થાય છે. ૧૧માં ભાવના અધિપતિ તરીકે સ્થાવર સંપત્તિ ની આવક ઉચી મળી રહે. 

શુક્ર 10 મા ભાવે કન્યા રાશિમાં નીચનો થાય છે. 11માં ભાવનો અધિપતિ 10મેં નીચનો થાય, 10મો ભાવ સ્ટેટસ, ફેઈમનો છે. અહીં એક ચોઈસ મળે છે કે, આવક વધુ જોઈએ કે, સ્ટેટસ? આવક વધુ હોય તો સ્ટેટસ ઓછું હોય, સ્ટેટસ ઊંચુ રાખવા જતા આવકમાં ઘટાડો થવા લાગે છે. સ્ટેટસ ઊંચુ રાખવા માટે હાથમાં રહેલા કામ પરથી ફોકસ જતું રહે તેથી આવક ઉતરતી જાય છે. 

બુધ :

ધન લગ્નની કુંડળીમાં બુધની મિથુન રાશિ સાતમાં ભાવે તથા બીજી કન્યા રાશિ 10 માં ભાવે રહેલી છે. 

બુધ ૧૦માં ભાવે ઉચ્ચનો થાય છે. જે દર્શાવે છે કે, હાર્ડવર્ક જ તેમના સ્ટેટસને ઉપર લાવશે. વ્યાપાર માં લાઈફ પાર્ટનરનો સહયોગ હોય તો સક્સેસ સારી મળે. આ બુધ 4થા સુખ સ્થાનમાં નીચનો થતો હોવાથી આ જાતકને સક્સેસ ના મળે તો દુ:ખી થાય છે. પોઝીશનમાં ઘટાડો કે તેમના કાર્ય ને ધ્યાનમાં લેવામાં ના આવે તો દુ:ખી થાય છે. અથવા મેરેજ પછી બુધના કારકત્વનાં ક્ષેત્રમાં આવતી બાબતો પ્રત્યે થી દુખ થતાં મનની શાંતિ ગુમાવે છે. 

ધન લગ્નની કેટલીક નેગેટિવ બાબતો. 

આ જાતકો કુટુંબના સભ્યો ની સતત ટીકા કરનાર હોય છે. 

તેઓ એમ માને છે કે, તેમના જેટલું ઈન્ટલીજન્ટ કુટુંબમાં કોઈ નથી. 

આ જાતકો બીજાનાં કાર્યોમાં ઈન્ટરફીયર થતાં નથી. હાથ નીચેના માણસોને પૂર્ણ સ્વતંત્રતા આપે છે. એ ફક્ત પોતાનું કામ કરે છે. માઈક્રો મેનેજર નથી માટે અસફળતા મળે છે. તેઓ સારા મોટિવેટર હોય છે. 

લગ્નેશ બીજે નીચનો થતો હોવાથી આ જાતકોને આંખનાં પ્રોબ્લેમ હોય છે. વળી લગ્નેશ ૮મેં ઉચ્ચનો થતો હોવાથી નાની – મોટી ખોડ જેવું હોવાની સંભાવના હોય છે. 

વટનો કટકો હોય, ખૂબ અભિમાની હોય.

વૃશ્ચિક લગ્ન :

શ્રી ગણેશાય નમ :
શ્રી સરસ્વતેય નમ:
વૃશ્ચિક લગ્ન :
આજે વાત કરીશું વૃશ્ચિક લગ્નની :
કુંડળીના પહેલાં ખાનામાં જો ૮ અંક લખાયેલો હોય તો, જન્મ સમયે રાશિમંડળની ૮મી રાશિ જેને વૃશ્ચિક રાશિ થી જાણીએ છીએ એ વૃશ્ચિક રાશિ પૂર્વ દિશામાં ઉદિત હતી એમ કહેવાય છે.
વૃશ્ચિક લગ્ન માં જન્મેલા જાતકોનો દેખાવ, સ્વભાવ અને ગુણ-લક્ષણો :
વૃશ્ચિક રાશિ એટલે રાશિમંડળની ૮ મી રાશિ. નૈસર્ગિક કુંડળી કે કાળપુરુષની કુંડળીમાં તેનું સ્થાન ૮ માં ભાવ પર આવે.
જન્મ કુંડળી મા અષ્ઠમ ભાવ થી કેટલીક ખાસ બાબતો નો વિચાર કરાય છે. જેવી કે,
1) આયુષ્ય, (2) આકસ્મિકતા, (3) સંઘર્ષ, (4) ઓકલ્ટ નોલેજ જેવા કે તંત્ર મંત્ર, જ્યોતિષ, (5) ભૂતકાળના, ગતજન્મના નેગેટીવ કર્મનો હિસાબ, (6) ગુપ્તતા, રહસ્યો, (7) અંધકાર (8) રિસર્ચ.
(આ ઉપરાંત ઘણી બાબતો આઠમાં ભાવ સાથે સંકળાયેલ છે પણ અહીં તે અસ્થાને છે)
વૃશ્ચિક રાશિ સ્થિર રાશિ છે. જળતત્વની સ્થિર રાશિ. અહીં જળ સ્થિરત્વ પામેલું છે. અંધકારમય જગ્યા એ છે, એટલે કે કૂવા ના નીર સાથે સંકળાવી શકાય. જ્ઞાન ને એકત્ર કરવાનો સ્વભાવ. જ્ઞાન નો ભંડાર છે. વસ્તુ – પરિસ્થિતિ ના ઊંડાણ સુધી જઈને રહસ્ય પામવાની વૃત્તિના હોય છે. રિસર્ચ વૃત્તિ ધરાવે છે. સારા ડિટેક્ટિવ, વૈજ્ઞાાનિક ના લક્ષણો ધરાવે છે.
સ્થિર જળ – કૂવો = ગુપ્તતા = આંતરિક સીક્રેટસ
અંધકાર, પૂર્વગ્રહો યુક્ત, કપટી અને ડીટરમીનેશનવાળા હોય છે.

વિપ્ર વર્ણ ની રાશિ હોવાથી બ્રાહ્મણ જેવા કાર્યો કરે છે. પૂજા-પાઠ, વેદો, જ્યોતિષ નો અભ્યાસ અને સંશોધન ક્ષેત્રે પણ આગળ જવામાં રસ ધરાવતા હોય છે. આ લગ્ન માં જન્મેલા ભાગ્યે જ નાસ્તિક જોવા મળે છે.
વૃશ્ચિક રાશિ સમ રાશિ છે. બેકી રાશિ માટે સ્ત્રી સ્વભાવ ની રાશિ છે.
વૃશ્ચિક રાશિ નો અધિપતિ મંગળ છે.
મંગળ પુરુષ ગ્રહ છે. સ્વભાવે ક્રુર ગ્રહ, તામસી ગ્રહ છે.
મંગળ લડાયકવૃત્તિનો, સાહસ, હિંમત નો કારક, યુધ્ધ માટે શસ્ત્રો થી યુક્ત, સંઘર્ષરત રહેનાર ગ્રહ છે. જ્યારે વૃશ્ચિક રાશિ સ્ત્રી રાશિ હોઈ અહીં મંગળ નો એક્ટિવ એગ્રેસીવ સ્વભાવ પેસિવ બની જાય છે. જેને કારણે યુધ્ધખોરી, સામે વાર કરવો લડાઈમાં ઉતરી પડવું જેવા મેષ રાશિ ના ગુણધર્મો પર બ્રેક વાગે છે. જે કટુ આલોચના, નિંદા કરવી, કે પરદોષ જોવામાં પરિવર્તિત થયેલું જોવા મળે છે.
આ જાતકો સામે લડાઈ કરવાને બદલે બદલો લેવાની ભાવનાવાળા હોય છે. સીસ્ટમેટિક પ્લાન ઘડી ને દુશ્મન ને હરાવે છે. છુપી રીતે બદલો લે છે.
જો મંગળ સારી સ્થિતિ માં ના હોય તો, જાતક જાતને નુકસાન પહોંચે તેવા કાર્યો કરે છે. કેટલીક વાર પ્રયોગાત્મક રીતે પણ નશા તરફ પ્રેરાય છે. ( કોઈ પણ જાતનાં નશિલા પદાર્થો નું સેવન કરવું વગેરે.)
વૃશ્ચિક રાશિ નું ચિન્હ વીંછી છે. વીંછી અંધકાર માં, સિક્રેટ દરમાં રહે. આઈસોલેટેડ જીવે છે. વીંછી ને છંછેડો તો જ એટેક કરે , ડંખ મારે. એકંદરે વૃશ્ચિક લગ્ન ના જાતક શાંતિ અને એકલતા ના ચાહક હોય છે.
વૃશ્ચિક રાશિ નો અધિપતિ મંગળ ગ્રહ છે. મંગળના નૈસર્ગિક મિત્રો માં સૂર્ય, ચંદ્ર એને ગુરુ આવે છે.
વૃશ્ચિક લગ્નની કુંડળી મા સૂર્ય ની રાશિ ‘સિંહ’ દસમ ભાવમાં સ્થિત હોય છે.
સૂર્ય :
સૂર્ય ઓથોરિટી, ગવર્નમેન્ટ, પાવર અને રાજકારણ નો દ્યોતક છે. સૂર્ય મેષ રાશિ માં ઉચ્ચત્વ તથા તુલા રાશિમાં નીચત્વ પામે છે.
વૃશ્ચિક લગ્ન માં મેષ રાશિ છઠ્ઠે ભાવે છે, જેથી આ લગ્ન માં સૂર્ય છઠ્ઠા ભાવે ઉચ્ચનો થાય છે. આ જાતકો ગવર્નમેન્ટ માં સેવા આપી શકે છે. સૂર્ય જીવનતત્વનો કારક હોઈ છઠ્ઠે ઉચ્ચ નો બનીને બેઠેલો સૂર્ય જાતકને સર્જન કે વકીલ બનાવે છે. અથવા મેડીકલ ક્ષેત્રે પણ લઈ જવા કારણભૂત બને છે.
આ જાતકોમાં રહેલી ફાઈટીંગ સ્પિરિટ આદરને પાત્ર હોય છે. સતત સંઘર્ષ અને લડત ને અંતે વિજયી જરૂર બને છે.
જીવનમાં આવતી દરેક ચેલેન્જ ને સ્વીકારી ને તેમાં વિજયી થવા માટે સંઘર્ષ કરવામા આનંદ અનુભવે છે. તુલા રાશિ બારમાં ભાવે રહેલી છે. બારમો ભાવ પરદેશનો ભાવ છે. સૂર્ય તુલા રાશિમાં નીચનો થતો હોવાને કારણે પરદેશ માં શોષણનો ભોગ બને છે.
ગુરુ :
વૃશ્ચિક લગ્ન માં બીજા ભાવે ધન રાશિ આવે છે. બીજો ભાવ કુટુંબ ભાવ, ધન ભાવ ગણાય છે.
બીજા ભાવમાં આવતી ધન રાશિ નો અધિપતિ ગુરુ છે. માટે વૃશ્ચિક લગ્ન ના જાતકો ના કુટુંબીજનો (માતા-પિતા) ઉચ્ચ અભ્યાસ કરેલા હોઈ શકે છે. ગુરુની બીજી રાશિ પાંચમા ભાવમાં હોય છે.
ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચત્વ મેળવે છે, કર્ક રાશિ નવમા ભાવમાં રહેલી છે. જ્યારે ગુરુ મકર રાશિમાં નીચત્વ પામે છે, વૃશ્ચિક લગ્ન માં મકર રાશિ ત્રીજા ભાવમાં રહેલી છે.
બીજા તથા પાંચમા સ્થાનના અધિપતિ ગુરુ આ લગ્ન મા વેલ્થનો કારક બને છે. આ લગ્ન ના જાતકો સમૃધ્ધ હોય છે.
બીજા કુટુંબ ભાવનો અધિપતિ નવમા ભાવે ઉચ્ચ નો થતો હોવાથી જાતકનું કુટુંબ ધર્મ માં માનનારું, તથા ગુરુ, બ્રાહ્મણ ની સેવા કરનારું હોય છે. સોશ્યલ વર્ક કે ધાર્મિક કાર્યો કરનારું હોય છે.
વૃશ્ચિક લગ્ન માં પાંચમા ભાવમાં મીન રાશિ રહેલી હોય છે. પાંચમો ભાવ સંતાન ભાવ, ક્રીએટીવીટી નો ભાવ તથા શેર બજાર નો ભાવ ગણાય છે.
વૃશ્ચિક લગ્ન ના જાતકો ચેરીટી મા માને છે. કારણકે પાંચમા ભાવમાં મીન રાશિ છે. જેનો અધિપતિ ગુરુ નવમા ધર્મ ભાવમાં કર્ક રાશિમાં ઉચ્ચ નો થાય છે.
પાંચમો ભાવ સંતાન ભાવ તથા ક્રીએટીવીટી નો છે. જાતક પોતાના બાળકને કોઈપણ પ્રકારની ક્રીએટીવીટી માટે પુરતો અવકાશ આપે છે. આ જાતકો ઓપન માઈન્ડના હોય છે.
જાતક પોતે સ્પિરીચ્યુઅલી ક્રીએટીવીટી બતાવી શકે છે.
પાંચમો ભાવ શેર બજાર નો, બીજો ભાવ ધન, કુટુંબ નો. બંને નો અધિપતિ ગુરુ છે. આ જાતકો શેર બજાર માં રોકાણ કરતાં હોય છે. પોતાની કૌટુંબિક સંપત્તિ ને શેર માર્કેટ માં રોકતા હોય છે.
ચંદ્ર :
વૃશ્ચિક લગ્ન માં ચંદ્ર ની રાશિ કર્ક નવમા ભાવે રહેલી છે. ચંદ્ર, માતાનો કારક ગણાય છે. મનનો કારક ગણાય છે.
ચંદ્ર ઉચ્ચ નો વૃષભ રાશિમાં થાય, જ્યારે નીચનો વૃશ્ચિક રાશિમાં એટલેકે લગ્નની રાશિ માં થતો હોય છે.
આ લગ્ન માં વૃષભ રાશિ સાતમા સ્થાને રહેલી છે. સાતમું સ્થાન મેરેજ, પાર્ટ્નરશીપ, વ્યાપાર નુ છે.
વૃશ્ચિક લગ્ન ના જાતકો નો ભાગ્યોદય લગ્ન થકી થતો હોય છે.
નવમાંશ સ્થાન નો અધિપતિ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચનો થતો હોય છે, ચંદ્ર માતૃકારક છે તથા લગ્નેશ મંગળ નવમા ભાવની કર્ક રાશિમાં નીચનો થતો હોવાથી, આ જાતકો માતૃસુખથી વંચિત રહેતા હોય છે. આ જાતકને માતા તરફથી ઉમળકાભેર સ્નેહ ના મળવાને કારણે હંમેશા માતૃસ્નેહથી વંચિત રહેવાનું દુ:ખ અનુભવાતું હોય છે. આ જાતકો માતૃ ભક્ત હોય છે પરંતુ એમના નસીબ માં માતાનો પ્રેમ હોતો નથી. કારણકે નવમો ભાવ ભાગ્ય ભાવ ગણાય છે.
વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો થતો હોવાથી આ જાતકો સતત ચિંતિત તથા વ્યગ્ર રહે છે. તેઓને પોતાના વ્યક્તિત્વમાં કંઈક ખૂટતું હોય તેમ લાગે છે.
વૃશ્ચિક લગ્ન ની કુંડળી માં શનિ, શુક્ર અને બુધ અશુભ ગણાય છે. ( લઘુપારાશરી મુજબ).
શનિ:
શનિ મંગળનો નૈસર્ગિક શત્રુ છે. પરંતુ મંગળ, શનિ ને સમ માને છે.
શુક્ર :
શુક્ર તથા મંગળ પરસ્પર સમ સંબંધ ધરાવે છે.
બુધ:
મંગળ, બુધને સમ ગણે છે, જયારે બુધને મંગળ પ્રત્યે શત્રુતા છે.
શનિ :
વૃશ્ચિક લગ્ન ની કુંડળી માં ત્રીજા તથા ચોથા ભાવમાં શનિની રાશિ અનુક્રમે મકર તથા કુંભ રહેલી છે.
મકર રાશિમાં લગ્નેશ મંગળ ઉચ્ચનો થાય છે, જયારે કર્ક રાશિમાં નીચત્વ મેળવે છે.
ત્રીજો ભાવ સાહસ, ધૈર્ય, માનસિકવલણ દર્શાવે છે.
લગ્નેશ મંગળ ઉચ્ચનો થાય છે. મંગળ : સાહસ, હિંમત, ડીસિપ્લિન નો કારક છે. આ લગ્નના જાતકો શિષ્તબધ્ધ રહેવાની વિચારસરણી ધરાવતા હોય છે. મકર રાશિનો અધિપતિ શનિ હોવાને કારણે આ લગ્નના જાતકો ઝાઝી હિંમત કરતાં નથી, ખૂબ વિચારીને નિર્ણય લે છે . મંગળ ની સાહસવૃત્તિ પર બ્રેક વાગે છે. ડરી ડરીને ઉંડાણથી પરિસ્થિતિનો ક્યાસ કાઢીને આગળ વધવાની મનોવૃત્તિ ધરાવે છે. ચાલે છે. કોઈ પણ પગલું ભરતાં પહેલાં દરેક બાજુના પાસાનો વિચાર કરે છે.
ત્રીજો ભાવ હિંમત- સાહસનો છે, શનિ તેનું આધિપત્ય કરે છે. શનિ મેષ રાશિમાં નીચત્વ પામે છે. વૃશ્ચિક લગ્નની કુંડળીમાં મેષ રાશિ છઠ્ઠા સ્થાનમાં રહેલી છે. અહીં ત્રીજા પરાક્રમ સ્થાન ના અધિપતિ તરીકે શનિ નીચનો થતો હોવાથી જાતક સામી છાતીએ યુધ્ધ કે શત્રુતા કરવાને બદલે અનધિકૃત રીતો અપનાવીને યુધ્ધમાં વિજય મેળવે છે. Below the belt વાર કરે છે તેમ કહેવાય.

ત્રીજું સ્થાન ભાઈ-ભાંડુ નું છે. ભાઈ-બ્હેન સાથેનાં સંબંધો એક નિશ્ચિત સ્ટ્રક્ચરમાં ગોઠવાયેલાં હોય છે. પોતાની જરૂર જેટલાં સંબંધો રાખતાં હોય છે. વાતચીત પણ સિમિત દાયરામાં રહીને કરતાં હોય છે.
વૃશ્ચિક લગ્ન ની કુંડળી માં ચોથા ભાવમાં કુંભ રાશિ હોય છે. જેનો અધિપતિ ગ્રહ શનિ છે. શનિ મેષ રાશિમાં નીચત્વ પામે છે. આ લગ્ન ના જાતકો પ્રોપર્ટી, જમીન કે ઘર બાબતમાં કોર્ટ કેસ કરે તો હારવાની શક્યતા રહે છે.
ચતુર્થેશ શનિ બારમા ભાવે રહેલી તુલા રાશિમાં ઉચ્ચનો થતો હોવાથી આ જાતકો વતન છોડી પરદેશમાં જવાનું ઈચ્છતા હોય છે.
શુક્ર :
વૃશ્ચિક લગ્નમાં સાતમે વૃષભ રાશિ રહેલી છે. જેનો અધિપતિ ગ્રહ શુક્ર છે. શુક્ર ની બીજી રાશિ તુલા વૃશ્ચિક લગ્નમાં બારમાં ભાવમાં રહેલી છે.
સાતમાં ભાવથી મેરેજ, પતિ/પત્ની, પાર્ટ્નરશીપ, વ્યાપાર ની વિચારણા થતી હોય છે.
શુક્ર મીન રાશિમાં ઉચ્ચ નો એટલે કે, આ લગ્નમાં પાંચમાં ભાવે ઉચ્ચનો થાય છે.
વૃશ્ચિક લગ્ન ના જાતક નું લાઈફ પાર્ટનર દેખાવમાં સુંદર હોય છે, કારણકે સાતમે શુક્ર ની રાશિ વૃષભ રહેલી હોય છે. લગ્ન રાશિ તથા સપ્તમમાં રહેલી બંને રાશિ સ્થિર રાશિ છે. જેથી એકબીજા ના સ્વભાવ માં સામ્યતા હોય છે. લગ્નેશ મંગળ હોઈ જાતક પોતાના લાઈફ પાર્ટનર ને પ્રોટેકશન આપે છે. ઈમોશનલી સપોર્ટ કરે છે.
શુક્ર ની બીજી તુલા રાશિ બારમા ભાવે છે.
બારમા ભાવથી ચેરીટી, હોસ્પિટલ, પરદેશ ની વિચારણા કરાય છે.
પાંચમા ભાવે શુક્ર ઉચ્ચ નો થતો હોવાથી જાતક નુ માનસિક વલણ ચેરીટી કરવા તરફનું હોય છે. જાતક ત્યાગની ભાવનાવાળા હોય છે. ફીલોસોફર જેવી વિચારસરણી હોય છે. જીવન અંગે મોટા મોટા સપના જોતાં હોય છે.
શુક્ર 11માં ભાવે કન્યા રાશિમાં નીચત્વ પામે છે. આ કારણે વ્યાપાર કરે તો, આવક જોઈએ તેટલી મળતી નથી. વ્યાપારમાં નુકશાન થાય છે, ખાસ કરીને વાહન, સ્ત્રીઓને લગતી વસ્તુઓ કે શુક્ર ના કારકત્વને લગતી વસ્તુઓ ના વ્યાપારમાં નુકશાન થાય અથવા આવક ઓછી મળે છે.
શુક્ર 12 માં ભાવનો અધિપતિ થઈ 11મેં નીચનો થતો હોવાથી ઈન્ટરનેશનલ વ્યાપાર માં પણ નુકશાન થાય છે.
બુધ :
વૃશ્ચિક લગ્નમાં બુધની રાશિ મિથુન ૮ માં સ્થાન પર છે, જ્યારે બીજી રાશિ કન્યા 11માં સ્થાને છે.
બુધ 11મેં કન્યા રાશિમાં ઉચ્ચ નો જ્યારે પાંચમેં મીન રાશિમાં નીચનો થાય છે.
૮ મો ભાવથી આયુષ્ય, આકસ્મિકતા, સાસરા પક્ષનો વિચાર કરાય છે.
આ જાતકો સાસરા પક્ષ સાથે મીનીમમ કોમ્યુનિકેશન રાખે છે. વૃશ્ચિક લગ્નનાં જાતકો ઉતાવળીયા હોય છે, વળી બુધની રાશિ ૮ માં સ્થાને હોતા ત્વરિત નિર્ણય લઈ ને અમલમાં મુકનારા હોય છે, આથી આ જાતકો ઈમરજન્સી સેવાઓ સારી બજાવી શકે છે.
બુધ પાંચમા ભાવે નીચત્વ મેળવતો હોવાથી, આંતરિક રીતે ઉંડાણથી શોક, દુ:ખની લાગણી અનુભવતા હોય છે. ઇમોશનલી ફલ્ચ્યુએટેડ માઈન્ડ ધરાવતા હોય છે.
બુધ 11મેં ઉચ્ચ નો થાય છે, આથી બુધ ના કારકત્વમાં આવતી મેટરમાંથી આવક થાય છે.
11મો ભાવ રીલેટીવ્સનો, મિત્રો નો છે. બુધ કેલ્ક્યુલેટીવ ગ્રહ હોઈ મિત્રો ઓછા હોય અને પોતાને તેમની પાસેથી શું ફાયદો મળે તે જોવે છે. બુધ અષ્ઠમેશ પણ હોવાથી આવકમાં ફ્લચ્યુએશન જોવા મળે છે. બુધના કારકત્વ જેમકે અભ્યાસ, વાચાળતા, નોલેજ વગેરે બાબતો અન્વયે જાતકને પોતાના માં કંઈક ખુટતું હોય તેમ જણાય છે.